Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

નિષ્ઠાનું ઇનામ... પથ્થરમારો !

કાશ્મીરી પથ્થરબાજો સામેના ૯૭૩૦ કેસ પાછા ખેંચાયા : આ રીતે દેશ સુરક્ષિત નહિ રહે

ચંદ્રાબાબુ નાયડુ જોર કરવા ગયા, પણ ટાંટિયા ટૂંકા પડયા. ટીડીપી એનડીએમાંથી નીકળી જવાની ધમકી ખૂબ આપી હતી, પણ રવિવારે તેની હવા નીકળી ગઇ... બહુ ગાજેલી બેઠકમાં ટીડીપીએ નિર્ણય કર્યો કે એનડીએ સાથે છેડો નહિ ફાડીએ, તેનો વિરોધ કરતા રહીશું ! ટીડીપીને કેન્દ્રિય બજેટ સામે વાંધો આવ્યો છે.

રાજકારણીઓને ખુદના હિત મુદ્દે વાંધા પડે છે, પરંતુ રાષ્ટ્રના હિત મુદ્દે વાંધા પડતા નથી. ગઇકાલે રાષ્ટ્રમાં એક ભયાનક નિર્ણય થયો. કાશ્મીરમાં જવાનો પર બેફામ પથ્થરમારો કરનારા ૯૭૩૦ રાક્ષસો સામેના કેસ પાછા ખેંચવા નિર્ણય થયો. જમ્મુ-કાશ્મીરમાં ભાજપના ટેકાથી પીડીપી શાસન છે. પોતાના મતદારોને ખુશ કરવા માટે મેહબુબાએ દેશ પર હુમલો કરનારાને નિર્દોષ જાહેર કરી દીધા...

આ નિર્ણય રાષ્ટ્ર માટે આઘાતજનક ગણાય. દેશભરમાં જબ્બર વિરોધ થવો જોઇએ અને વિવાદી નિર્ણય પરત લેવા સરકારને મજબૂર કરવી જોઇએ. કમાલ એ છે કે આ મુદ્દે રાહુલ ગાંધીઓ મેદાનમાં આવી જાય છે, પરંતુ રાષ્ટ્રહિતના પ્રશ્ને રાહુલો, કેજરીવાલો, હાર્દિકો, જીજ્ઞેશોના ટ્વીટરો પણ મૌન છે...

મુફ્તી સરકારનો નિર્ણય શા માટે ઘાતક છે ? આ મુદ્દે ચિંતન થવું જરૂરી છે. કાશ્મીરમાં જવાનો ફરવા નથી ગયા, બરફીલી મોજ માણવા નથી ગયા. કાશ્મીરમાં શાંતિ સ્થાપવા તેઓને મોકલવામાં આવ્યા છે, ભારત માતાના મસ્તક સમાન કાશ્મીરને આતંકથી મુકત કરવા જવાનોને ફરજ સોપવામાં આવી છે. શહીદી વહોરીને પણ આ ફરજ બજાવે છે.

કોઇ જાહેર સભામાં નેતા પર સ્લીપર ફેકવામાં આવે તો પણ દેશભરમાં ઉહાપોહ થાય છે. નેતાઓ દેશની પથારી ફેરવે છે અને જવાનો જીવના જોખમે રાષ્ટ્રની રક્ષા કરે છે... કોની વેલ્યુ વધારે હોવી જોઇએ ? જવાનો પર પથ્થરમારો એ રાષ્ટ્ર પર હુમલો જ ગણાય, આવા હુમલાખોરો પર કેસ ન થવા જોઇએ એમને ત્યાંજ ફૂંકી મારવાના હોય.

કાશ્મીરી પથ્થરબાજો આતંકવાદીઓના હાથા છે, પાકિસ્તાનના સમર્થક છે. આવા તત્વોને બક્ષવામાં આવે તો દેશના ગદ્દારોને પ્રોત્સાહન મળે. રાષ્ટ્રહિતના ભોગે ચાલતી રાજનીતિ ખતરનાક ગણાય. આ મામલે મીડિયા જૂથો અને લોકોનું મૌન આત્મઘાતી પુરવાર થશે. જવાનો જીવના જોખમે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે અને તેને ઇનામમાં પથ્થરા મળે એ દેશને સુરક્ષિત રહેવાનો અધિકાર નથી.

સંસદ પર હુમલા કરનારને મોતની સજા થઇ. સંસદ ભારતનું નાક છે, પરંતુ જવાનો દેશના શ્વાસ સમાન છે. શ્વાસ જ ન રહે તો નાકને ગુજરી જવા તૈયાર રહેવું પડે.

વિવાદી નિર્ણયો કરનાર મુફ્તી સરકાર ભાજપના ટેકાથી ચાલે છે. કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. કાશ્મીર મામલે ઐતિહાસિક નિર્ણય માટે સોનાનો અવસર ગણાય, પરંતુ વાસ્તવિકતા એ છે કે, ઇતિહાસમાં કલંક લાગે તેવા નિર્ણયો થઇ રહ્યા છે. આવા નિર્ણયો અક્ષમ્ય છે. પીડીપી પથ્થરબાજોને મુકત કરીને મજબૂત બની રહી છે, પણ ભાજપ દેશમાં નબળો પડી રહ્યો છે... અમિતભાઇ, જાગો છો ને ? (૮.ર)

 

(11:02 am IST)