ખેલ-જગત
News of Saturday, 4th December 2021

જુનિયર હોકી વર્લ્ડ કપ: જર્મનીએ ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું

નવી દિલ્હી: ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનું સતત બીજી વખત FIH જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ જીતવાનું સપનું શુક્રવારે છ વખતની ચેમ્પિયન જર્મની સામે 2-4થી હાર્યા બાદ તૂટી ગયું હતું. ફાઇનલમાં જર્મનીનો મુકાબલો આર્જેન્ટિના સામે થશે. રવિવારે ફાઈનલ પહેલા ભારત ત્રીજા અને ચોથા સ્થાનની મેચમાં ફ્રાન્સ સામે ટકરાશે. ભારત આ પહેલા પૂલ સ્ટેજમાં ફ્રાન્સ સામે 4-5થી હારી ગયું હતું. 2016માં લખનઉમાં જુનિયર વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ભારતીય ટીમ જર્મની સામે શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. જર્મની તરફથી એરિક ક્લેઈનલેન (15મી મિનિટ), એરોન ફ્લેટન (21મી), કેપ્ટન હેન્સ મુલર (24મી) અને ક્રિસ્ટોફર કુટરે (25મી મિનિટે) ગોલ કર્યા હતા. ભારત તરફથી ઉત્તમ સિંહ (25મો) અને બોબી સિંહ ધામીએ (60મો) ગોલ કર્યા હતા.

 

(6:11 pm IST)