Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

વેરા મુદ્દે નહિ, પાણી મુદ્દે બહાદુરી દેખાડો

રાજકોટનું નેતુ મૂળ સમસ્યાઓ ઉકેલી શકતું નથી... વિપક્ષ માત્ર ચૂંટણીટાણે જ સક્રિય

''ગોળીનો જવાબ ગોળી જ હોય, લોકોને પરેશાન કરતા ગૂંડાતત્વોને છોડવામાં નહિ આવે.'' આ શબ્દો યુપીના મુખ્યમંત્રી યોગીજીના છે. યુપીમાં ગૂંડાઓને બેધડક એન્કાઉન્ટર થાય છે...

''સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ લોકોના કામ નહિ કરે તો તેમના પર આક્રમક પગલા લઇને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવશે.'' આ શબ્દો બિહારના મુખ્યમંત્રી નીતિકુમારના છે. સરકારી ચીમકીથી તંત્રમાં ફફડાટ ફેલાયો છે.

ગુજરાતમાં ગુંડાગીરી બેફામ છે, અધિકારી-કર્મચારી વર્ગ પણ ''ખાવા''માં બેફામ છે. આ સામે આકરા પગલા તો દૂરની વાત છે, આકરા સરકારી નિવેદનો પણ થતા નથી. અન્ય રાજયોની ભાજપી તથા ભાજપ સમર્થિત સરકારો લોકપ્રિય બનવા લોકપ્રશ્નો તાકાતથી ઉકેલે છે, જયારે ગુજરાતમાં સરકાર દ્વારા ખાતમુર્હુતો અને લોકાર્પણોના સાવ કંટાળાજનક આયોજનો થાય છે. આવા આયોજનો માટે સરકારે જિલ્લાવાર માહિતી મંગાવી છે ! જિલ્લાવાર ગૂંડાગીરી અને લોકપ્રશ્નોના નિર્ણાયક ઉકેલનું મહાઅભિયાન કેમ છેડાતું નથી ?

મુખ્યમંત્રી જે શહેરના છે એ રાજકોટમાં ગૂંડાતત્વોના ભય-ભુખ દૂર થયા છે. અધિકારીઓ તંત્ર ભ્રષ્ટાચારયુકત થયા છે. નિર્દોષ લોકો પરેશાન છે, લોકપ્રશ્નો અટ્ટહાસ્ય કરી રહ્યા છે. શાસક માટે આ સમય બહાદુરી દેખાડીને લોકપ્રિયતા પ્રાપ્ત કરવાનો છે...

... પરંતુ રાજકોટના ભાજપી નેતાઓ બુઠ્ઠી તલવાર લઇને હાસ્યાસ્પદ બહાદુરીનું પ્રદર્શન કરી રહ્યા છે. મહાપાલિકાના બજેટમાં પાણીવેરામાં વધારો સૂચવાયો હતો. શાસકો એ આ વધારો નામંજૂર કર્યો છે. આ સારી બાબત છે, પરંતુ સામાન્ય ન્યૂઝથી કંઇ વિશેષ નથી. રાજકોટ ભાજપી નેતાઓ જાણે મીર માર્યો હોય, મોટું પરાક્રમ કર્યું હોય તેવા તોરમાં રજૂ થવા ઇચ્છી રહ્યા છે.

રાજકોટને પૂરા ફોર્સથી માત્ર ર૦ મિનિટ પણ પાણી આપવામાં ભાજપી શાસકો ગોથે ચઢે છે. આવા પ્રશ્નો પ્રાથમિક સુવિધામાં આવે છે. પૂરતું પાણી વિતરણ ન થાય એ શાસક માટે શરમ ગણાય. ડેમો છલકતા હોય ત્યારે પાણી વીસ મિનિટથી વધારે પાણી અપાતું ન હતું. નજીકના ભવિષ્યમાં પાણીની ગંભીર કટોકટી આવી રહી છે. કોર્પોરેટર્સમાં ત્રેવક હોય તો પાણીવેરા મુદ્દે નહિ, પાણી મુદ્દે બહાદુરી દેખાડે.

પાણી ઉપરાંત મહાપાલિકાને લગતા અન્ય પ્રશ્નો, રાજય સરકાર તથા કેન્દ્રને લગતા પ્રશ્નો જડબા ફાડીને વર્ષોથી ઉભા છે. પ્રશ્નો ઉકેલીને લોકપ્રિય બનવાના આયોજનો કેમ થતા નથી ? માત્ર વાહ-વાહીના નિવેદનો ફટકારવા એ બહાદુરી નથી. વિપક્ષમાં કંઇ દમ નથી તેથી ભાજપી શાસકો મોટાભા થઇને ફરે છે. રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વિપક્ષનું છોડવું માત્ર ચૂંટણીટાણે જ ખીલે છે, બાદમાં મુરઝાઇ જાય છે-શાસક-વિપક્ષ વચ્ચે તાકાતનો નહિ, નબળાઇનો જંગ ચાલે છે. આવી તકલાદી નેતાગીરીના કારણે હાર્દિક જેવા ટાબરિયાથી મહાકાય ભાજપીઓ ધ્રુજી જાય છે અને કોંગીજનો તેનું પૂછડું પકડીને દોડવા મજબૂર બને છે. યોગીજી પાસે કંઇક શીખો.

 

(9:55 am IST)