ઇન્ડિયા લિજેન્ડ્સે ફરી એકવાર રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનું ટાઇટલ જીત્યું
ફાઇનલ મેચમાં ઇન્ડિયા લિજેન્ડ્સે શ્રીલંકા લિજેન્ડ્સને 33 રને હરાવ્યું હતું. અહીં નમન ઓઝાએ ઇન્ડિયા લિજેન્ડ્સે માટે સદી ફટકારી હતી. તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો.
મુંબઇઃ ઇન્ડિયા લિજેન્ડ્સે ફરી એકવાર રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનું ટાઇટલ જીત્યું છે. શનિવારે રાત્રે રમાયેલી ફાઇનલ મેચમાં ઇન્ડિયા લિજેન્ડ્સે શ્રીલંકા લિજેન્ડ્સને 33 રને હરાવ્યું હતું. અહીં નમન ઓઝાએ ઇન્ડિયા લિજેન્ડ્સે માટે સદી ફટકારી હતી. તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની પ્રથમ સિઝનનું ટાઇટલ પણ ઇન્ડિયા લિજેન્ડ્સે જીત્યું હતું. આ વખતે બીજી સિઝનમાં આ ટીમ પોતાનું ટાઇટલ બચાવવામાં સફળ રહી હતી. પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયા લિજેન્ડ્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
નમન ઓઝાએ 71 બોલમાં 108 રન બનાવ્યા હતા. તે શરૂઆતથી અંત સુધી એક છેડે રહ્યો હતો. સચિન તેંડુલકર (0), સુરેશ રૈના (4), યુસુફ પઠાણ (0) સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. વિનય કુમાર (36), યુવરાજ સિંહ (19) અને ઇરફાન પઠાણે (11) કાંઇ ખાસ કમાલ કરી શક્યા નહોતા. શ્રીલંકા તરફથી નુવાન કુલશેખરાએ ત્રણ, ઉદાનાએ બે અને ઈશાન જયરત્નેએ એક વિકેટ ઝડપી હતી.
196 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા લિજેન્ડ્સની વિકેટ શરૂઆતથી જ પડતી રહી. દિલશાન મુનાવીરા (8), સનથ જયસૂર્યા (5), તિલકરત્ને દિલશાન (11) સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. શ્રીલંકા લિજેન્ડ્સ ના મિડલ ઓર્ડર બેટ્સમેનો પણ નિયમિત અંતરે વિકેટ ગુમાવતા રહ્યા. ઉપલ થરંગા (10), અસિલા ગુણારત્ને (19), જીવન મેન્ડિસ (20) નાની ઇનિંગ્સ રમી હતી. એકમાત્ર ઈશાન જયરત્નેએ 22 બોલમાં 51 રન ફટકારીને પોતાની ટીમને જીતની આશા જગાવી હતી. શ્રીલંકાની આખી ટીમ 18.5 ઓવરમાં 162 રનમાં સમેટાઈ ગઈ હતી. ઇન્ડિયા લિજેન્ડ્સ તરફથી વિનય કુમારને ત્રણ, અભિમન્યુ મિથુને બે અને બાકીના બોલરોને એક-એક વિકેટ મળી હતી. શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર તિલકરત્ને દિલશાન પોતાની ટીમને ચેમ્પિયન બનાવી શક્યા નહોતો પરંતુ આ વખતે તે ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ રહ્યો હતો. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની આ સિઝનમાં તેણે 192 રન બનાવ્યા અને 5 વિકેટ પણ લીધી.