Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ઓ... હો... હો... હો... કેટલા વરસના ગોરીઃ રમેશ મહેતાનો આજે જન્મદિન

ગુજરાતી કોમેડી કીંગએ રંગભૂમિ અને ફિલ્મક્ષેત્રે અનેક સિધ્ધીઓ હાંસલ કરી : ગુજરાતી ફિલ્મનાં સુવર્ણયુગનાં સાક્ષી તેઓ બન્યા હતા

'ઓ...હો...હો...હો... કેટલા વરસના ગોરી...તમે તો નાના...નાના.... ગોરી' આ ડાયલોગ સાંભળીને સૌને ગુજરાતી ફિલ્મ અભિનેતા રમેશ મહેતાની યાદ આવી જાય. આજે ગુજરાતી ફિલ્મોના કોમેડી કીંગ રમેશ મહેતાનો જન્મદિવસ છે.

ગુજરાતી ફિલ્મનાં સદાબહાર હાસ્ય અભિનેતા રમેશચંદ્ર ગિરધરલાલ મહેતાનો જન્મ રાજકોટ જિલ્લાના પાસે આવેલી દેવળા ભડભાદર નદીને કાંઠે વસેલા નવા ગામમાં વસતા ખરેડી બ્રાહ્મણ પરિવારમાં તા.૭-૮-૧૯૩૫ના રોજ જન્મ થયો. કોમેડી કીંગ રમેશ મહેતા પ્રાથમિક શિક્ષણ જમ્મુ - કાશ્મીરમાં લીધુ. લાહોરની ગ્યાનસિંહજી કોલેજમાં સ્નાતક થયા. લાહોરની કોલેજમાં જ રંગભૂમિનો રંગ ધૂટયો,  પારસી નાટકોમાં ભાગ લીધો. દિલ્હીમાં નિવાસ કરતા સરકારી કર્મચારીઓના બનેલા થ્રી આર્ટ ગ્રુપમાં અનેક નાટય પ્રયોગો કર્યા. આઝાદી પહેલા કલાના કામણ પાથર્યા. રમેશ મહેતાના બહુમુખી પ્રતિભાને નિખારને થ્રી આર્ટ ગ્રુપના શ્રી શીબુ ઘોંસલેએ વિશેષ તક આપી. 'ઇન્ડિયા ટુડે' પ્રથમ નાટકનું લેખન અને ૧૯૪૯માં કર્યા પછી ધડાધડ હાઉસફૂલ સફળ છ નાટય પ્રયોગો થયા પછી થ્રી આર્ટ કલબના ઇન હાઉસ રાયટર તરીકે ખ્યાતનામ થયા. ગુજરાતી - હિન્દી - બંગાલી તથા મરાઠી ભાષામાં નાટકો અને એકપાત્રીય સહિતના નાટકો લખ્યા. પાકિસ્તાન, કેનેડા, કેન્યા સહિત વિદેશો નાટયપ્રયોગો થયા. જબરૂ નામ કમાયા.

૧૩ મી નવેમ્બરે ૧૯૫૪ના દિવસે દિલ્હીના તીન મૂર્તિ ભવન ખાતે 'હમારે ર્ગાંવ' હિન્દી નાટયનો પ્રયોગ થયો. લોકલાડીલા વડાપ્રધાન જવાહર લાલ નહેરૂ પ્રધાન મંડળ સાથે નાટય પ્રયોગ માણ્યો. ભારોભાર વખાણ થયા. દિલ્હીથી રમેશ મહેતા થ્રી આર્ટ ગ્રુપ મારફત મુંબઇ ગયા. 'ધન્ય સૌરાષ્ટ્ર ધરણી'ના પ્રયોગ થયા. રમેશ મહેતાના મુંબઇમાં શરૂઆતી દિવસો અત્યંત આકરા હતા. ભૂખ્યા પેટે મંદિરોના ઓટલા પર સૂઇ દિવસો પસાર કર્યા હતા. રંગમંચ પર પેટ પકડીને હસાવનારા રમેશ મહેતાને ખાવાના સાંસા પડતા હતા.

