Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

આજના શુભ દિવસે - 639

છઠ્ઠા ધોરણમાં ભણતી ૧૧ વર્ષની છોકરી એક વખત સ્કુલથી પાછી ફરીને ઘેર આવતા વેંતજ દફતરનો ઘા કરીને ખૂણામાં બેસી જાય છે. એને મમ્મી પૂછે છે શંુ થયું બેટા...! જવાબ આપતી નથી. અંતે થાકીને એના પતિને કહે છે. તેઓ હજુ પોતાની નોકરી પરથી પાછા ફર્યા હોય છે.

તેઓ ખુરશી પર બેઠા બેઠા ચા પીતા હતા, અને પૂછે છેઃ કેમ બેટા, ચૂપચાપ બેસી ગઇ છો?'દિકરી કંઇ જવાબ નથી આપતી. પપ્પા ઊભા થઇને દિકરીને માથે વહાલથી હાથ ફેરવી પૂછે છેઃ 'બેટા, મારી વ્હાલી દિકરી પપ્પાને નહીં કહે શું થયું છે?'

'પપ્પા, હવે કાલથી હું સ્કુલ નહી જાઉં' બે-ત્રણ દિવસ દિકરીને સમજાવવાની કોશિષમાં નિષ્ફળ ગયા. તમાચો મારવાનો સવાલ જ નથી આવતો...! બીજા ત્રણ-ચાર દિવસ આમ જ જાય છે અને પછી બાળકી કહે છે કે એક શરતે હું ભણવા જાઉં. અરે, મારી વ્હાલી દિકરી એમાં શરત શાની ? તું જે કહે તે અમે કરવા તૈયાર છીએ.

દિકરી ખુશ થઇ જાય છે અને કહે છે કે 'મને ટકો કરાવી દો...!' ફરી મા-બાપ સમજાવવામાં બે-ત્રણ દિવસ કાઢે છે. અંતે થાકીને ટકો કરાવી દે છે. અને છોકરી ખુશખુશાલ થઇ સ્કુલ જાય છે.

સ્કૂલે પહોંચીને એની બહેનપણીને ભેટે છે, અને ખુશ થઇને કહે છે. 'હવે તને એકલીને કોઇ ટકો મૂંડો, ટકો મૂંડો કહીને મશ્કરી નહીં કરે. હવે હું પણ તારી સાથે જ છું...'

ઘેર જાય છે. મા-બાપ રાહ જોતા હોય છે. દિકરી ખુશ ખુશાલ છે અને ઠેકડા  મારતી આવે છે અને મા-બાપને ભેટી પડે છે.

મા-બાપને આમાં કશું સમજાયું નહીં, એટલે શિક્ષિકાને ઘેર પૂછવા જાય છે.' આમ, અમારી દિકરીએ કેમ કર્યુ...?

શિક્ષિકા જવાબ આપે છે. 'તેની બહેનપણીને બ્લડ કેન્સર છે અને તેની સારવાર કરવામાં તેના વાળ ખરી ગયા છે...!'

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:04 am IST)