Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કમલ કલામમય : નવા કેજરી ઉગશે !

કમલ હાસને રાજનીતિની 'ફિલ્લ્મ' શરૂ કરી : એક ઔર અભિનેતા નેતા બનીને પ્રગટ થશે

રર ફેબ્રુઆરી ૧૯૪૪ના દિને કસ્તૂરબા ગાંધીનું આગાખાન પેલેસ ખાતે અવસાન થયું હતું. ગાંધીજી મહાત્મા બની શકયા એ બાબત કસ્તૂરબાની સહનશકિતના કારણે શકય બની. મહાન પુરૂષોને આજીવન સહન કરવા એ સામાન્ય બાબત નથી. કસ્તૂરબાની આ અસામાન્ય લાક્ષણીકતાના કારણે મોહનદાસ મહાત્મા સુધીની સફર કરી શકયા. ગાંધી દંપતીએ ખૂબ ભોગ આપ્યો, પણ લાભનું પદ પ્રાપ્ત ન કર્યું એ હકીકત છે. ગાંધીજીએ તો રાજકીય સિદ્ધિ મેળવવાને બદલે પોતાના રાજકીય પક્ષ કોંગ્રેસને વીખેરી નાખવા સલાહ આપી હતી.

 

ગાંધીજી રાજનીતિમાં મૂલ્યોના આગ્રહી હતા, તેઓને કાવાદાવા પસંદ ન હતા. કડવી વાસ્તવિકતા એ છે કે, આજના રાજકીય પક્ષો ગાંધીજીના નામે તરે છે અને કાવાદાવા સિવાય કંઇ કરતા નથી. રાજનીતિમાં મૂલ્યોનું જ અવમૂલ્યન થઇ ગયું છે. ભાજપ-કોંગ્રેસ સહિતના મોટાભાગના પક્ષો ગાંધી-ગાંધી કર્યે રાખે છે, પરંતુ મહાત્મા ગાંધીજીના આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેવો પ્રયાસ કરતા નથી.

મહાત્મા ગાંધીજી રાજનીતિની સીડી-નિસરણી જેવા બની ગયા છે. આ નિસરણી પર વધુ એક હસ્તી ચઢવા પ્રયાસ કરે છે. દક્ષિણના પ્રસિદ્ધ અભિનેતા કમલ હાસન ફિલ્લમની દુનિયા પડતી મૂકીને રાજનીતિના પડદે પોતાને લોન્ચ કરી રહ્યા છે.

ગઇકાલે કમલભાઇ કલામ અને ગાંધીમય બની ગયા હતા. તેઓએ પોતાના પક્ષની સ્થાપના અંગે કહ્યું કે હું 'ડો. અબ્દુલ કલામ અને મહાત્મા ગાંધીથી પ્રભાવિત છું અને એ માર્ગે રાજનીતિમાં ચાલીશ !!'

ભારતીયો ખાસ કરીને દક્ષિણ વિસ્તારના લોકો અભિનેતાથી-ક્રિકેટરોથી ખૂબ પ્રભાવિત થઇ જાય છે. કમલ હાસનની અભિનયકલાની ઉત્તમ-સર્વોત્તમ ગણી શકાય, પરંતુ એ લોકપ્રિય અભિનેતા દરેક ક્ષેત્રમાં કમાલ કરે એ શકય ન હોય. તામીલનાડુમાં તો ફિલ્લમમાં હાલતા બંધ થાય એ રાજનીતિમાં ઝંપલાવે તેવી પરંપરા બની ગઇ છે. જયલલિતાએ રાજનીતિમાં આવીને રાજ કર્યું અને પોતાના વજન કરતા પણ વધારે ઘરેણા સંગ્રહિત કર્યા...

કમલભાઇ હવે આ માર્ગે છે, તેમની સામે એક ઔર અભિનેતા રજનીકાન્ત પણ ખુદને રાજનીતિમાં લોન્ચ કરી રહ્યા છે. કમલ હાસન ડો. કલામ-ગાંધીજીથી પ્રભાવિત થઇને પક્ષ સ્થાપે છે... કમાલ એ છે કે, ડો. કલામ કોઇ રાજકીય પક્ષમાં ન હતા. ગાંધીજીએ પોતાનો પક્ષ વીખેરી નાખવા સલાહ આપેલી. કમલ હાસનના બંને 'આદર્શો' ને રાજનીતિથી સૂગ હતી. આ બંનેના નામે કમલ હાસન રાજનીતિમાં ઝંપલાવી રહ્યા છે.!

પૃથ્વીના ગોળા ઉપર આસાનીથી 'મામા' બની જતી પ્રજાતિમાં ભારતીયોનું સ્થાન અવ્વલ આવતું હશે. મનફાવે તેવા લોકો પોતાને હસ્તી તરીકે લોન્ચ કરીને તાગડધિન્ના કરી શકે છે. કમલ હાસનના રૂપમાં નવા કેજરીવાલ ઉગતા હોય તેમ લાગે છે. કસ્તુરબાની સહનશકિતના કારણે ગાંધીજી મહાન બન્યા, ભારતીયોને સહનશકિતના કારણે બબૂચકો મહાન બની રહ્યા છે. 'મામા' બનવાનું વ્યસન દેશ માટે જોખમી બન્યું છે.

(9:52 am IST)