કલા પારખુ કલ્પના દિવાને રમેશ મહેતાને મુંબઇમાં આશરો આપ્યો. 'ધન્ય સૌરાષ્ટ્ર ધરણી'નાં નાટયગ્રુપના મુખ્ય અભિનેતા અરવિંદ પંડયા સાથે વિશેષ પરિચય થયો. અરવિંદ પંડયા - કલ્પના દિવાને 'હસ્ત મેળાપ' ગુજરાતી ફિલ્મમાં તક આપી. લેખક અને કલાકાર તરીકે 'હસ્ત મેળાપ'માં અરવિંદ પંડયા, સરલા મહેતા, મનદૂર દેસાઇ સાથે રમેશ મહેતાનો પ્રવેશ થયો. વાંચન લેખનને કારણે રમેશ મહેતાએ પછી...તો...ઓ....હો.... ગુજરાતી ફિલ્મલાઇનમાં  'હસ્ત મેળાપ' થઇ ગયો, રંગભૂમિને ગુજરાતી ફિલ્મોમાં ટના...ટન ચાલ્યો. કચ્છની સાચુકલી કથાનું રંગીન ગુજરાતી ચલચિત્ર 'જેસલ તોરલ'માં અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા સાથે રમેશ મહેતાએ કોમેડીયન તરીકે વિખ્યાત થયા.

રમેશ મહેતાના નામનો જાદૂ એવો ચાલ્યો કે, ગુજરાતી ફિલ્મોમાં સદાબહાર કલાકારો ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને રમેશ મહેતાના નામે ગુજરાતી ફિલ્મો લાખોની કમાણી કરાવે. હાઉસફૂલના પાટીયા ઝુલે, સુપર ડુપર ચાલે. ઉપેન્દ્ર ત્રિવેદી સ્નેહલતાની જોડી હોય પછી રમેશ મહેતાને કલ્પના દિવાન હોય, રમેશ મહેતાને રજની બાળા હોય, રમેશ મહેતાને મેધના રોય હોય કે... રમેશ મહેતાને મંજરી દેસાઇ હોય.... પછી તો રમેશ મહેતાને મંજરી દેસાઇ પર્યાય બની ગયા હતા. ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, રમેશ મહેતા, મંજરી દેસાઇ તથા અન્ય કલાકારો 'દયા પ્રભુની...ધરમનો જય...હો','બોધી ગોરાણી...ખળીયો ખાલી ખ...મ','તારી માને બજરનું બંધાણ...ધના ધતુડી પતુડી...', 'અચકો...મચકો... તમે કયાં.' અનેક લોકવિધ કોમેડી ફિલ્મોનો સુવર્ણ કાળ આપ્યો.

મોરારીબાપુની રામકથા ગોંડલ પાસેના ગામે થઇ ત્યારે તુલસી પીઠ પર બિરાજમાન થયેલા મોરારીબાપુએ 'મહેતાજી પધારો' કહ્યુ ત્યારે 'ઓ...હો...હો..'કરતા સફેદ લેંઘો ઝભ્ભોમાં સજજ માથે કેપ ટોપો (ટોપી નહી) હાથમાં લાકડી લઇ પૂ.મોરારીબાપુ પાસે પહોચ્યા ત્યારે આખો કથા મંડપ તાલીયોના ગડગડથી ગુંજી ઉઠયો હતો. ત્રિવેણીના સંયોજક પૂ.લાભશંકરભાઇ (લાભુદાદા) હરીશભાઇ, જેન્તીભાઇ, નિલેશભાઇ સહિત અનેક ભાવિકોએ પૂ.બાપુએ રામનામી રમેશ મહેતાને અર્પણ કરી ત્યારે અદભૂત દ્રશ્ય હતુ. જૂનાગઢમાં નરસિંહ મહેતા એવોર્ડ, સમર્થ લોકગાયક પ્રાણલાલ વ્યાસની જૂનાગઢના ભૂતનાથ મંદિરના સત્સંગ હોલમાં સ્મરણાંજલી સભામાં પ્લાસ્ટીકની ચેરમાં રમેશ મહેતાને ચાહકો ઘેરી વળતા હતા. રમેશ મહેતાની લોકપ્રિયતા અકબંધ રહેતી. કથાનો હોય, સ્મરણનો એવોર્ડ હોય કે સ્વજનની વિદાયનો રમેશ મહેતા અચૂક જતા હતા.

