Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પાપનો હીસાબ કેલ્કયુલેટરમાં !

આઝાદીના ૭૦ વર્ષ પણ લોકો પાપનો હિસાબ લેવાનું શીખ્યા નથી તેથી રાજકીય પક્ષો સાથે મળીને મોજથી પાપ કરે છે..

હું કયારેય રાજનીતિમાં નહિ આવું, મારા જેવા ફકીરો પાસેથી લોકો પ્રેરણા લઇ શકે છે... આ શબ્દો બાબા રામદેવજીના છે. રાજનીતિમાં આવ્યા વગર 'સત્તા જેવું' સુખ મળતું હોય તો રાજનીતિમાં જઇને શા માટે બદનામ થવું ? રામદેવજી બુદ્ધિજીવીબાબા છે. રાજનીતિમાં આવ્યા વગર ભલભલા રાજકારણી 'રમાડી' શકે છે. જોકે એક સાધુએ વર્ષોથી જામી ગયેલી ગંજાવર મલ્ટીનેશનલ કંપનીઓની ઉંઘ હરામ કરી દીધી એ સિદ્ધિ સામાન્ય ન ગણાય. ભાવવધારાના યુગમાં કંપનીઓના ઉત્પાદનોના ભાવ ઘટી રહ્યા છે એ દર્શાવે છે કે મલ્ટીનેશનલ કંપનીઓ અત્યાર સુધી ભારતીય ગ્રાહકોને ખંખેરતી હતી, આ સામે શાસકો-વિપક્ષો ચૂપ હતા. રામદેવજીના કારણે કંપનીઓને શાન ઠેકાણે આવી છે...

મલ્ટીનેશનલ કંપનીઓ ભારતીયોને લૂંટે, શાસકો - વિપક્ષો કંઇ ન બોલે એ સ્વાભાવિક છે. રાજકારણીઓના ટોળા દૂધે ધોયેલા નથી. રાજકીય પક્ષોના નેતાઓ, સાંસદો ધારાસભ્યો લોકોના નહિ વાસ્તવમાં કંપનીઓના પ્રતિનિધિ જેવા બની ગયા હોય છે. કંપનીઓ લૂંટ ચલાવે તેમાં પક્ષોને ભાગ મળી જતો હશે...

ગઇકાલે સંસદના બંને ગૃહોમાં ધમાલ થઇ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શાયરીના અંદાજમાં કોંગ્રેસ સહિતના વિપક્ષોનો બરાબરના ઝાટકયા. રાહુલ ગાંધીએ પણ શાયરીમાં જ જવાબ આપ્યા. રાજકારણીઓએ એકબીજાને ઝાટકયા. વડાપ્રધાને શાયરીમાં કહ્યું- 'વિપક્ષ જહાં બૈકે હૈ વહી બેંકે રહને કી આદત ડાલ દે... જનતા તેઓના પાપોનો હિસાબ લેવા બેઠી છે...'

પાપ અને તેનો હિસાબ રાજકારણીઓ એક-બીજાને પાપી ગણાવે છે, પરંતુ મોટાભાગના ભયાનક પાપ સાથે મળીને કરે છે. જાહેરમાં સામસામે હોય છે, ખાનગીમાં સાથે-સાથે રહેતા હોય તેમ લાગે છે.

એસો. ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સનો અહેવાલ આંખ ઉઘાડનારો છે. આ સંસ્થાએ રાજકીય પક્ષોને મળેલા દાનનો અહેવાલ આપ્યો છે. ર૦૧૭ની સાલમાં બહુજન સમાજવાદી પાર્ટીને સૌથી વધારે રૂ. ૧૭૩.પ૮ કરોડ ગરીબોની ગણાય છે. ગરીબો ગરીબ જ રહ્યા છે અને માયાવતી તથા તેના પરિવારનું 'વજન' વધી રહ્યું છે. વિવિધ રાજકીય પક્ષોએ મળેલા દાનની રકમ રૂ. ર૯૯.પ૪ કરોડ છે. ભાજપ-કોંગ્રેસ એક-બીજાને પાપી ગણાવીને ઝાટકે છે, પરંતુ પરાક્રમોમાં સાથે-સાથે છે. ચોંકાવનારી બાબત છે કે, આ બંને પક્ષોએ પોતાને મળેલ દાનની રકમ જાહેર નથી કરી ! ઉલ્લખનીય છે કે, ર૦૧પ/૧૬માં ભાજપને રૂ. પ૭૦.૧૬ કરોડ અને કોંગ્રેસને રૂ. ર૬૧.પ૬ કરોડ મળ્યા હતાં...

ગંજાવર રકમો કોઇ ખુશ થઇને નથી આપતું. સોદાબાજીના ખેલ ચાલતા હોય છે. દાતા રકમ આપે, શાસકો તેમનું કામ કરે અને વિપક્ષ મૌન રહે... આ પદ્ધતિ રાષ્ટ્રીય પાપ ગણાય. વડાપ્રધાન શાયરીમાં કોંગ્રેસ શાયરીમાં જવાબ આપે છે. વાસ્તવમાં રાજકારણીઓના પાપને હિસાબ શાયરીમાં નહિ, કેલ્કયુલેટરમાં લેવો જરૂરી છે. અફસોસ છે કે, આઝાદીના ૭૦ વર્ષે પણ ભારતીએ હીસાબ લેતા શીખ્યા નથી. રાજકીય પક્ષો સેવાના નામે કમાણી કરે છે. આના કરતા તો બાબા રામદેવજી સાત દરજ્જે સારા MRP વસૂલે છે.

(10:49 am IST)