Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

બજેટ કડિયું- ચોરણો પહેર્યા !

બજેટ ચૂંટણીલક્ષી ન ગણાય : ભાજપનો મુખ્ય મતદાર મધ્યમવર્ગ-શહેરીવર્ગ માટે કંઇ નથી : ગ્રામીણ વિકાસ પર ભાર, પણ માત્ર યોજનાઓ બનાવવાથી કંઇ ન વળે

ભાજપની ઉંઘ હરામ થઇ જાય તેવા ન્યૂઝ છે. પ. બંગાળમાં પેટા ચૂંટણીમાં મમતાદીદીનો વટ અકબંધ રહ્યો છે. જયારે રાજસ્થાનમાં ભાજપને આંખે અંધારા આવી જાય તેવા પરિણામો આવ્યા છે. ભાજપના ગઢ ગણાતા અજેમેર-અલવર લોકસભા અને માંડલગઢ ધારાસભા બેઠકો પર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. મુખ્યમંત્રી વસુંધરારાજેએ ના-છૂટકે લોકચૂકાદો માથે ચઢાવ્યો છે. રાજસ્થાનના આ 'આનંદીબેન'નું શું કરવું, એ ભાજપે ચિંતા કરવા જેવો વિષય છે.

મોદી-શાહના ગઢ ગુજરાતમાં ભાજપની માંડ માંડ જીત બાદ રાજસ્થાનમાં આબરૂની બેલેન્સ ઘટે તેવા પરિણામો વચ્ચે મોદી સરકારે ગઇકાલે બજેટ રજૂ કર્યું...

મોટાભાગના મીડિયા બજેટને ચૂંટણીલક્ષી ગણાવી રહ્યા છે, પરંતુ આ બજેટ ચૂંટણીલક્ષી નથી અથવા ચૂંટણીલક્ષી બજેટ આપતા ભાજપને આવડયું નથી. ભાજપનો મુખ્ય મતદારવર્ગ શહેરી અને મધ્યમવર્ગ છે. આ બંને વર્ગ કંઇ દેખાતું નથી. નાણાપ્રધાન અરૂણભાઇ ચોકલેટી વ્યકિતત્વ ધરાવે છે, પરંતુ તેઓએ બજેટને કડિયું-ચોરણો પહેરાવીને ગ્રામીણ લૂક આપવા પ્રયાસ કર્યો છે. ખેડૂતો અને ગ્રામીણ વિકાસ માટે થોકબંધ જાહેરાતો કરવામાં આવી છે. ર૦રર પહેલા ખેડૂતોની આવક બમણી કરવાનું વચન અપાયું છે. ટેકાના ભાવો વધારવાની ઘોષણા થઇ છે. આ ઉપરાંત ગ્રામીણ વિકાસ માટે અધધધ જાહેરાતો થઇ છે.

ગુજરાત સહિતની તાજેતરની ચૂંટણીઓમાં ગ્રામીણસ્તરે ભાજપને જબ્બર ફટકો પડયો હતો. ગ્રામીણ મતદારોને ખુશ કરવા પ્રયાસ થાય તેમાં કશું ખોટું નથી. સાચુ ભારત ગામડામાં જ વસે છે. ગામડા તૂટતા બચે તો મોટી રાષ્ટ્રસેવા થઇ ગણાય, પરંતુ ૭૦ વર્ષનો અનુભવ છે કે માત્ર યોજનાઓ બનાવવાથી વિકાસ થઇ જતો નથી. યોજનાનો લાભ છેવાડાના માણસ સુધી પહોંચે તે માટે સિસ્ટમ્સ શુદ્ધ-સનિષ્ઠ અને સક્રિય હોવી જોઇએ, જે ભારતમાં નથી. ઉપરાંત  ર૦રરમાં ખેડૂતોની આવક બમણી કરવાના આંબા-આંબલીથી કંઇ વળવાનું નથી. કૃષિક્ષેત્રને ફોલી ખાતા 'વચેટિયા' પર જંતુનાશક દવા છાંટવામાં આવે તો પણ આવક ત્રણ ગણી થઇ શકે તેમ છે. કૃષિક્ષેત્રે ગ્રાહક અને ઉત્પાદક ખેડૂત બંને પરેશાન છે. ખેડૂતને નીચા ભાવ મળે છે, ગ્રાહકને મોંઘુદાટ ઉત્પાદન મળે છે. દેશી હિસાબ છે કે વચેટિયા મલાઇના લોંદા તારવી લે છે. આવા 'ધનેડા' દૂર થાય તો જ કૃષિક્ષેત્રનું કલ્યાણ થાય, બાકી અરૂણભાઇ ખુદ કડિયું-ચોરણો પહેરે તો પણ ફેર પડવાનો નથી.

ઇન્કમ ટેક્સમાં કોઇ જ રાહત ન આપીને મધ્યમવર્ગને નિશાન કરી દીધો છે. આ ઉપરાંત પગારદાર વર્ગ, રોકાણકારોને પણ હવામાં ઉડવા જેવું બજેટમાં કંઇ નથી. છતાં પણ બજેટમાં જે વચનો આપ્યા છે તે પૂરા કરવામાં આવે તો રાષ્ટ્રનો પાયો મજબૂત બને તેમ છે. ગામડા તાકાતવાળા બને તો દેશની હરોહર મજબૂત બને. આ માટે સરકારે ખરાઅર્થમાં પ૬ની છાતીના દર્શન કરાવવા પડે. સરકાર પાસે સમય ઓછો છે, ચૂંટણીઓના પરિણામો દર્શાવે છે કે સરકાર માટે પ્રવાહ વીપરિત છે. ગમે તે હોય, પરંતુ મનના ઉંડાણમાંથી હજુ પણ એવો અવાજ આવે છે કે-મોદીજી છેલ્લી ઘડીએ સ્થિતિને અનુકુળ દિશામાં વાળવા સક્ષમ છે.

(10:11 am IST)