Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

મેરેથોન બાદ પણ તંત્રને દોડાવો !

ઐતિહાસિક મેરેથોન ગૌરવ ગણાય, પરંતુ તંત્રનું આ મુખ્ય કામ નથી : લોકપ્રશ્નો ઉકેલવા દોડો અને ગૌરખધંધા તરફની દોડ બંધ કરો

''તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'' સિરીયલમાં પિન્કુના માતા-પિતાનો પ્રશ્ન હાસ્યાસ્પદ જેવો બની ગયો છે. સિરીયલના લેખકો આ મુદ્દે ચક્રાસન જેવી સ્થિતિમાં આવી ગયા હોય તેમ લાગે છે. પંદરેક હપ્તાથી આ પ્રશ્ને ગૂબીચ ચાલી રહી છે. આશિતભાઇને મનમાં એવું હશે કે દર્શકો પિન્કુના માતા-પિતાના રહસ્ય અંગે આતુર બન્યા હશે, પરંતુ થોડી દૃષ્ટિ ફેલાવે તો ખ્યાલ આવશે કે સિરીયલની ટીઆરપી ગગડી રહી છે...

સિરીયલના વિચારકો-લેખકો પાસે વિષયો ખુટી ગયા હોય તેમ એક વિષય કંટાળાજનક હદે લંબાવી રહ્યા છે. આ કારણે સિરીયલ હાસ્ય સર્જવાને બદલે હાસ્યાસ્પદ બની રહી છે.

માત્ર સિરીયલમાં જ નહિ, ઘણી વખત સરકારમાં પણ આવું બને છે. કરવાના કામ પડતા મૂકીને ન કરવાના કામમાં શાસકો ધંધે લાગે છે અને બદનામી વહોરી લે છે. ગઇકાલે રાજકોટમાં ઐતિહાસિક ફૂલ મેરેથોન દોડ આ સિદ્ધિ રાજકોટ-ગુજરાતનું ગૌરવ જરૂર ગણાય. લોકો દોડતા રહે, આરોગ્ય અને પ્રકૃતિ પ્રત્યે જાગૃત થાય, સામૂહિક સિદ્ધિનો ભાવ બળવતર બને એ હેતુઓ શ્રેષ્ઠ છે.

ફૂલ મેરેથોન દરમિયાન રાજકોટવાસીઓને થોડી અગવડનો સામનો કરવો પડયો, સમસ્યાઓ સામનો કરવો પડયો, સમસ્યાઓ સર્જાઇ, પરંતુ રાજકોટને મોટી સિદ્ધિ પ્રાપ્ત થઇ છે એ હકીકત છે. આયોજકો અભિનંદનને પાત્ર છે, પરંતુ આ સિદ્ધિ મેળવવા માટે તંત્રને દિવસોથી ઉંધામાથે કર્યું હતું એ ભૂલવું ન જોઇએ. દોડમાં અનેકનો સાથ મળ્યો છે, પરંતુ તંત્રએ સૌથી વધારે પરસેવો વહાવ્યો છે. સરકારી તંત્રનંું આ મુખ્ય કામ નથી. જે કામ કરવા માટે અધિકારીઓ-કર્મચારીઓની નિમણૂક થઇ છે એ થતા નથી તે મેરેથોનના ગૌરવ પર પાણી ઢોળ કરી દે છે.

વિકસિત ગુજરાતમાં પ્રાથમિક સુવિધાઓ માટે પણ લોકો વલખા મારે અધિકારીઓ આ માટે પરસેવો વહાવાને બદલે સરકારી જમાઇ બનીને જલ્સા કરતા રહે અને મેરેથોન વખતે ઓવર ટાઇમ કરીને ઉંધામાથે થઇ જાય એ વખાણવા જેવી સ્થિતિ ન જ ગણાય. લોકોના પ્રશ્નો ઉકેલવામાં સરકાર ગૌરવ હાંસલ કરે તો એ મેરેથોન કરતા પણ મોટી સિદ્ધિ ગણાય.

ગુજરાતમાં લોકપ્રશ્નોના ગંજ ખડકાયા છે. મોટાભાગનું તંત્ર ખડકાયા છે. મોટાભાગનું તંત્ર મીંઢા જેવું બની ગયું છે. લોકો કમોતે-તંત્રના પાપે ગુજરી જાય તો પણ તંત્રની ઉંધ ઉડતી નથી. આ 'સિદ્ધિ' નીંદનીય છે, જે ગુજરાતનું ગૌરવ નથી.

ગુજરાત સરકારે મેરેથોન દોડ બાદ પણ તંત્ર કરવા જેવા કામ માટે દોડતુ રહે-સરકાર લોકકલ્યાણ માટે નિર્ણાયક આયોજન કરતી રહે એ જરૂરી છે આવું થાય તો ચૂંટણી સમયે ઉજાગરા કરવા ન પડે. કરવા જેવા કાર્યો થવા માંડે તો લોકોનો પ્રેમ મળવા માંડે નહિ તો ભાજપીઓની દશા ચૂંટણી સમયે 'તારક મહેતા કા..' સિરીયલ જેવી હાસ્યાસ્પદ બનશે.

(9:52 am IST)