Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

આવો સંઘ જાત્રાએ નહિ પહોચે...

જ્ઞાતિવાદી પરિબળો પૂરી તાકાતથી સક્રિય બન્યાછેઃ હિન્દુઓનો વ્યાપક ભરોસો જીતવમાં સંઘ ઢીલો પડી રહ્યો છેઃ રાજકીય ઉથલ પાથલના એંધાણ...

નીતિન પટેલના પ્રકરણ બાદ આ સ્થાને લખ્યું હતું... 'ઘીના ઠામમાં ઘી પડી ગયું, પણ ઠામ લીકેજ !' આ લીકેજમાંથી ઘી ટપકવા લાગ્યું... પુરુષોતમ સોલંકીએ થોડું તાપણું કર્યુ ત્યાં ઘી ઓગળ્યું અને ટપકયું. આવા તાપણા ભજપી આબરુના ધજાગરા ઉડાવી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસે જ્ઞાતિવાદનો તીવ્ર પ્રયોગ કર્યો, ભાજપ પણ આ વાદમાં ઢસડાયો અને માંડ -માંડ સરકાર રચાઇ... હવે દરેક જ્ઞાતિના રતનોને સાચવવામાં આબરુનું લીલામ થઇ રહ્યું છે.  વટનો સમય પુરો થઇ ગયો છે, નારાજ થાય તેને મનાવવા દોડવું પડે છે.

 

દેશમાં મજબુત બનીને ઉભરેલા ભાજપ-સંઘ માટે આ સ્થિતિ ઊંઘ ઉડાવનારી છે. ગુજરાતમાં થયેલો પ્રયોગ દેશના વિવિધ વિસ્તારોમાં લાગુ પડી રહ્યાના એંધાણ મળે છે. સંઘ પરિવારે સફાળા જાગૃત થવાનો સમય છે. મહારાષ્ટ્રમાં દલિતો અને પેશ્વાઓ વચ્ચે તનાવ સર્જાયો છે,  આ ઘટના નજર અંદાજ કરવા જેવી નથી.

ભાજપ-મોદિત્વનો મુખ્ય આધાર હિન્દુ વોટ બેંક પર છે. જેના આધારે અન્ય પક્ષોનો સફાયો થાય છે. આ વોટ બેંકને તોડવા દેશભરમાં પ્રયોગો થાય તેવો અંદાજ અસ્થાને નથી.

ઉજ્જૈનમાં સંઘ પરિવારની ચિંતન બેઠક ચાલી રહી છે, જેમાં લોકસભાની ચૂંટણી સહિતના મુદ્દ્ે મનોમંથન ચાલે છે. મોહન ભાગવતજી - અમિતભાઇ શાહ સહિતના અગ્રણીઓ ચિંતન કરે છે.

ઉડીને આંખે વળગે એવી બાબત એ છેકે, મોદિત્વએ લોકો પર પકકડ જમાવી છે તેવી પકકડ સંઘ હિન્દુ સમાજ પર જમાવી શકયો નથી. સંઘ માટે ગુજરાત સ્વર્ગ જેવું હતું, પરંતુ ટાબરીયા જેવા નેતાઓએ ચલાવેલા જ્ઞાતિવાદમાં સંઘનું હિન્દુત્વ હાંફી ગયું. ગુજરાતમાં અઢી દાયકાથી ભાજપનું રજ છે, છતાં આરએસએસ સામાન્ય હિન્દુઓનો વ્યાપકપણે ભરોસો જીતી શકયો નહિ, દેશમાં તો ગુજરાત કરતા વધારે ખરાબ સ્થિતિ છે.

હકીકત એ છે કે, આર. એસ.એસ. હિન્દુ સમાજની - સામાન્યસ્તરના હિન્દુઓની સમસ્યાઓથી  જોજનો દૂર છે. અમૂક વિશિષ્ટ પ્રકરણોમાં જ સંઘનું હિન્દુત્વ પાવરમાં આવે છે.મોટાભાગે નકારાત્મક મુદ્ે જ હિન્દુવાદી વિચારો સક્રિય બનતા જોવા મળે છે. આવા અનેક કારણોથી સમગ્ર હિન્દુ સમાજ પર સંઘનું વર્ચસ્વ સ્થપાતું નથી.

સંઘે હિન્દુ સમાજ માટે સકારાત્મક કાર્યો પુરી તાકાતથી કરવા જરૂરી છે. સામાન્ય હિન્દુઓની નાની-મોટી સમસ્યાઓ પર નિર્ણાયક કામ કરવું અનિવાર્ય છે. કેન્દ્રમાં અને દેશનાં મોટાભાગનાં પ્રાંતોમાં ભાજપ  સત્તાધીશ છે ત્યારે હિન્દુ સમાજનો વ્યાપકપણે ભરોસો જીતવની સંઘને સુવર્ણ તક છે. માત્ર કોમવાદી નિવેદનો કરવાથી હિન્દુત્વ ગરમ થાય, પરંતુ તેમાં સામાન્ય હિન્દુઓનું કલ્યાણ થતું નથી. હિન્દુ સમાજના કલ્યાણ માટે તાકાત અને નિષ્ઠાથી સક્રિય નહિ બને તો સંઘ જાત્રાએ નહિ પહોચે...

ઠામ લીકેજ થઇ ગયું છે, ઘી વધારે ઓગળશે તો ઠામ ખાલી પણ થઇ જશે, એ બાબત ભૂલવા જેવી નથી. (પ-ર)

(1:46 am IST)