ખેલ-જગત
News of Friday, 27th November 2020

કાંગારૂઓએ જંગી જુમલો ખડકયો : ટીમ ઈન્ડિયા ૮૫/૩

સિડની વન-ડે : ઓસ્ટ્રેલિયા-૩૭૪/૬ : ફિન્ચ - સ્મિથની સદી : અંતિમ ઓવરોમાં મેકસવેલની ફટકાબાજી : ભારતીય ટીમ નવી જર્સી સાથે મેદાનમાં ઉતરી : શમીને ૩, બુમરાહ - સૈની - ચહલ - જાડેજાને ૧-૧ વિકેટ : મયંક - ૨૨, વિરાટ - ૨૧, અય્યર - ૨ રને આઉટ

સિડની : લાંબા સમય બાદ નવી જર્સી સાથે ઉતરેલી ભારતીય ટીમના બોલરોની આજે ભારે ધોલાઈ થઈ હતી. કેપ્ટન ફીન્ચ ૧૧૪, સ્મિથ - ૧૦૫ અને મેકસવેલે અંતિમ ઓવરોમાં માત્ર ૧૯ બોલમાં ૪૫ રન ઝુડી નાખ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૭૪ રન ખડકી દીધા હતા. જવાબમાં ભારતીય ટીમે પણ વળતો પ્રહાર કર્યો છે. ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૮૫ રન બનાવી લીધા છે.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી દાવ લેતા મજબૂત શરૂઆત કરી હતી. વોર્નરે ૬૯ રન ફટકાર્યા હતા તો કેપ્ટન ફિન્ચે શાનદાર સદી ફટકારી હતી. તેણે ૧૨૪ બોલમાં ૧૧૪ રન બનાવ્યા હતા. તેની સાથે સ્મિથે પણ માત્ર ૬૬ બોલમાં ૧૦૫ રનની શાનદાર ઈનિંગ રમી હતી. ત્યારબાદ સ્ટોયનીસ પ્રથમ બોલે જ આઉટ થઈ ગયો હતો. બાદ મેદાનમાં મેકસવેલ આવતા માત્ર ૧૯ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૪૫ રન ફટકારી દીધા હતા. કેરી ૧૭ રને, કમીન્સ ૧ રન બનાવી આઉટ થયો હતો. આમ ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૭૪ રનનો જંગી જુમલો ખડકી દીધો હતો.

ટીમ ઈન્ડિયાના બોલરોની ભારે ધોલાઈ થઈ હતી. પ્રથમ વિકેટ છેક ૨૮મી ઓવરે પડી હતી. મોહમ્મદ શમીએ ૩, બુમરાહ - સૈની - ચહલ અને જાડેજાને ૧-૧ વિકેટો મળી હતી.

૩૭૫ રનના ટાર્ગેટ સાથે ઉતરેલા ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો પણ સટાસટી બોલાવી રહ્યા છે. મયંક અગ્રવાલ ૨૨, વિરાટ કોહલી ૨૧ અને શ્રેયસ અય્યર ૨ રન બનાવી આઉટ થયા છે. આ લખાય છે ત્યારે ભારતે ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૮૫ રન બનાવ્યા છે. ભારતને જીત માટે હજુ ૨૯૦ રનની જરૂર છે.

(3:31 pm IST)