Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

પ્રેમ કરો, મૂરખ ન બનો...મણિભાઇ !

પાકિસ્તાનના પ્રેમીઓને તગેડી મૂકવા જરૂરી : મેહબુબાને મંત્રણા કરવાનો ઢઢ્ઢો જાગ્યો, મણિભાઇને પ્રેમ ઉભરાયો...

આજે વેલેન્ટાઇન-ડે છે. ભારતીય સંસ્કૃતિ પ્રેમથી છલકતી સંસ્કૃતિ છે. પ્રેમ કરવા માટે કોઇ વિશેષ દિવસની રાહ જોવા બેસે તેને પ્રેમી નહિ, વેવલા કે વેવલી કહેવાય. વેલેન્ટાઇન-ડે આવી વેવલાઇનો દિવસ બની ગયો છે. રાજકોટના બેડી ગામની ઘટના જાણો. ર૩ વર્ષના એક વેવલાને પ્રેમનું ભૂત ચઢ્યું. પ્રપોઝ ડે નિમિતે એક યુવતીને લગ્નનો પ્રસ્તાવ મૂકયો. યુવતીએ ના પાડી તો એ વેવલાએ તમાચા ઝીંકી દીધા... આ વેવલાનું પ્રેમ ભૂત પોલીસે ઉતારવું પડયું હતું.

પ્રેમ દિવ્ય ઘટના છે. જયારે હૈયે પ્રેમનો સંચાર થાય ત્યારે વેલેન્ટાઇન-ડે હોવો જરૂરી નથી. પ્રેમ ગહન હોય છે, એ પ્રગટે ત્યારે દિલો-દિમાગમાં વસંત મહેકવા લાગે. વેલેન્ટાઇન ડે એ પ્રેમને બદલે કાર્ડ ગિફટના રવાડે ચઢાવીને કરોડોનો ધંધો કરવાનો ઉત્સવ બની ગયો છે.

ભારતીય સંસ્કૃતિમાં પ્રેમની વ્યાખ્યા વ્યાપક છે. માત્ર વિજાતીય આકર્ષણ એ જ પ્રેમ નથી. વતન-પ્રેમ-રાષ્ટ્ર-પ્રેમ પડોશી પ્રતયે પણ પ્રેમની લાગણી રાખવાની વાત સંસ્કૃતિમાં છે. પહેલો સગો પડોશી છે... પરંતુ પ્રેમની વેવલાઇ વન-વે ન હોય. એક તરફી પ્રેમ એ વેવલાઇની પરાકાષ્ઠા છે.

મણિભાઇઓ આવી વેવલાઇ દેશના માથે ઠોકી બેસાડે છે. પાકિસ્તાન સરહદે સતત શાંતિ ભંગ કરે છે. પાકિસ્તાની ત્રાસવાદીઓ સૈન્ય પર હુમલા કરે છે. જવાનો શહીદ થાય છે. દેશભરમાં આક્રોશ છે, આવા સમયે કોંગ્રેસના બરખાસ્ત નેતા મણિશંકર ઐયર પાકિસ્તાન ગયા છે અને ભારત વિરૂદ્ધ ઝેર ઓકી રહ્યા છે. મણિભાઇ બોલ્યા- 'હું પાકિસ્તાનને પ્રેમ કરૂ છું. ભારતને શાંતિ માટે મંત્રણામાં રસ નથી. પાકિસ્તાન સામે ભારત આડુ ચાલે છે.'

મણિભાઇએ પ્રેમની વેવલાઇ આદરી છે. દેશના દુશ્મનોને પ્રેમ કરીને મૂરખ બની રહ્યા છે આવા વેવલાઓ દેશને પણ મૂખર બનાવી રહ્યા છે. ભારતમાં ગદ્દારોની અછત નથી, સવાલ એ છે કે, પાકિસ્તાનપ્રેમીઓ પાકિસ્તાન સ્થાયી થવા કેમ જતા નથી ? આવા ગદ્દારોનો દેશનિકાલ થવો જોઇએ.

બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફિતને પણ પ્રેમનો ઉભરો આવ્યો હતો. તેમણે પણ શાંતિ માટે પાકિસ્તાન સાથે મંત્રણા કરવાનો લવારો આદર્યો હતો. ભારતે પડોશી દેશોને પ્રેમ કરવો જોઇએ એ સાચું, પરંતુ અત્યાર સુધી એકતરફી પ્રેમ કરીને દેશ મૂરખ-હાસ્યાસ્પદ બન્યો છે, હવે એ શકય કે સહય નથી. ૭૦ વર્ષ ભારતે મંત્રણા-દોસ્તી-પ્રેમ કર્યે રાખ્યો, શાંતિ પ્રાપ્ત થઇ નથી. હવે હિસાબ કરવો જરૂરી છે. જવાનોની શહીદી-નિર્દોષ નાગરિકોના મોતના બદલા લેવાનો સમય છે. સરકાર પણ આ દિશામાં આગળ વધતી હોય તેમ લાગે છે.

પાકિસ્તાનના ભૂક્કા બોલાવતા પહેલા ભારતમાં રહેલા ગદ્દારો-વેવલાઇઓના ડૂચ્ચા બોલાવવા જરૂરી છે. એકતરફી પ્રેમ કરવાની વેવલાઇ હવે પાલવે તેમ નથી.

(9:51 am IST)