ખેલ-જગત
News of Sunday, 22nd May 2022

થોમસ કપ વિજેતા ટીમને મળતા નરેન્‍દ્રભાઇ મોદી, કહ્યું- તમે દેશનું મોટું સપનું પુરુ કર્યું : ભારતીયોએ કયારેય આ ટાઇટલનું નામ પણ નહિ સાંભળ્યું હોય પણ આજે તમે તેને દેશમાં લોકપ્રિય બનાવી દીધું છે

નવી દિલ્હી : થોમસ કપ જીતને ઇતિહાસ રચનાર ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ માં મુલાકાત કરી હતી. થોમસ કપ અને ઉબર કપ જીતનાર ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાનશ્રી મોદીએ કહ્યું કે હું દેશ તરફથી પૂરી ટીમને અભિનંદન પાઠવું છું.

આ કોઇ નાની સિદ્ધિ નથી. કોઇપણ ટૂર્નામેન્ટમાં કોઇપણ નિર્ણાયક મેચ શ્વાસ ખેંચી નાખે તેવી હોય છે. આ વિશે ખેલાડીઓએ કહ્યું કે મેચ પહેલી હોય કે અંતિમ અમે હંમેશા દેશની જીત જોઈ છે.

આ પહેલા શ્રી નરેન્‍દ્રભાઇ  મોદીએ ટ્વિટ કરીને આ મુલાકાત વિશે જાણકારી આપી હતી. તેમણે ટ્વિટર પર એક વીડિયો શેર કરતા લખ્યું કે આપણા બેડમિન્ટન ચેમ્પિયનો સાથે વાતચીત કરી જેમણે થોમસ કપ અને ઉબર કપના પોતાના અનુભવ શેર કર્યા. ખેલાડીઓએ પોતાની રમતના વિભિન્ન પહેલુઓ, બેડમિન્ટનથી અલગ જીવન અને ઘણા વિષય પર વાત કરી. ભારતને તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ છે.

વડાપ્રધાનશ્રી મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે આપણી ટીમ થોમસ કપ જીતવાના લિસ્ટમાં ઘણી પાછળ જોવા મળતી હતી. ભારતીયોએ ક્યારેય આ ટાઇટલનું નામ પણ સાંભળ્યું નહીં હોય પણ આજે તમે તેને દેશમાં લોકપ્રિય કરી દીધું છે. ભારતીય ટીમે કરી બતાવ્યું છે કે જો મહેનત કરવામાં આવે તો બધું જ મેળવી શકાય છે. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કિદામ્બી શ્રીકાંત, સાત્વિકસાઇરાજ રંકીરેડ્ડી, ચિરાગ શેટ્ટી, લક્ષ્‍ય સેન અને એચએસ પ્રણોય સાથે વાત કરી હતી. પીએમે તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.

વડાપ્રધાનશ્રી મોદીએ વધુ કહ્યું કે આજે લક્ષ્‍ય સેને પોતાનો વાયદો પુરો કર્યો છે. તેણે ફોન પર કહ્યું હતું કે મીઠાઇ ખવડાવીશ. આજે તે મારા માટે મીઠાઇ લઇને આવ્યો છે. લક્ષ્‍ય સેને કહ્યું હતું કે પીએમે અલ્મોડાની મીઠાઇ માંગી હતી. હું તેમના માટે મીઠાઇ લઇને ગયો હતો. આ દિલને છૂ લે તેવી ઘટના છે કે તેમને ખેલાડીઓની નાના-નાની વાતો યાદ રહે છે.

ભારતે થોડા દિવસો પહેલા 14 વખતના ચેમ્પિયન ઇન્ડોનેશિયાને હરાવી પ્રથમ વખત થોમસ કપ જીત્યો હતો. ભારતીય ટીમ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી.

(2:21 pm IST)