Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

બેટી બચાવો, બેટી માટે રોટી બચાવો !

મહિલા દિનઃ કદરૂપી સ્થિતિ પર મેક્અપના થથેડાં : બચેલી બેટી માટે સુરક્ષાની સો ટકા ગેરન્ટી તો આપો

સૂર્યદેવને સ્પર્શવા ઇચ્છો છો ? નાસા એ સન મિશન શરૂ કર્યું છે. પોતાનું નામ સૂર્ય પર મોકલી શકાય એવી સ્કીમ આવી રહી છે. સૂર્યદેવ તેજ અને મહાશકિતના વાહક છે. સૂર્યદેવની શકિતથી-ઉર્જાથી બધું ધબકે છે. પૃથ્વી પર સ્ત્રીને શકિતનું સ્વરૂપ માનવામાં આવે છે. શકિત સ્વરૂપા માટે આજે વિશેષ દિનની ઉજવણી થાય છે.

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. સર્વત્ર વિવિધ કાર્યક્રમો થાય છે. મહિલા અગ્રણીઓ અને મહિલા સંસ્થાઓથી માંડીને સરકારો દ્વારા વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. મહિલા શકિત અંગેના નિવેદનો-ભાષણોથી માધ્યમો છલકાઇ રહ્યા છે. સરકાર તથા દેશ આખો બેટી બચાવો-બેટી બચાવોના નારા લગાવી રહ્યા છે.

ભારતમાં સ્ત્રીને શકિત સ્વરૂપ ગણવામાં આવે છે, આ દેશમાં બેટી બચાવવા ઝૂંબેશ ચલાવવી પડે એ શરમજનક ગણાય. આવું શા માટે થાય છે ? ભારતમાં બેટીની સુરક્ષાની કોઇ ગેરન્ટી નથી. બેટીનું જાહેરમાં સ્વમાન ભંગ થાય તો પણ કાયદો મન થાય તો જ સક્રિય બને છે. બેટીઓના પાયાના પ્રશ્નો ઉકેલ્યા વગર બેટી બચાવાના ગોકીરા થાય છે. આ કારણે ઝૂંબેશ પૂર્ણપણે સફળ થતી નથી. બેટી બચાવો અભિયાન ગુજરાતથી શરૂ થયું હતું, પરંતુ ગુજરાતમાં છોકરીઓના જન્મનો રેશિયો સાવ તળિયે છે.

લોકો બેટી બચાવે, પણ સરકાર બેટીની સુરક્ષા સ્વમાન માટે સો ટકા ગેરન્ટી કેમ આપતી નથી ? તાજેતરમાં જ રાજકોટમાં ધૂળેટી પર્વે રેસકોર્સ જેવા વિસ્તારમાં લૂખ્ખા તત્વોએ બેટીઓનું સ્વમાનભંગ કરીને સમાજને કલંક લગાવ્યું. બે-ચાર લૂખ્ખાને પોલીસે પકડવા પડયા. મુખ્ય લૂખ્ખા સુધી પોલીસ પહોંચી નથી. મીડિયાએ થોડો ઉહાપોહ કર્યો, પરંતુ સવાલ એ છે કે મહિલા સંસ્થાઓ કેમ ચૂપ છે ? ભારેખમ મહિલા અગ્રણીઓ કેમ રોડ પર ન આવી ? મુખ્યમંત્રીની સતત સાથે રહેતા તેમના ધર્મપત્ની મહિલા અગ્રણી તરીકે સન્માનો મેળવે છે, પાવર દેખાડે છે, પરંતુ મહિલાઓના મૂળ પ્રશ્ને તેઓનો ફયૂઝ કેમ ઉડી જાય છે ? લૂખ્ખા તત્વો ભાજપ સાથે સંકળાયેલા હોય તો તેમને જાહેરમાં છેડતી કરવાની છૂટ હોય ?

ગુજરાત જેવા આગળ પડતા રાજયમાં આ સ્થિતિ હોય તો અન્ય રાજયોમાં દશા કેવી હશે ? ગોબરી-ગંદી સ્થિતિ પર મેક્અપના થથેડા લગાવીને સારી દેખાડવાના પ્રયાસ સરકારો દ્વારા છે. મહિલા સંસ્થાઓ અને મહિલા અગ્રણીઓ સરકારને સારૂ લગાડવા નૃત્ય કરતી રહે છે. મહિલા દિને રૂપાળા ભાષણો આપવા એ જ મુખ્ય પ્રવૃત્તિ રહી છે. મહિલા અગ્રણીઓના હોદ્દા, મેક્અપ અને શરીર વધતા જાય છે, પણ આમ મહિલાની સ્થિતિમાં કંઇ જ સુધારો થતો નથી.

બચેલી બેટીઓને પૂરતું પોષણ પણ મળતું નથી. બેટી માટે રોટી બચાવો જેવા અભિયાન પણ છેડવા જરૂરી છે. બેટી બચાવવા માટે પાયાના પ્રશ્નો ઉકેલવા જરૂરી છે. આ માટે સરકારે નાટક છોડીને ખરાઅર્થમાં સક્રિય થવું પડે. ઉપરાંત મહિલા સંસ્થાઓ અને સમાજે પણ આ દિશામાં પૂર્ણપણે જાગૃતિ રાખવી જરૂરી છે. અંજલીબેન પાસે તક છે પક્ષના તરંગથી ઉપર ઉઠીને મહિલા સમાજનો વાસ્તવિક અવાજ બનવાની...

(9:34 am IST)
  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST

  • દ્વારકા-નાગેશ્વર મંદિર વિસ્તારમાં આવેલ સરકારી જગ્યા પ્લોટ પાડીને વેચી દેવાઈ : પૂજારી સહિત ૧૬ સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ access_time 5:54 pm IST

  • વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત દેશ છોડીને ભાગી ગયા હોવાના રિપોર્ટ વહેતા થયા હતા, જો કે વેણુગોપાલે કહ્યું કે ‘આ માત્ર અફવા છે હું ભારતમાં જ છું અને દેશ છોડીને જવાનો મારો કોઇ ઇરાદો પણ નથી. હું અહ્યાં ખુશ છું અને છેલ્લા 5 વર્ષથી દેશની બહાર ગયો પણ નથી.’ ઉલ્લેખનીય છે કે વિડિયોકોન પર 20,000 કરોડનો કરજો છે. access_time 4:50 pm IST