ખેલ-જગત
News of Saturday, 4th December 2021

જય શાહનો તરખાટ : ટીમ ગાંગુલીનો ૧ રને પરાજય

ઇડન ગાર્ડનમાં બીસીસીઆઇ એજીએમ ફેસ્ટીવલ મેચમાં

 કોલકતાઃ   એક એકિઝબિશન મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના આકોનિક પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની ટ્રેડમાર્ક ઓફસાઇડ ડ્રાઇવ્ઝ અને સ્ટેપ આઉટ થઈ લગાવેલા જોરદર શોટ્સની આતશબાજી જોવા મળી હતી, પરંતુ બીસીસીઆઇ પ્રેસિડેન્ટ ઇલેવનની ટીમ જય શાહના નેતૃત્વ હેઠળની સેક્રેટરી ઇલેવન સામે એક જ રનથી હારી ગઈ હતી.

 ઇડન ગાર્ડન ખાતે યોજાયેલી ૧૫ ઓવરની આ યાદગાર બની રહી હતી. મેચ ફિનિશરની ભૂમિકા નિભાવતાં ગાંગુલી છઠ્ઠા નંબરે બેટિંગમાં આવ્યા હતા અને માત્ર ૨૦ બોલમાં ૩૫ રનની આતશબાજીમાં તેમણે બે સિકસ અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. મેચના નિયમ મુજબ તેમણે રિટાયર થઈ જવું પડ્યું હતું અને તેમની ટીમ વિજયથી માત્ર એક જ રન દૂર રહી ગઈ હતી.

 ગાંગુલીના હોમગ્રાઉન્ડ ખાતે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ મેચના સ્ટાર પુરવાર થયા હતા ૧૨૮ રનનો પીછો કરતી પ્રેસિડેન્ટ ઇલેવનની ટીમ સામે સાત ઓવરની ફાસ્ટ બોલિંગમાં ૫૮ રન આપીને ત્રણ વિકેટો ઝડપી હતી.

 જય શાહે ઝડપેલી વિકેટમાં ઇડન ગાર્ડનના એક સમયના ફેવરિટ બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનનો સમાવેશ થાય છે જેઓ માત્ર બે રનના અંગત સ્કોર પર લેગ બિફોર થયા હતા. શાહે ગોવા ક્રિકેટ એસોસિયેશનના સુરજ લોટલીકરને પણ આઉટ કર્યા હતા.

 અગાઉ, બીસીસીઆઇ સેક્રેટરી ઇલેવને ટોસ જીતીને બેટિંગ લેવાનું પસંદ કર્યું હતું અને અરુણ ધુમલ (૩૬) અને જયદેવ શાહ (૪૦)ની ૯૨ ભાગીદારીની મદદથી ત્રણ વિકેટ ગુમાવીને કુલ ૧૨૮ રનનો જુમલો ખડક્યો હતો.

 ગાંગુલીએ તેમની ત્રણ ઓવરમાં ૧૦ રન આપીને એક વિકેટ ઝડપી હતી, જેમાં તેમણે પ્રવીણ અમીનને આઉટ કર્યા હતા. જ્યારે અઝહરુદ્દીને બે ઓવરમાં આઠ રન આપી હતી. તેઓ એકપણ વિકેટ ઝડપી શક્યા નહોતા.

 બીસીસીઆઇ સેક્રેટરી ઇલેવનઃ ૧૫ ઓવરમાં ૧૨૮/૩ જયદેવ શાહ ૪૦ રિટાયર્ડ, અરૂણ ધુમલ ૩૬, જય શાહ ૧૦ નોટઆઉટ; સૌરવ ગાંગુલી ૧/૧૦)નો બીસીસીઆઇ પ્રેસિડેન્ટ ઇલેવન સામે ૧૫ ઓવરમાં ૧૨૭/૫; (સૌરવ ગાંગુલી ૩૫ રિટાયર્ડ, મોહમ્મદ અઝહરુદ્દીન ૨, અવિષેક દાલમિયા ૧૩;  જય શાહ ૩/૫૮) એક રને વિજય થયો હતો.

(4:01 pm IST)