Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

વિવિધ બ્રાન્ડનું હિન્દુત્વ !

શિવ સેના અલગ પડીઃ મોદી-રાહુલ અને ઉદ્વવ... ચૂંટણીઓમાં હિન્દુત્વના વિવિધ 'કલર' જોવા મળશે!

'પદ્માવત' ફિલ્મ અંગે સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપી દીધો છે આ સામે કરણી સેના પણ મેદાનમાં છે. ભારત બંધ જેવા એલાનો આપયા છે. આ તીવ્ર વિવાદનો સાવ સરળ ઉકેલ છે લોકો જાગૃત બનીને ફિલ્મ જોવા જ ન જાય તો સંજય ભણસાલીઓને ફટકો લાગે અને ભવિષ્યમાં ઇતિહાસ સાથે ચેડા કરવાનું ન વિચારે...

લોક જાગૃતિ મોટું કામ કરી શકે છે. આવનારા દિવસોમાં ભારતમાં બહુમતી વર્ગની જાગૃતિની કસોટી થાય તેમ લાગે છે. મોદિત્વના ઉત્થાન સાથે દેશમાં પ્રચ્છન્ન સ્વરૂપે હિન્દુત્વ જાગૃત થતું હોય તેમ લાગતુ હતું, પરંતુ મુખ્ય વિપક્ષ કોંગ્રેસે પણ લઘુમતી અને દંભી બિનસાંપ્રદાયિકતાને પડતી મૂકીને હિન્દુત્વના મત મેળવવા ખેલ નાખ્યા છે.

ગઇકાલે આવેલા સમાચાર પ્રમાણે શિવ સેના એન.ડી.એ. સાથે છેડો ફાડી રહી છે. ર૦૧૯ની ચૂંટણી એકલા હાથે લડવાની ઘોષણ ઉદ્ધવ ઠાકરેએ કરી છે. બાલાસાહેબ ઠાકરેની આક્રમક નીતિથી રાષ્ટ્રમાં આગવી ઓળખ સર્જનાર શિવસેના ઘણા સમયથી ભાજપથી નારાજ છે. વર્ષો જૂના સંબંધો તૂટી રહ્યા છે.

ભાજપ- સેનાનું તો જે થવું હોય એ થાય, પરંતુ બંનેની વોટબેંક મહારાષ્ટ્રમાં એક છે. આ વોટબેંકના ફાટા પડે એ ગંભીર બાબત ગણાય જેની અસર દેશમાં પણ થઇ શકે છે. આ કારણોસર બહુમતી વર્ગના મતદારોની કસોટી થનાર છે.

ર૦૧૯ની ચૂંટણીમાં વિવિધ બ્રાન્ડનું હિન્દુત્વ એક અબજ હિન્દુ મતદારો સામે હશે. મોદી બ્રાન્ડ, રાહુલ બ્રાન્ડ, ઉદ્ધવ બ્રાન્ડ, મમતા બ્રાન્ડના હિન્દુત્વમાંથી હિન્દુઓએ પસંદગી કરવાની રહેશે. મોદીની મજબૂતી અને અકલ્પનીય સફળતાથી પ્રેરાયને રાહુલ-કોંગ્રેસે દાયકાઓ જૂનુ બિનસાંપ્રદાયિકતાનું પીપૂડું વગાડવાનું બંધ કર્યું છે. રાહુલ ગાંધી મંદિરોમાં જઇને દર્શન કરવા લાગ્યા છે પોતાના ખાનદાનને શિવભકત ગણાવે છે. લઘુમતીઓની આળપંપાળ બંધ કરી દીધી છે તેમાં પણ ગુજરાતમાં થોડી સફળતા મળતા રાહુલ-કોંગ્રેસ આ નીતિમાં દૃઢ બને એ સ્વાભાવિક છે.

રાજનીતિના પલટાતા પ્રવાહો જોઇને મમતા બેનરજીએ પણ હિન્દુત્વ તરફ મંડાણ કર્યા હોય તેમ લાગે છે. હવે આ સ્પર્ધામાં શિવસેના પણ આવી ગઇ છે. શિવસેના મરાઠાવાદ અને હિન્દુત્વનો મુદ્દો લઇને ર૦૧૯માં મેદાનમાં આવશે.

હિન્દુ મતદારો સામે વિકલ્પો વધી રહ્યા છે. આ કારણે વધારે જાગૃત થવાની ફરજ પડશે. એક બાબત નિશ્ચિત છે કે, આ તમામ બ્રાન્ડના હિન્દુત્વ માત્રને માત્ર સત્તાલક્ષી છે. નક્કર હિન્દુત્વ કોઇ પાસે નથી. નક્કરની નજીક કોણ ? આ અંગે હિન્દુ મતદારે ચિંતન કરવાનું રહેશે.

(9:41 am IST)