ખેલ-જગત
News of Friday, 23rd September 2022

જય શાહ કે સૌરવ ગાંગુલી? BCCI ના ‘બોસ'નો ૧૮ ઓકટોબરે થશે ફેસલો

નવી દિલ્‍હીઃ સુપ્રિમ કોર્ટમાંથી રાહત મળ્‍યા બાદ હવે બીસીસીઆઇ ટૂંક સમયમાં ચૂંટણી કરાવવા જઇ રહ્યુ છે. આ ચૂંટણીઓ નક્કી કરશે કે સૌરવ ગાંગુલી અને જય શાહ સહિતના વર્તમાન પદાધિકારીઓને સુપ્રીમ કોર્ટમાંથી મળેલી રાહતનો લાભ મળશે કે નહી. અહેવાલો અનુસાર, બીસીસીઆઇ આગામી મહિને ૧૮ ઓકટોબરના રોજ તેની વાર્ષિક સામાન્‍ય સભાનું આયોજન કરશે, જેમા ઘણા મુદ્દાઓ પર ચર્ચા અને અપડેટ્‍સની સાથે ચૂંટણી યોજવામાં આવશે.
બોર્ડના સેક્રેટરી જય શાહે તમામ રાજ્‍ય એસોસિએશનોને એક પત્ર મોકલ્‍યો હતો, જેમાં ૧૮ ઓકટોબરે યોજાનારી એજીએમ અને તેમા ઉઠાવવામાં આવનાર મુદ્દાઓ વિશે માહિતાી આપવામાં આવી હતી. આ બોર્ડની ૯૧મી એજીએમ હશે. છેલ્લે વાર્ષિક ડિસેમ્‍બર ૨૦૨૧માં યોજાઇ હતી. એજન્‍ડામાં મહિલા આઇપીએલ પર અપડેટ્‍સથી લઇને ICC મા BCCI પ્રતિનિધિની પસંદગીનો સમાવેશ થાય છે. વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ, ટ્રેઝરર અરૂણ ધૂમલ જેવા અધિકારીઓનો કાર્યકાળ પૂરો થઇ ગયો છે. પરંતુ તાજેતરમાં સુપ્રિમ કોર્ટે બીસીસીઆઇના બંધારણમાં ફેરફારોને મંજૂરી આપ્‍યા બાદ બીજી ટર્મ માટેનો માર્ગ મોકળો થઇ ગયો હતો. જેથી ફરી ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો. બોર્ડના વર્તમાન અધિકારીઓ લગભગ સ્‍પષ્‍ટ છે, પરંતુ મોટાભાગની નજર ચેરમેન  પદ પર છે. શું ગાંગુલી ફરીથી પ્રમુખ પદ માટે ચૂંટણી લડશે કે જય શાહ તેના માટે  દાવો કરશે?

 

(11:52 am IST)