ગરવી ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય કલાકારને ગીતો કે ગરબા આપવામાં આવતા. તેમજ હાસ્ય કલાકાર રમેશ મહેતાને એક થી બે ગીતો સાથે અભિનય કરવાની નિર્માતાઓને ફરજ પડતી હતી. એક ઇન્ટરવેલ (મધ્યાંતર) પહેલાને પછી. નહીતર પ્રેક્ષકો દેકારો કરતા. ખાલી થઇ જતુ હતુ થિયેટર. આવો રમેશ મહેતાનો દાદુ અભિનય હતો.હાસ્ય કથા સાથે ફિલ્મની કથા પેરેરલ (અકબંધ) ચાલતી હતી. મૂળ કથાનો રસભંગ થતો નહી. રમેશ મહેતા હાસ્યના ફૂવારા છોડી રંગ જમાવતા હતા. રમેશ મહેતાએ હોથલ પદમણી, જેસલ તોરલ, હલામણ જેઠવો, નવરંગ ચૂંદડી, નમણી નાગરવેલ, રાજા ભરથરી, ભાદર તારા વહેતા પાણી, તમેરે ચંપોને અમે કેળ, ઘુંઘર, પારસ પદમણી, વાલોના મોરી, મેરૂ માલણ, ગજરા મારૂ વગેરે ફિલ્મોમાં અભિનય કર્યા છે. રમેશ મહેતાએ લેખક તરીકે લખેલી ૧૫ ફિલ્મોમાંથી ૧૧ જેટલી ફિલ્મોએ સિલ્વર જયુબલી ઉજવી છે. અનેક એવોર્ડ અને સન્માનથી સન્માનીત થયા છે. 'હાસ્ય સમ્રાટ'નો એવોર્ડ કે બિરૂદને અકબંધ રાખ્યો છે.

રાજકોટના હેમુ ગઢવી હોલના ઉદઘાટન પ્રસંગે રમેશ મહેતા સ્ટેજ પર રંગમંચ પર આળોટતા આળોટતા નમન કરતા પ્રવેશ કર્યા. ભારે સાચો રંગ કર્મી હાસ્ય સમ્રાટે તમામ પ્રેક્ષકો અને મહેમાનોની આંખમાં ઝળઝળીયા લાવી દીધા હતા. સૌએ ઉભા થઇને તાલીયોના તાલે રમેશ મહેતાને વધાવી લીધા. રમેશ મહેતા રંગભૂમિના અનોખા કલાકાર હોવાથી ડાયલોક ડીલીવરી, હાવભાવ, શબ્દોની સરવણી પ્રસંગને અનુરૂપ વસ્ત્રોમાં માસ્ટરી હતી. સાસણ ગીરની પ્રાથમિક શાળાના આચાર્ય અને પોસ્ટ માસ્ટર મોહનભાઇ રાવલ, કાંશીયા નેશના રેલ્વે સ્ટેશન માસ્ટર ભગતરામ શર્મા, કાંસીયા નેશના ફોરેસ્ટર જેન્તીબાપા રમેશ મહેતાના પ્રસંગને વર્ણવતા કહે છે કે, વિસાવદરમાં એક સ્વજનને ત્યાં માઠા પ્રસંગે રમેશ મહેતા આવ્યા. માથે સફેદ ફાળીયુ ઓઢી ચાર પાંચ સ્વજનો સાથે નીકળ્યા.રમેશ મહેતાની ઉંચાઇ પૂરેપૂરી લૌકીક કરતા નીકળ્યા, ચાહકો જોઇ ગયા. રમેશ મહેતા આવ્યા. રમેશ મહેતા આવ્યા. ઓ..હો..હો.. થઇ ગયુ. રમેશ મહેતા હાસ્યનું સહજ સર્જન કરતા હતા. ગંભીર પ્રસંગ હળવો થઇ ગયો.

