ધવન ફીટ, જાડેજા પણ ફીટ થઈ જશે
ભારત - આફ્રિકા વચ્ચે આવતીકાલથી ફેરવેલ સિરીઝનો પ્રારંભ : બપોરે બે વાગ્યાથી જીવંત પ્રસારણ : વિરાટ સેનાની આકરી કસોટી : બેટ્સમેનો - બોલરોએ જોરદાર પર્ફોર્મન્સ બતાવવુ પડશે
કેપટાઉન, તા. ૪ : જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થઇ રહી છે. પ્રવાસી ભારતીય ટીમ જીતના સિલસિલાને આગળ વધારી દેવા માટે તૈયાર છે પરંતુ વિદેશી મેદાન પર શાનદાર દેખાવ કરવા માટે ટીમ ઇન્ડિયા સામે પડકાર દેખાઇ રહ્યા છે.
વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. ટીમ ઇન્ડિયામાં તમામની નજર હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલી, શિખર ધવલન, રહાણે, રોહિત શર્મા પર કેન્દ્રિત રહેનાર છે. શિખર ધવન સ્વસ્થ થઇ ગયા બાદ ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધી ગયો છે.
ટીમ ઇન્ડિયામાં ચેતેશ્વર પૂજારા પાસેથી પણ જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. કેપટાઉન ખાતે આ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. જેનુ બપોરે બે વાગ્યાથી પ્રસારણ કરવામાં આવનાર છે. બીસીસીઆઈએ કહ્યું હતું કે, શિખર ધવન સંપૂર્ણ ફિટ છે અને પ્રથમ ટેસ્ટ મેચમાં રમવા માટે તૈયાર છે. બીજી બાજુ સ્પીનર રવિન્દ્ર જાડેજા છેલ્લા બે દિવસથી વાયરલ માંદગીમાં ગ્રસ્ત થઇ ગયો છે. જાડેજાની ફિટનેસ ઉપર ટીમ ઇન્ડિયાની મેડિકલ ટુકડી નજર રાખી રહી છે. મેચની શરૂઆતના કલાકો પહેલા તેની ફિટનેસના સંદર્ભમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, શિખર ધવન સંપૂર્ણપણે ફિટ છે અને ઓપનિંગ કરશે. જાડેજા છેલ્લા બે દિવસથી તાવમાં ગરકાવ થયો છે. જો કે તે પણ ફિટથઇ જાય તેમ માનવામાં આવે છે. યજમાન આફ્રિકાની ટીમ ઘરઆંઘણે ખુબ મજબુત રહી છે.
ટીમમાં કેપ્ટન ડુ પ્લેસીસ સિવાય ડિવિલિયર્સ, હાસીમ અમલા જેવા આધારભુત બેટ્સમેનો રહેલા છે. દુનિયામાં સૌથી ઘાતક બોલિગ હાલમાં આફ્રિકા પાસે જ છે તે બાબતની કબુલાત તો હિટમેન રોહિત શર્મા પણ કરી ચુક્યો છે. વર્ષની સૌથી રોમાંચક શ્રેણી બની રહે તેવી શક્યતા છે.