Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સૌરાષ્ટ્રના ધારાસભ્યો પણ ધંધે લાગે...

દારૂ પ્રશ્ને અલ્પેશ જંગ આદરે છે, આપણા પ્રતિનિધિઓ મંજીરા વગાડે છે.. બકવાસ બંધ કરીને લોકપ્રશ્ને નિર્ણાયક બનો

આવતીકાલે સ્વામી વિવેકાનંદજીનો જન્મજયંતિ છે. 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો...' બોધરૂપે આ સૂત્ર આપનાર વિવેકાનંદજીને સાદર વંદન. આવી હસ્તીઓ દેશનું ગૌરવ છે, પરંતુ આપણે હસ્તીઓના નામે વિવાદો કરીએ છીએ, પણ તેને અનુસરતા નથી.

 

વર્તમાન રાજનીતિનો ધ્યેય જ વિવાદ બની ગયો હોય તેમ લાગે છે. વિવાદ ન થાય ત્યાં સુધી રાજકારણીઓ મંડયા જ રહે છે. ગુજરાતમાં હાર્દિક-જીજ્ઞેશ-અલ્પેશ ત્રણ નવા નેતા ઉભર્યા છે, જેમાં જીજ્ઞેશને હાર્દિક માત્ર વિવાદ સર્જવા જ સર્જાયા હોય તેવું સમજાય છે, જયારે અલ્પેશ ઠાકોરે ચૂંટણી જીતીને લોકપ્રશ્ને નક્કર એલાન કર્યું છે. દારૂના દૂષણ સામે લોકો સાથે રહીને નિર્ણાયક લડત આપવા પોતાના વિસ્તારમાં સક્રિય થયા છે. પક્ષ-વિપક્ષને ભૂલીને વિચારો-દારૂ એ અસંખ્ય પરિવારોને બરબાદ કર્યા છે, હજુ કરે છે. લોક પ્રતિનિધિની જવાબદારી લોકપ્રશ્નો ઉકેલીને સુખાકારી વધારવાની છે. ચૂંટાયેલા નેતાઓએ હવે આ દિશામાં ધંધે લાગવું અનિવાર્ય છે. લોકજાગૃતિ કેળવાઇ રહી છે, હવે માત્ર બકવાસ કર્યે રાખવાથી મત મળવાના નથી. લોકોના પ્રશ્નો નહિ ઉકલે તો લોકો ફગાવી દેશે. ચૂંટણીમાં કોંગ્રેસના ચારેય મોટા ગણાતા નેતાઓને લોકોએ ફગાવી દીધા છે. આ નેતાઓ ર૦ વર્ષથી માત્ર નિવેદનિયો બકવાસ જ કરતા હતા. લોકોએ ભાજપને પણ ૯૯ બેઠકોએ અટકાવી દીધો છે, આ ચેતવણી છે.

સૌરાષ્ટ્રમાં ચારેબાજુ દારૂના દરિયા ઘુઘવે છે. મુખ્યમંત્રીના મત વિસ્તારમાં પણ શેરીએ-શેરીએ બેફામ પીવાય છે, વેચાય છે... પોલીસ તંત્ર દારૂબંધી મુદ્દે માત્ર નાટક કરતું હોય તેમ લાગે છે. આ સ્થિતિ ખતરનાક છે. વિકાસના પ્રવચનો વચ્ચે દારૂડિયાના પરિવારોનો વિનાશ થઇ રહ્યો છે એ હકીકત છે.

સૌરાષ્ટ્રમાં લગભગ ગામે-ગામ દારૂના દરિયા ઘુઘવે છે. કાયદાના ધજાગરા ઉડી રહ્યા છે. ચૂંટણીમાં લકોોએ ભાજપીઓને બરાબરના તમાચા માર્યા છે. કોંગ્રેસીઓ પણ સૌરાષ્ટ્રમાં જનાધાર વધારવા મંદિરોમાં પૂજા સામગ્રી વિતરણ કરે છે. વાસ્તવમાં આ રીતે લોકો ખુશ નહિ થાય. ભાજપ હોય કે કોંગ્રેસ લોકોના પાયાના પ્રશ્ને મૌન રહેશે તો લોકો ફગાવી દેશે.

સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ પણ મંજીરા વગાડવાનું બંધ કરીને લોકોના પ્રાણપ્રશ્ને નિર્ણાયક લડત આપવા મેદાનમાં આવવું જોઇએ. પક્ષ-વિપક્ષનો વિચાર કર્યા વગર જંગ શરૂ કરવો જોઇએ. હાર્દિક-જીજ્ઞેશ બકવાસ કરીને નકારાત્મક પ્રસિદ્ધિ લે છે જયારે અલ્પેશે લોકપ્રશ્ને જંગ આદરીને સકારાત્મક દિશા પકડી છે, જેના કારણે લોકહૃદયમાં તેનું સ્થાન મજબૂત બની રહ્યું છે.

સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ આ ઘટનામાંથી બોધ લેવા જેવો છે. દારૂ ભલે ગમતો હોય, પરંતુ લોકજાગૃતિના માહોલમાં દારૂ સામે જંગ ખેલશે નહિ તો લોકો તેમને ફગાવી દેશે. ચેતતા નેતા સદા સુખી.

 

(9:39 am IST)