Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અભયભાઈ ભારદ્વાજનો કાલે જન્મદિવસ : ૬૭માં વર્ષમાં મંગલ પ્રવેશ : અભિનંદનવર્ષા

વાપી : ભારતીય જનતા પાર્ટીના રાજયસભાના સત્તાવાર ઉમેદવાર તેમજ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ભારદ્વાજનો આવતીકાલ એટલે કે ૨જી એપ્રિલના રોજ જન્મદિવસ છે. તેમના આ જન્મદિને ભાજપ સંઘ, બાર એસોસીએશન તેમજ રાજકોટની જનતા શુભેચ્છા આપવા આતુર બની છે.

આવો આપણે આ વેળાએ અભયભાઈની યશસ્વી કારકિર્દીની એક ઝલક જોઈએ. ૨જી એપ્રિલ ૧૯૫૪ના રોજ આફ્રિકાના યુગાન્ડામાં જન્મ પરંતુ કર્મભૂમિ બનાવી ભારતના પવિત્ર ભૂમિ એવી ગુજરાતના રાજકોટને.

અભયભાઈએ મુંબઈમાં ૨ વર્ષ અભ્યાસ કર્યો. આઈટીઆઈમાં એરોન્થેટીકલ એન્જીનિયરીંગની પરીક્ષા પણ પસાર કરી. સ્થિતિને સ્વીકારી આખરે રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં આર્ટસ વિભાગમાં અંગ્રેજી ફીલોસોફી સાથે સ્નાતક થયા.

સરસ્વતી માતાની અસીમ કૃપાથી માત્ર ૧૭ વર્ષની વયે અખબારમાં જોડાયા અને માત્ર ૧ જ વર્ષમાં સબ એડીટરના પોસ્ટ સુધી પહોંચ્યા. ૧૯૮૦ના વર્ષથી અભયભાઈએ વકીલાતના વ્યવસાયમાં ઝંપલાવ્યુ.

'અભય' અભય જે નામનો જ અર્થ થાય છે કે જેને કોઈનો ભય નથી. સામે ખુંખાર ગુંડા હોય કે કોઈ બદમાશ, ડર રાખ્યા વિના અભય થઈ અનેક કેસો લડ્યા. શશીકાંતમાળી પ્રકરણમાં એકલા હાથે ધુરંધર વકીલો સામે લડી સત્યને જીત અપાવવા સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી શશીકાંતને ફાંસી અપાવી દવે પરિવારને ન્યાય અપાવીને જ જંપ્યા..

બાળપણથી જ આરએસએસના સ્વયંસેવક રહેલા અભયભાઈ રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી રહ્યા છે. અનેક ચર્ચાસ્પદ કેસોમાં ગુનેગારોને સજા અપાવી અભયભાઈએ ભરપૂર લોકચાહના મેળવી છે.

ભાગ્યના જોરે અભયભાઈએ રાજકીય આલમમાં પણ ઝંપલાવ્યુ હતું. ૧૯૭૭માં જનતા પાર્ટીનું શાસન આવ્યુ ત્યારે માત્ર ૨૩ વર્ષની વયે રાજકોટ શહેર જીલ્લા જનતા પક્ષના મંત્રી બની ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી બન્યા. એટલુ જ નહિં અખિલ ભારતીય કારોબારીમાં મહત્વનું સ્થાન પણ મેળવ્યુ.

સરકારે લો કમિશનમાં પણ તેમને મહત્વનું પદ આપી એમની સેવાનો લાભ મેળવ્યો છે. એટલુ જ નહિં ભાજપે તેમના કાર્યોની નોંધ લઈ તાજેતરમાં જ પક્ષે પોતાના સત્તાવાર ઉમેદવાર રાજયસભાના  સભ્ય તરીકે જાહેર કર્યા છે અને ગત તા. ૨૬મી માર્ચના રોજ જેની ચૂંટણી પણ હતી.

પરંતુ દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિને લઈ ચૂંટણી મોકૂફ રાખવી પડી છે. પરંતુ અભયભાઈ પાસે કોઈ પદ હોય કે ના હોય સામાજીક કાર્યોમાં સદા અગ્રેસર હોય છે.

રમત ગમતનું આયોજન હોય કે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય એમનું યોગદાન હોય જ. યુવા વયે પરશુરામ યુવા સંસ્થાનની સ્થાપના કરી જબરદસ્ત ક્રાંતિ સર્જી હતી. જન્માષ્ટમીના પાવન પર્વ વેળાએ રથયાત્રા શરૃ કરાવવામાં અભયભાઈનો સિંહફાળો રહ્યો છે.

વર્ષો સુધી બાર એસોસીએશનના પ્રમુખ તરીકે માર્ગદર્શન આપતા રહ્યા. જ્ઞાતિમાં પણ સદા અગ્રેસર રહી સેવા આપી. કોઈપણ ધર્મ હોય. કોઈપણ જ્ઞાતિ હોય. યુવા હોય કે વૃદ્ધ દરેકમાં અદ્દભૂત લોકચાહના ધરાવતા અભયભાઈ ભારદ્વાજ(૯૮૨૪૨ ૮૦૧૪૦) આવતીકાલ એટલે કે ૨જી એપ્રિલ ૨૦૨૦ના રોજ યશસ્વી કારકિર્દીના ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

(4:25 pm IST)