Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

વહે છે સમૃધ્ધિના ધોધ, પહોંચે છે ટીપું !

આર્થિક સર્વે : સરકારની લોકહિત નીતિ લોકો સુધી ન પહોંચે તો એ અર્થ વગરનું તંત્ર ગણાય

આજે આઘાતનો દિવસ છે. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના દિને મહાત્મા ગાંધજીની હત્યા થઇ હતી. મહાત્માજીના વિચારો સાથે સહમત થાવ કે ન થાવ, પરંતુ એ સમયે ગાંધીજીએ પાવરફૂલ મીડિયા કે સોશ્યલ મીડિયા વગર દેશભરમાં આઝાદીનો પ્રભાવી માહોલ સર્જ્યો હતો એ કમાલ હતી.  લોકવિશ્વાસ સંપાદન કરીને મહાત્માજીએ વિશ્વને આશ્ચર્યચકિત કરી દે તેવો ઇતિહાસ રચ્યો હતો. વડાપ્રધાનપદ નક્કી કરવા સહિતના અમૂક મહત્વપૂર્ણ નિર્ણયો વિવાદાસ્પદ રહ્યા છે, પરંતુ બાપુની વૃત્તિ સામે શંકા થઇ શકે તેમ નથી.

 

આજે બાપુના નામે જે ચાલે છે તે બધુ ગજબ છે. ગાંધીવાદીઓથી માંડીને રાજકારણીઓ ગાંધી-ગાંધી કરીને અસત્યનું આચરણ કરે છે. મહાત્મા ગાંધીજીને સામાન્ય માણસની સુખાકારીની ચિંતા હતી. આજના નેતાઓ ગાંધીજીના જાપ કરે છે, પણ સામાન્ય માણસની તેમને કંઇ પડી નથી.

ગઇકાલે આર્થિક સર્વે રજૂ થયો. ભારતનો આર્થિક વિકાસ દર ૭ થી ૭.પ ટકા રહેવાની ધારણા સરકારે રજૂ કરી. આ ઉપરાંત મોંઘવારી, કરમાળખા, જીડીપી વગેરેની ચર્ચા થઇ... સર્વે અંગે અર્થજગતના નિષ્ણાતો ટીવી પડદે ગોઠવાઇને ચર્ચામાં વ્યસ્ત બની ગયા છે. બજેટ સુધી આ ટોળકી વ્યસ્ત રહેશે. આ ચર્ચાઓમાં અમૂક સરકાર વિરોધી હોય છે, અમૂક સરકાર તરફી હોય છે. પોતપોતાની દલીલો કરતા રહે છે. ચર્ચાના કેન્દ્રમાં પોતાની વિચારધારા હોય છે, આમ વ્યકિત નહિ.

અહીં સરકાર વિરોધી કે તરફી વાત નથી કરવી-વાસ્તવિક સમસ્યા છેડવી છે. છે. મોદી સરકાર વિવિધક્ષેત્રે આકરા નિર્ણયો લે છે. અર્થ જગતમાં પણ નોટબંધી જીએસટી વગેરે નિર્ણયો થયા છે. લોકહિત અંગે સરકારની વૃત્તિ સામે પ્રશ્ન નથી, પરંતુ સિસ્ટમ્સ સામે સવાલ છે. નોટબંધીમાં નિર્દોષ લોકો હેરાન થયા, પરંતુ લબાડ સિસ્ટમ્સના કારણે નોટબંધીનો લાભ લોકોને ન મળ્યો. જીએસટીમાં સરકારે ખૂબ રાહતો આપી, પણ લબાડ તંત્રના કારણે રાહતોનો લાભ લોકો સુધી નથી પહોંચતો...

અર્થજગતના નિષ્ણાતો આર્થિક વિકાસ અને જીડીપીની ચર્ચા ખૂબ કરે છે, માનો કે જીડીપી બમણી થઇ જાય તો પણ સામાન્ય માણસની આવકમાં કોઇ ફેર ન પડે. એ સ્થિતિનો અર્થ ખરો ? ભારતમાં ભયાવહ આવકની અસમાનતા ફેલાયેલી છે. ૭પ ટકા આવક માત્ર બે ટકા લોકો વચ્ચે વહેચાય છે. આ સ્થિતિમાં જીડીપી વધે તો પણ સામાન્ય માણસનો શું લાભ?

આવકની અસમાનતા અંગે રાહુલ ગાંધીએ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ સામાન્ય કોંગ્રેસી કાર્યકરની આવક અને નેહરૂ ખાનદાનની આવક વચ્ચેનું અંતર રાહુલ જાહેર કરતા નથી. આર્થિક ચર્ચા માત્ર રાજકીય દૃષ્ટિથી થાય છે. આ બાબત ખતરનાક છે.

લોકહિતની નીતિ લોકો સુધી પહોંચે નહિ એ સ્થિતિ કોઇપણ સરકાર માટે જોખમી ગણાય, આવું અર્થ વગરનું તંત્ર લઇને મોદીજી 'અચ્છે દિન'ના સ્વપ્ન દેખાડે છે. ઁ

રાજકારણીઓ ગાંધી-ગાંધીના જાપ કરે છે. ગાંધીનીતિ ડૂબી ગઇ છે, અને નેતાઓ તરી રહ્યા છે. હે... રામ !

(10:03 am IST)