News of Saturday, 30th December 2017

ડખ્ખાનો વિકાસ કરવા મત નથી આપ્યા...

ગુજરાતમાં ભાજપ નબળો પડયો, છતાં સાવધ થયો હોય તેમ નથી લાગતું... મલાઇદાર ખાતા માટે ખેચાખેચી, જવાબદારીની ફેકાફેકી...

બોટાદમાં હાર્દિક કંપનીની ચિંતન શિબિર શરૂ થઇ છે. પાટીદારોના વિસ્તારોમાં ભાજપનો વિજય કેમ થયો એ અંગે ચિંતન થનાર છે. આવું ચિંતન આંદોલનને રાજકીય સ્વરૂપ આપતા પહેલા થવું જોઇએ. સભામાં ટોળા ઉમટે તેનો અર્થ એ નથી કે બધા આપણી સાથે છે... રાજનૈતિક કદમ માંડવા માટે સમર્થન અંગે સર્વે કરવો જરૂરી છે. રપ-પ૦ હજારના ટોળાનો હઇસો-હઇસો જોઇને રાજકારણનો ગરાસ લૂંટવા કૂદી પડવામાં આવે તો ચિંતન શિબિરોના નામે મંજીરા વગાડવાના જ રહે.

હાર્દિક કંપની પોતાના સ્તરનું ચિંતન કરે છે, પરંતુ ભાજપી-સંધી મોવડીઓએ રાષ્ટ્રીયસ્તરનું ચિંતન કરવું અનિવાર્ય બન્યું છે. ગુજરાતમાં ભાજપની સરકાર રચાઇ છે, પરંતુ વટ ગાયબ થઇ ગયો છે. પક્ષ હાંકી ગયો છતાં બેઠકો ૧૦૦ સુધી નથી પહોંચી. દેશભરમાં મોદિત્વ-શાહત્વના જોરે ભાજપ તાગડધીન્ના કરી રહ્યો છે, આ બંને 'ત્વ'ના ઉદ્ભવ સ્થાન ગુજરાતમાં જ ભાજપને હાંફવાનું આવ્યું છે.

આ પરિણામો પક્ષ માટે અતિ ગંભીર ગણાય. ભાજપીઓએ સફાળા જાગી જઇને રાત-દિવસ જોયા વગર પૂરી તાકાત-નિષ્ઠા અને આક્રમકતાથી લોકહિતના કાર્યમાં લાગી જઇને ગુમાવેલો જનાધાર ફરીથી પ્રાપ્ત કરવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવી જરૂરી છે.

... પણ ભાજપ સાવધ થયો હોય તેમ લાગતું નથી. સરકાર રચાયા બાદ પ્રધાનોના શપથ લેવાઇ ગયા બાદ ખાતાઓની ફાવણીમાં જે વિલંબ-વિવાદ થયો એ માત્ર ભાજપ માટે નહિ, ગુજરાત માટે પણ અમંગળ સંકેત છે. વિપક્ષ મજબૂત બન્યો છે અને સરકારમાં અંદરોઅંદર ટાંટિયા ખેચ થાય એ સ્થિતિમાં રાજય રાજકીય અરાજકતા તરફ ઢસડાઇ શકે છે. ગુજરાતમાં ભાજપીઓનો આંતરિક ડખ્ખો વકરે તો દેશમાં ભાજપની આબરૂ ધોવાઇ શકે છે.

કમાલ એ છે કે, મતદારોએ ભાજપીઓનું ધોતિયુ ખેંચી લીધું છે, લંગોટભેર રહેલા ભાજપીઓ એક-બીજાની લંગોટ પણ ખેંચી રહ્યા છે! ભાજપે વિકાસના નામે મત માગ્યા છે, મતદારોએ પાતળી બહુમતી આપી છે. પાતળી બહુમતીને જાડી કરવા તરફ જ ભાજપની ગતિ હોવી જોઇએ, પરંતુ મળ્યું તેટલુ પચાવવા પણ ભાજપીઓ સક્ષમ દેખાતા નથી.

માથે લોકસભાની ચૂંટણી ગાજી રહી છે. ગુજરાતમાં ગુમાવેલા જનાધારને પરત લેવાનો મહાકાય પડકાર છે એ કસોટીકાળમાં અંદરો અંદર ડખ્ખે ચઢવું એ ઉજ્જવળ ભાવિની નિશાની નથી. મતદારો માટે પણ આવા દૃશ્યો આઘાતજનક છે. વીપરિત સંજોગોમાં પણ બહુમત મતદારોએ ભાજપને સમર્થન આપ્યું છે, પરિણામે સરકાર રચાઇ છે. મતદારોના મનમાં સવાલ પેદા થતો હશે કે, આ લોકો પર ભરોસો રાખીને મત આપ્યા છે, વિકાસ માટે મત આપ્યા છે, લંગોટધારી બની ગયા છતાં ભાજપીઓ ડખ્ખાનો જ વિકાસ કરી રહ્યા છે...

(1:46 am IST)
  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST