Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

બોટલ મોંઘીદાટ, કોથળી તેજીમાં !

ગુજરાતમાં 'પીવા'નું ધમધોકાર ચાલે છે, કારણ કે- તંત્રને 'ખાવા'નું મળી જાય છે... 'ખાવા-પીવા'નું બંધ કરાવો !

ભારતમાં યુવા નેતાગીરી મુદ્દો ચમકી રહ્યો છે, પરંતુ લાલુ યાદના પુત્ર-યુવાનેતા તેજ પ્રતાપને સાંભળતા લાગે કે, આનું શરીર યુવાન છે, મન પ્રાચીનયુગમાં જીવી રહ્યું છે. સરકારી બંગલો ખાલી કરતા તેજપ્રતાપે નિવેદન કર્યું કે, 'બંગલામાં નીતિશકુમારે ભૂત છોડયું છે તેથી હું તેમાં રહી શકું તેમ નથી !'

 

ભારત ગજબનો દેશ છે આવા ગજબવેળામાં ગુજરાત પણ પાછળ નથી... રાજયમાં દારૂબંધી છે. આખા રાજયમાં કોઇ ગામમાં-શહેરમાં લગભગ દરેક શેરીમાં જોઇએ તેટલો દારૂ સરળતાથી મળી રહે છે. પીવાના પાણી માટે ભટકવું પડે, પરંતુ દારૂ તમને ઘરબેઠા મળી રહે તેવું વાઇબ્રાન્ટ નેટવર્ક ચાલે છે. આ બાબત સિક્રેટ પણ નથી. આ સ્થિતિ ગજબ ન કહેવાય ?

ગુજરાત સરકારે બજેટમાં ઉત્તમ પગલુ ભર્યું છે. દારૂ-બિયર પર એકસાઇઝ-ફીમાં તોતીંગ વધારો કર્યો છે. આ કારણે તેના ભાવમાં રૂ. પ૬ થી ૮૭૪ જેટલો વધારો થશે. ભાવવધારા પાછળ ઓછો પીવાય તેવાો ભાવ સરકારનો હશે. આ આવકાર્ય કદમ છે.

- પણ જે સત્તાવાર દારૂ ખરીદે તેના માટે આ ભાવ વધારો લાગુ પડશે, જેની પાસે પરમીટ છે એ દંડાશે, એમનેમ ગટગટાવનારાનું શું ? બોટમાં ભાવ વધારો લાગુ પડશે, ઘણાને નહિ પોસાય. આવા પ્યાસી કોથળી તરફ વળશે અને ભઠ્ઠાના ધંધામાં  તેજી આવી જશે...

સવાલ કાયદાનો નથી. ગુજરાતમાં દારૂબંધી કાયદો હળવો કરી દેવાયો છે, પરંતુ મુખ્ય સવાલ હળવા કાયદાના અમલનો છે. સ્થિતિ જોતા લાગે છે કે, પીવા પર ગુજરાતમાં પ્રતિબંધ જેવું કંઇ જ નથી. બેફામ પીવાય છે અને પીધા પછી જાહેરમાં બેફામ બને છે. રોકવાવાળુ કોઇ નથી.

ચોમેર રેલમછેલ બોલે છે તંત્ર પોતાની અનુકુળતાએ કયારેક પકડે પણ છે, પરંતુ આ પકડા-પકડી ઔપચારિકતા જેવી છે આવું શા માટે ? પીનારાઓને ગુજરાતમાં જોઇએ તેટલુ અને જોઇએ તેવું પીવા મળી જાય છે કારણ કે પીવડાવનારાઓ તંત્રને 'ખવડાવી' દે છે.

આ બધું હળવાશથી લેવાની જરૂર નથી. રાજયમાં ગુન્હાખોરી બેફામ વધી છે. પીધેલા કાબૂમાં રહેતા નથી અને જાહેરમાં ગૂંડાગીરી કરે છે. તંત્ર તેની સામે કંઇ પરાક્રમ કરતું નથી. સામાન્ય-નિર્દોષ લોકો પરેશાન થાય છે.

બિયર-દારૂના ભાવ આસમાને પહોંચાડી દેવાથી આ પ્રશ્ન ઉકેલવાનો નથી. અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા છે. ત્યારે કડક કાયદો ઘડીને તેનો આક્રમક અમલ કરાવવો જરૂરી છે. બિહારમાં તેજપ્રતાપ પર ભૂત સવાર થયું હતું તેમ ગુજરાત સરકાર પર દારૂબંધીના દંભનું ભૂત સવાર થયું હોય તેમ લાગે છે. સામાન્ય લેવલના ભૂત-પ્રેત કરતા દંભનું અને કૂવૃત્તિનું ભૂત વધારે ભયાનક હોય છે એ ભૂલવા જેવી વાત નથી.

(10:04 am IST)