Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

બમ્ બમ્ ભોલે : જય ગિરનારી...

મહાશિવરાત્રી મેળો : દિગમ્બર સાધુઓના દર્શન કરીને ધન્ય બનો, પરંતુ ભકતોની વૃત્તિ 'દિગમ્બર' બને એ શોભાસ્પદ નથી..

II ઓમ નમઃ શિવાય II

આજે રાજકીય સહિતની મગજમારીઓને તડકે મૂકીને ગરવા ગઢ ગિરનારની શાબ્દિક યાત્રા કરીએ. કાઠિયાવાડની અલૌકિક સાધનાભૂમિ ગિરનારની ગોદમાં મેળાનો આજથી પ્રારંભ થયો છે. પરમાત્મા-પ્રકૃતિ અને પ્રસન્નતાનો અલૌકિક સંગમ માણવાનો આ અવસર છે. બમ્-બમ્ ભોલે અને જય ગિરનારીનો નાદ ગગન ગુંજવી રહ્યા છે. લાખો ભાવિકો મેળાનો લાભ લઇ રહ્યા છે.

આ મેળો શિવરાત્રી અનુસંધાને યોજાય છે. શિવરાત્રી એટલે જીવન અને શિવના સંગમનો અવસર... વસંત ઋતુના માહોલમાં પ્રકૃતિના ખોળે આ અવસરને માણવા મળે એ લોકો ધન્ય ગણાય.

ઘોર કળિયુગ અને ચોમેર પ્રોફેશ્નલ માહોલ વચ્ચે અહીં ૧૦૦ જેટલા અન્નક્ષેત્રો ધમધમે અને નાત-જાતના ભેદ ભાવ વગર ભાવિકોને ભાવતા ભોજનિયા પ્રેમપૂર્વક પીરસે એ બાબત ગ્રહણ કરવા માટે આગ્રહ કરવામાં આવે છે. ભાવિકોના કોઠા ટાઢા થાય છે અને મસ્ત બનીને મહાલે છે. કાઠિયાવાડી પરંપરાનું આ જમા પાસુ ગણાય.

છ દિવસીય મેળાના અંતિમ દિને-મહાશિવરાત્રી એ દિગમ્બર સાધુઓની રવેડી નીકળે છે. ગહન સાધનાઓ કરતા મહાત્માઓ આ રવેડીમાં જોડાય છે, જેના દર્શનથી ધન્ય બની શકાય. રવેડી સાથે અનેક કથા-દંતકથા જોડાયેલી છે. આ પરંપરા આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા સમાન છે.

મહાશિવરાત્રીના મેળાનું મહત્વ ગ્રંથમાં પણ આંકી ન શકાય એટલું વ્યાપક-વિરાટ છે. મેળાના જમાપાસા સાથે તેના ઉધારપાસા પર પણ જનર નાખવી જોઇએ. આ પરંપરા પ્રકૃતિ અને આધ્યાત્મિકતાના સંગમની છે. આપણે તેને ધાર્મિક અને વિકૃતિ તરફ વાળી રહ્યા છીએ. પ્રકૃતિની ઉર્જા ગ્રહણ કરવાને બદલે પ્રકૃતિની પથારી ફેરવવાનો ઉત્સવ બનાવી નાખ્યો છે. ગંદકી-ઘોંઘાટ-અશિસ્ત અને કુવૃત્તિનો સંગમ રચાતો હોય તેવા અનુભવ પણ ઘણી વખત થાય છે. આ આપણી શરમ ગણાય.

આ ઉપરાંત શિવરાત્રી ભાંગ વગર અધૂરી ગણાય છે. ભાંગ એ દેશી નશો છે જે સાધક ધ્યાન-સાધનામાં જવા ઇચ્છતા હોય તેને પ્રારંભિક અવસ્થામાં આવો નશો સહાયક બનતો હોય છે. સામાન્ય ભાવિકને પ્યોર ભાંગની જરૂરીયાત હોતી નથી, પરંતુ તે મેળવવા પડાપડી થાય છે એ હકીકત છે. વારિયાળીમાંથી બનતી પ્રતીકરૂપ ભાંગનો પ્રસાદ ઇનફ ગણાય, પ્યોર ભાંગ માટે પડાપડી એ વિકૃતિનું લક્ષણ ગણાય. શિવરાત્રીના મેળામાં પણ થતા હોવાનું દર વર્ષે બહાર આવે છે. આવી બાબતો ધર્મના નામે અધર્મ જ છે, જે દિવ્ય પરંપરાને બદનામ કરે છે.

દરેક ભાવિકે સ્મરણ રાખવું જોઇએ કે શિવજી ભોળાનાથ છે, પરંતુ અબુધ નથી... મહાદેવનું તાંડવ એક ક્ષણ પણ ખમી નહિ શકાય. શિવજી પ્રસન્ન થાય તેવું કરો, ક્રોધિત થાય તેવું નહિ... બમ્ બમ્ ભોલે... જય ગિરનારી.

(9:49 am IST)