ખેલ-જગત
News of Monday, 3rd October 2022

41 રને શ્રીલંકાને ભારતીય મહિલા ટીમે એશિયા કપમાં કરી જીતની શરૂઆત

નવી દિલ્હી: ભારતીય ટીમે પોતાની શાનદાર બોલિંગ અને મજબૂત ફિલ્ડિંગના દમ પર જીત સાથે મહિલા એશિયા કપના કાફલાની શરૂઆત કરી હતી. 150 રનનો બચાવ કરવા ઉતરેલી ભારતીય ટીમે આખી વિપક્ષી ટીમને દસ બોલ બાકી રહેતા પેવેલિયન મોકલી દીધી હતી. ભારતે શ્રીલંકા સામે 41 રને જોરદાર વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 150 રન બનાવ્યા બાદ શ્રીલંકા 18.2 ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 53 બોલમાં 76 રન બનાવનાર જેમિમાહ રોડ્રિગ્સને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. જેમિમાહ રોડ્રિગ્સે તેની શાનદાર ઇનિંગમાં 11 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા.જેમિમાહ રોડ્રિગ્સે કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે ત્રીજી વિકેટ માટે 92 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. હરમનપ્રીતે 30 બોલમાં 33 રન બનાવ્યા હતા. ટીમના સ્કોર 134ના સ્કોર પર જેમિમાહ રોડ્રિગ્સ આઉટ થઈ ગઈ અને ટીમ માત્ર 150 રન સુધી જ પહોંચી શકી. શ્રીલંકા તરફથી ઓશાદી રણસિંઘે 32 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.શ્રીલંકાની ઇનિંગ્સમાં માત્ર ત્રણ જ બેટ્સમેન ડબલ નંબર સુધી પહોંચી શક્યા હતા. હસીની પરેરાએ સૌથી વધુ 32 બોલમાં 30 રન બનાવ્યા હતા. ભારત તરફથી દયાલન હેમલતાએ 15 રનમાં ત્રણ વિકેટ લીધી હતી જ્યારે પૂજા વસ્ત્રાકર અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી હતી.

(7:50 pm IST)