Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

શેરબજારઃ દિલ કા ખીલોના હાયે તૂટ ગયા...!

શેરબજાર માનસિક બજાર છે, તે અર્થતંત્રની પારાસીસી નથીઃ મનતંત્ર મહત્વનું બને છે

ભારતીયો બિટકોઇનના રવાડે ચઢયા છે. બકાલાના  ભાવમાં રૃા. પાંચનો વધારો થાય તો પણ દેશમાં ગોકીરા થઇ જાય છે, પરંતુ આભાસી ચલણમાં અબજો રૃપિયા રોકવામાં લોકો અચકાતા નથી. ગઇકાલે રૌબિની મેક્રો એસોસીએટના નૌરીલ રૌબોનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'બિટકોઇન માનવ ઇતિહાસનો સૌથી મોટો ફુગ્ગો છે. આ આર્થિક ફુગ્ગો ફૂટશે ત્યારે રોકાણકારને રડતા પણ નહિ આવડે.'

 

બિટકોઇનના પ્રચારના પાટે ચઢી જઇને ભારતીયો પણ રોકાણના રવાડે ચઢયા છે. લાંબો વિચાર કર્યા વગરનું રોકાણ લાભને બદલે નુકસાન વધારે આપે છે, છતાં રોકાણકારો આવા ગતકડાના રવાડે ચઢતા રહે છે.

તાજેતરમાં શેરબજાર ન્યુઝ હેડ લાઇનમાં છવાયેલી છે. ભારતમાં કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યુ ત્યારે બજાર ગગડી ગઇ હતી. ગઇકલે વૈશ્વિક શેરબજારોમાં પણ ગજબના કડાકા થયા... અમેરિકી વ્યાજદરો વધવાની આશંકામાં જ બજારો તૂટવા માંડી. ભારતમાં પણ વેચાવલી તીવ્ર બની છે.

એક સામાન્ય વિચાર કરો. અમેરિકી વ્યાજદરો હજૂ વધ્યા નથી, માત્ર વધવાની સ્થિતિમાં બજાર ગગડી જતી હોય તેનો અર્થ એ થાય કે શેરબજારો રોકાણકારોના માનસ પર આધારિત બજાર છે. રોકાણકારોના મોટા સમૂહના માનસમાં ભયની લાગણી જન્મે અને વેચાવલી શરૃ થઇ જાય તો બજારો તૂટી પડે છે. આનાથી વીપરીત બાબત એ બને છે કે, રોકાણકારોના માનસમાં ભયને બદલે બજાર પ્રત્યે આનંદ - ઉત્સાહની લાગણી જન્મે તો લેવાલી ફાટી નીકળે છે અને શેરબજારોમાં તેજીના ઘોડાપુર ઘુઘવે છે.

રોકાણકારના માનસ પર આધારિત આવી બજારને  અર્થતંત્રની પારાસીસી કદાપી ગણી ન શકાય. ભારતના બજેટ બાદ તાજેતરમાં ભારતીય શેરબજાર ધડામ થયું હતું. થોડા દિવસ અફરાતરફીનો માહોલ રહેશે, બજેટમાં કોઇપણ જાતના ફેરફાર નહિ થાય તો પણ તેજી જોવા મળશે...!

આવી તેજી-મંદીનો સીધો - સાદો અર્થ નીકળે છે કે, શેરબજારને પડવા અને ઉઠવા માટે બહાના જોઇએ છે. તેજી - મંદીના કૃત્રિમ ખેલ શકય છે. રોકાણકારોના માનસમાં ભય- અથવા ઉત્સાહની લાગણી જન્માવી શકે એ ખાટે છે. રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય મીડિયા જૂથો સામૂહિકરૃપે બજારમાં મંદી કે તેજીની સમીક્ષાઓ પ્રકાશિત - પ્રસારિત કરે, જેની અસર રોકાણકારના માનસ પર થાય અને બજારો તૂટી પડે અથવા ચઢી શકે.... આવું શકય છે.

ટૂંકાગાળાની શેરબજારની મંદી-તેજીને આર્થિક વિકાસના આંક સાથે કોઇ લેવા-દેવા નથી. આ બધું મોટા ખેલાડીઓના ખેલથી શકય બની શકે છે. શેરબજાર માઇન્ડ ગેમ છે, પણ બિટકોઇનની તુલનાએ સારી છે.

બજારની માઇન્ડ ગેમમાં નાના રોકાણકારો ધોવાતા હોય છે, બાદમાં ગીતો ગાય - દિલ કા ખીલોના હાયે તૂટ ગયા... (પ-૧)

(11:15 am IST)