રમેશ મહેતા ભૂદેવ સાહિત્ય અને શાસ્ત્રના ઉંડા અભ્યાસી વેદ પૂરાણ રામાયણ ભાગવત ગીતા નિત્ય અભ્યાસી, ભણતર સાથે રમેશ મહેતાને ઘડતર પણ સારૂ. તેથી જયોતીષશાસ્ત્રનો ઉંડો અભ્યાસ વાંચન કરેલુ. ગ્રહોની ચાલ, દશા - મહાદશાની જાણકારી હોવાથી ગુજરાતી ફિલ્મના મુહુર્તમાં કયારેય હાજર નહી, રમેશ મહેતાએ તેમના ધર્મપત્ની વિજયાલક્ષ્મી બેનના નિધનથી એકલતા અને દર્દને છાને ખુણે સંઘરી રાખી બહારથી હળી મળી તાજા માજા રહેતા હતા. ગુજરાતી ફિલ્મોનો સુર્વણયુગના સાક્ષી રમેશ મહેતા બન્યા. રમેશ મહેતાએ ગુજરાતી ફિલ્મોમાંથી અભિનય કરવાનું ધીમે ધીમે ઓછું કર્યુ. સને ૧૯૮૦ની આસપાસમાં 'ગાજરની પીપુડી' ગુજરાતી ફિલ્મમાં મુખ્ય અભિનય કર્યા. ગુજરાતી આલ્બમોમાં કામ કર્યુ. ટીવી યુગમાં લોભાયા વગર માત્ર રંગભૂમિને વફાદાર રહ્યા. ઉતમ વકતા, શ્રોતા, નિરાભીમાની, ખરાબ બોલવુ નહી, તેમનો સિધ્ધાંત હતો.

રમેશ મહેતાએ ગુજરાતી ફિલ્મોમાંથી ધીમે ધીમે નિવૃતિ લીધા પછી સદા ઐશ્વર્ય આપતી નર્મદા નદીના તટે કરનારી (કુબેર ભંડારી) ખાતે ગ્રામ પંચાયત ઓફીસ પાસે આવેલા સિધ્ધ ગાયત્રી ઉપાસક પૂ.શાંતવનજી દક્ષીણામુર્તિ આશ્રમમાં ગાયત્રી અનુષ્ઠાન, નર્મદા સ્નાન, નર્મદા ધ્યાનનો ક્રમ બનાવી લીધો અનુકુળતા હોય તો મોરારીબાપુની રામકથાનો લાભ લેતા, 'હાસ્ટસમ્રાટ'નો લોકહૃદયમાં બિરૂદ અકબંધ રહે તે માટે મારા મૃત્યુ પછી મારે અંતિમયાત્રા અનોખી નીકળે, કોઇ વિધી વિધાન કરવા નહી, લૌકિક ક્રિયા કરવી નહી, કડક સૂચના આપતા તા.૧૧-૫-૨૦૧૭ના રોજ ૭૭ વર્ષની જૈફ વયે વિદાય લીધી.

'ઓ...હો...હો... તમે મોળુ કાં કરો સો....માં...સત્તર ઓછા છે, હજી ત્યાસી (૮૩) થીયા, હવે તો... કે...કે...કાપો' રમેશ મહેતા આજે આપણી વચ્ચે હયાત હોય તો કહેત 'દયા...પ્રભુની....ઉંમરની જય...' બોધી...હા...લ. રમેશ મહેતાના જન્મદિને લાખો....કરોડો શુભકામના સાથે..

:- સંકલન -:

મયુર મો.રાવલ

માણાવદર,મો.૯૪૨૭૭ ૩૩૦૨૯

(11:23 am IST)