News of Thursday, 28th December 2017

ફી સહિત અન્ય ભાર પણ ઘટાડો

હાઇકોર્ટનો ચુકાદો રાહતરૂપ, પરંતુ સંચાલકો વાલીઓને 'ભણાવી દેવા' સક્ષમઃ સરકારની આક્રમકતા જરૂરી

હિમાચલ પ્રદેશમાં જયરામ ઠાકુર સરકાર સત્તારૂઢ થઇ છે. ગુજરાતમાં પણ રાજકીય સ્થિતિ થાળે પડી રહી છે. ભાજપ પર લોકોએ વિશ્વાસ રાખીને મત આપ્યા છે. અપાર પ્રશ્નો છતાં કોંગ્રેસને સરકાર રચવાથી દૂર રાખી છે. હવે ભાજપે લોકોના વિશ્વાસનું ઋણ ચૂકવવું જરૂરી છે.

 

ગુજરાતમાં રૂપાણી સરકારને સારા સુકન થયા છે. સરકાર રચાયાના બીજા જ દિવસે શાળામાં ફી નિર્ધારણ કેસમાં હાઇકોર્ટે સરકારની તરફેણમાં ચૂકાદો આપ્યો છે. આ ચૂકાદાથી લાખો વાલીઓને પણ રાહત થઇ છે. હાઇકોર્ટે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, ફી અધિનિયમ સમિતિ બંધારણીય છે. શાળાઓ નફાખોરી ન કરી શકે. શાળા સંચાલકોની સ્ટેની માંગણી પણ કોર્ટે ફગાવી દીધી છે...

ચૂકાદો ખરેખર રાહતરૂપ છે, પરંતુ શાળા સંચાલકો ટ્રીકબાજ બની ગયા છે, માત્ર છાત્રોને જ નહિ, વાલીઓને પણ 'ભણાવી દેવાની' ક્ષમતા સંચાલકોએ કેળવી લીધી છે. યેનકેન પ્રકારની ટ્રીક-ચાર્જીસ દ્વારા વાલીઓને ખંખેરી શકે છે. આ સામે વાલીઓએ સજાગ અને સરકારે આક્રમક રહેવું જરૂરી છે. શિક્ષણ વ્યવસાય બની ગયું છે એ જગજાહેર છે, વ્યવસાય એ પાપ નથી, પરંતુ વ્યવસાયમાં વ્યાજબીપણુ અને નિષ્ઠા જરૂરી છે. સંચાલકોમાં આ ગુણ ન હોય તો એ ગુણો સ્થાપિત કરવા અનિવાર્ય છે.

મહત્વની બાબત એ પણ છે કે, શિક્ષણક્ષેત્રે માત્ર ફીનો જ પ્રશ્ન નથી. શાળા સંચાલકોએ વિવિધ પ્રકાશકો સાથે સેટિંગ કરીને શિક્ષણને ભારેખમ અને ટેન્શનિયું બનાવી દીધું છે. છાત્રો-છાત્રાઓની પીઠ પર મણમણની સ્કૂલ બેગના બોજ છે, તેના માનસ પર પણ મણથી પણ વધારે વજનના ટેન્શન ઘુસાડી દેવાયા છે. આ પરેશાની કમ ન આંકી શકાય. એકઝામના ભયથી પરીક્ષાર્થી આપઘાત કરી લે એ શિક્ષણ અને સમાજ જીવનની ભયાવહ સમસ્યા ગણાય. આ સમસ્યા ફીના પ્રશ્ન કરતા અનેકગણી મોટી છે. કોઇપણ સ્થિતિમાં ઉત્તમ જીવન જીવવાનું શીખવવું એ શિક્ષણ-કેળવણીનું મુખ્ય કાર્ય ગણાય. શિક્ષણના ભારથી છાત્રો શારીરિક-માનસિક કમજોર બની રહ્યા છે.. આ ખતરનાક સમસ્યા સામે પણ જંગ જરૂરી છે.

ખુલ્લા મનથી ચિંતન કરીએ તો શાળા સંચાલકો રાજકીય પક્ષોના દાતાઓ પણ હોય છે. શિક્ષણક્ષેત્રના અતિ મહત્વના પ્રશ્નોમાં શાસક કે વિપક્ષ નિર્ણાયક આક્રમકતા દાખવે તેવી આશા અસ્થાને પણ ગણાય. વિપક્ષ-શાસકમાં ઘણા નેતાઓ ખુદ જ શાળા સંચાલકો પણ હોય છે. આ સ્થિતિમાં વાલીઓ જ નિર્ણાયક બની શકે. ફી મુદ્દે વાલીઓની એકતાનું પરિણામ મળ્યું છે. સંગઠનને મજબૂત બનાવીને શિક્ષણના મહત્વના પ્રશ્ને નિર્ણાયક જંગ ખેલાય તો ભલભલા નેતાએ ઝૂકવું પડે.

રૂપાણી સરકાર આ પ્રશ્ને નિર્ણાયક કદમ ઉઠાવીને ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવવાની તક ઝડપી શકે છે સામે વિપક્ષને પણ તક છે. શિક્ષણના પ્રશ્નો અંગે નિર્ણાયક લડત આપીને કોંગ્રેસ પોતાનો જનાધાર વધારી શકે છે.

વાલીઓ ટસના મસ ન થાય તો શિક્ષણનું કલ્યાણ થશે. વાલી સંગઠન નબળુ પડશે તો છાત્રોની પીઠ અને મનના ભાર હળવા નહિ થાય અને આપઘાતો થતા રહેશે...

(1:46 am IST)
  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • મુંબઈ પોલીસે જીગ્નેશ મેવાણી અને JNUના ઉમર ખાલીદના કાર્યક્રમને મંજુરી ન આપી. access_time 10:57 am IST