Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

જબ દિલ હી તૂટ ગયા...

અન્નાથી ડો. તોગડિયા : અન્નાનો કોઇ ભાવ પૂછતું નથી, આસામમાં એક કેજરીવાલ પેદા થઇ રહ્યા છે.. નેતાએ દીર્ધદૃષ્ટા હોવું જરૂરી

જબ દિલ હી તૂટ ગયા... હમ જી કે કયા કરે... આવતીકાલે હિન્દી ફિલ્મોના ખ્યાતનામ ગાયક કુન્દનલાલ સાયગલની પુણ્યતિથિ છે. તેઓનો સ્વર ૧૮ જાન્યુઆરી ૧૯૪૭ના દિને શાંત થયો હતો. નવી પેઢીને સાયગલજીની લોકપ્રિયતા અને સ્વર સાધનાનો કદાચ ખ્યાલ ન હોય, પરંતુ આ ગાયક હિન્દી ફિલ્મી ગીતોના પાયામાં ધરબાયેલો મજબૂત કલાકાર છે. ઢંગ-ધડા વગરના આઠ-દશ ગીતો ગાયને હવામાં ઉડનારા આજના ગાયકો પોતાની સ્વર સાધનાને બદલે પોતાની હેર સ્ટાઇલથી વધારે ઓળખાતા હોય છે. ગાયકની કલાને બદલે તેમની ઝાકમઝોળથી અંજાઇને પાછળ હડિયું કાઢતા ફેન્સના ટોળા જોવા સાયગલ-રફી-મુકેશ હયાત નથી એ તેમના સદ્નસીબ છે. નહિ તો સાયગલ પોતાનું જ ગીત ગાત... જબ દિલ હી તૂટ ગયા...

આવું માત્ર કલાક્ષેત્રે જ થતું નથી. દરેક ક્ષેત્રે દિલ તૂટતા જોવા મળે છે. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય નેતા ડો. પ્રવિણભાઇ તોગડિયાજીનું પ્રકરણ તપાસો. વિશ્વસ્તરીય હિન્દુ સમાજને સંગઠિત રાખતી આ સંસ્થાના વડા ગાયબ થયા, બેભાન હાલતમાં મળ્યા... પ્રેસ સામે આવીને ડો. તોગડિયાજીએ ગંભીર મુદ્દા રજૂ કર્યા...

ગજબની બાબત એ છે કે, આ ઘટના બાદ હિન્દુ સમાજ કે સંગઠનોમાં માત્ર ઔપચારિક આક્રોશ ઉઠયો. હાર્દિક એન્ડ કંપની સિવાય કોઇએ ખુલ્લેઆમ આકરા નિવેદનો પણ નથી કર્યા. દિલ તૂટે તેવી ઘટના ન ગણાય ? નેતાગીરી દીર્ધદૃષ્ટિા હોવી જરૂરી હોય છે. હિન્દુત્વનો ધવજ લઇને સર્વોચ્ચપદ પ્રાપ્ત કર્યા બાદ ચૂંટણી સમયે ટૂંકી દૃષ્ટિનો લાભ દેખીને જ્ઞાતિવાદમાં છબછબિયા કરી લેવા એ કદાચ ટૂંકાગાળે લાભદાયી બને, પણ લાંબાગાળે...

એક અન્ય નેતૃત્વ પર પણ ચિંતન જરૂરી છે. આસામમાં અખિલ ગોગોઇ નામની વ્યકિતએ ધારાસભા ચૂંટણી લડવાની ઘોષણા કરી છે. આ માણસ અન્ના હજારેના અંગતોમાં એક ગણાય છે. અન્ના આખી જિંદગી રાજકારણથી દૂર રહીને લડત આપતા રહ્યા. અન્નાના સાથીદારો અન્નાના જ માથા પર પગ મૂકીને રાજનીતિમાં ઝંપલાવવા માંડયા. કેજરીવાલ ટોળકીની કોઇ ઓળખ ન હતી. અન્નાની લડતનો ઝંડો પકડીને ટીવી સામે ચમકતા રહ્યા. અંતે અન્નાને પાટુ મારીને રાજનીતિમાં ઘુસીને સત્તાસુખ માણવા લાગ્યા.. હવે આસામમાં પણ કેજરીવાલ પેદા થઇ રહ્યા છે. અખિલ ગોગાઇએ અન્ના થકી જ પોતાની ઓળખ સર્જી છે, હવે અન્નાને છેદ આપીને સત્તા સુખના માર્ગે પ્રયાસ આદર્યું છે.

મૂળ સમસ્યા અન્નાની દીર્ધદૃષ્ટિની છે. હઇસો-હઇસો કરીને ગમે તેને મોટાભા બનાવી દેવામાં આવે છે. સાથીદાર અન્નાથી પણ મોટો થઇ જાય ત્યારે તેને અન્નાની જરૂર રહેતી નથી. સ્થિતિ એવી બની કે અન્ના પાસે માત્ર પોતાની ટોપી રહી, તેના સાથીદારો આગળ વધીને ભલભલાને ટોપી પહેરાવી દેવાના નિષ્ણાત બની ગયા છે. !

(10:14 am IST)