Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પ૬ ની છાતીના ટયુશન કલાસ !

ઇઝરાઇલ સાથે મજબૂત સંબંધો અચ્છે દિન તરફ કદમ... ઇઝરાઇલી નીતિને અનુસરવું જરૂરી

સૂર્યનારાયણનો કરમાં પ્રવેશ થઇ ગયો છે. ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી થઇ. ઘણાના પતંગ ગોથે ચઢ્યા હતા. આતંકવાદ સામે ભારત દાયકાઓથી ગોથે ચઢેલો દેશ છે. ઉત્તરાયણના બીજા દિવસે શુભ સમાચાર આવ્યા. ગઇકાલે આર્મી-ડે ઉજવણી કરી LOC પર સાત પાકિસ્તાની જવાનો અને છ ઘુસણખોરોને સ્વાહા કરી દીધા. આ મોસમમાં આતંકવાદીઓને ફૂંકી મારવાનો સ્કોર ર૦૦ને પાર થઇ ગયો છે. મોદી સરકારની આક્રમક નીતિનું આ પરિણામ છે.

ભારત આક્રમક બન્યું છે, પરંતુ મોદીજીએ પ૬ની છાતીનું વચન આપ્યું હતું તેવી આક્રમકતા હજુ જોવા મળી નથી. ૩૬ની છાતી જેવા પરાક્રમો થાય છે.

તાજેતરમાં ઇઝરાઇલી વડાપ્રધાન બેન્જામીન નેતન્યા હૂ ભારતની મુલાકાતે છે. ઇઝરાઇલ પાસેથી માત્ર ભારતે નહિ, સમગ્ર વિશ્વએ શીખવા જેવું છે. માનવ સર્જિત પ્રતિકૂળતાઓ અને કુદરતી પ્રતિકૂળતાઓ સામે બાથ ભીડીને ઇઝરાઇલે વિશ્વમાં વિવિધ ક્ષેત્રે ગૌરવના ડંકા વગાડયા છે. આ ટચૂકડા દેશે મરણિયા બનીને નક્કર વિકાસ વટથી કર્યો છે. આસપાસના માથાભારે દેશોએ પણ ઇઝરાઇલથી ફફડવું પડે તેવી સ્થિતિ સર્જી છે.

ભારતને પ્રેરણા અને પ્રોત્સાહ્ન આપનાર આ દેશ સાથે આપણે ઘાટા સંબંધ પણ રાખતા ન હતા. કોંગી શાસકોની દંભી બિનસાંપ્રદાયિકતાના કારણે આપણે ઇઝરાઇલને અછૂત ગણતા હતાં. મોદી સરકારે ઇઝરાઇલ સાથે નવેસરથી સંબંધો સ્થાપિત કર્યા અને સંબંધો ઘાટા બને તેવા પ્રયાસો પણ ચાલી રહ્યા છે. ગઇકાલે મહત્વના કરારો પણ થયા હતા. ભારત માટે આ કદમ આવકાર્ય છે અને અનિવાર્ય પણ છે.

ઇઝરાઇલ પ૬ની છાતીનો દેશ છે, ભારતના રાજકારણીઓએ આ દેશ પાસે ટયુશન કલાસ રાખવાની જરૂર છે. ભારત શકિતશાળી છે, પરંતુ મુખ્ય સમસ્યા એ છે કે, કારણ વગરના આંતરિક બખડજંતરમાંથી દેશ ઉંચો આવતો નથી. દરરોજ વ્યકિતગત કે પક્ષીય લાભ માટે નીતનવા વિવાદો જાણે છે. કોઇપણ મુદ્દાને રાષ્ટ્ર અને લોકહિતમાં જોવાની ફરજ પાડવી જરૂરી છે. આ માટે સરકારે તીવ્ર આક્રમકતા દર્શાવવી પડે. મનોબળ દૃઢ બનાવીને દેશ માટે મરણિયા બનવાનું આપણે ઇઝરાઇલ પાસેથી શીખવું જરૂરી છે.

ભારત પાસે પ્રાકૃતિક તાકાત પારાવાર છે, માનવશકિત અપાર છે, ઇઝરાઇલ કરતા આપણે અનેકગણો શકિતગશાળી છીએ, પણ લબાડ જેવી મનોવૃત્તિના કારણે આપણે હાસ્યાસ્પદ જીવન જીવીએ છીએ. માત્ર રાજકારણીઓએ જ નહિ, દરેક ભારતીએ ઇઝરાઇલી પાસેથી શીખવા જેવું છે. આપણે તેના ટયુશન કલાસ રાખવા જોઇએ.

(10:23 am IST)