ખેલ-જગત
News of Wednesday, 20th January 2021

મેદાનમાં અમારા માટે પોતાનું કેરેકટર, ફાઈટીંગ સ્પિરીટ અને એટીટ્યુડ મહત્વના હતા : રહાણે

જીતનો શ્રેય ટીમના દરેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફને જાય છે

બ્રિસ્બેન : મુંબઈકર અજિંક્ય રહાણેએ ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમની કમાન સંભાળીને શ્રેષ્ઠ કપ્તાનીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મેચ અને સિરીઝ જીત્યા બાદ રહાણેએ ટીમના દરેક ખેલાડીનાં વખાણ કરતાં તેમના યોગદાનને બિરદાવ્યું હતું. રહાણેએ કહ્યું કે 'મારા દેશને લીડ કરવાનો મને ગર્વ છે. આ મારા માટે નથી, ટીમ માટે છે. હું સારો દેખાઈ રહ્યો છું, કારણ કે ટીમના દરેક સભ્યએ પોતાનું યોગદાન આપ્યું છે. અમારા માટે ફીલ્ડ પર પોતાનું કેરેકટર, ફાઇટિંગ સ્પિરિટ અને ઍટિટ્યુડ મહત્ત્વનાં હતાં.'

'એડીલેડ ટેસ્ટ બાદ પાછા બેઠા થવું ઘણું અઘરૃં હતું, પણ અમે અમારું વ્યકિતત્વ અને લડત આપવાની ધગશ જાળવી રાખી હતી. અમે પરિણામ વિશે વધારે વિચાર નથી કરતા, પણ માત્ર સારૃં ક્રિકેટ રમવા માગીએ છીએ. આ જીતનું શ્રેય ટીમના દરેક સભ્ય અને સપોર્ટ-સ્ટાફને જાય છે. માત્ર અમે જ આ જીત નથી માણતા, સમગ્ર ભારતીયો આ જીતનો આનંદ લઈ રહ્યો છે.

આ ઐતિહાસિક જીતને અમે આજે માણવા માગીએ છીએ, કારણ કે એક વાર ભારત પહોંચ્યા પછી અમે ઈંગ્લૅન્ડ સિરીઝ પર ધ્યાન આપીશું.'

(2:48 pm IST)