ખેલ-જગત
News of Monday, 20th September 2021

રાજકોટમાં ભારત-આફ્રિકા વચ્ચે જામશે ટી-૨૦ જંગ

ક્રિકેટરસિયાઓ માટે સારા સમાચાર : આવતા વર્ષે જુનમાં ખંઢેરીના મેદાનમાં જામશે મુકાબલોઃ સત્તાવાર જાહેરાત

 રાજકોટઃ ક્રિકેટ રસિકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાજકોટમાં T-20 મેચ રમાશે. જો કે આ પહેલા યુએઈ અને ઓમાનની મેજબાનીમાં ૧૭ ઑકટોબરથી T-20 વર્લ્ડકપનું આયોજન થવાનું છે. ભારત આ ICC ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ ૨૪ ઑકટોબરે પાકિસ્તાન સામે રમશે

T-20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયા ઘણી ટીમો સામે મેચ રમશે. જેમા ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અનેે દક્ષિણ આફ્રિકા જેવી ટીમો છે. ટીમ ઈન્ડિયાની આ સીરીઝ માટે પહેલાથી જ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે અને આજે તેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે. ખાસ કરીને રાજકોટમાં ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે અને ૧૫ જૂન-૨૦૨૨નાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત-આફ્રિકા વચ્ચે T-20 મુકાબલો રમાશે.

આ પહેલા રાજકોટમાં ૧૭ જાન્યુઆરી-૨૦૨૦માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાઇ હતી. ત્યારપછી કોરોનાનું ગ્રહણ લાગી જતાં ક્રિકેટ કેલેન્ડર ખોરવાઈ ગયું હતું. જો કે હવે કોરોનાનાં કેસોમાં ઘટાડો થતા ફરી ક્રિકેટનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે.

(3:55 pm IST)