ખેલ-જગત
News of Saturday, 2nd July 2022

પ્રવાસી વિકેટકીપર-બેટસમેન તરીકે બે સદીનો પંતનો રેકોર્ડ

ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ઋષભ પંતની સદી : ઋષભ પંતે એજબેસ્ટ ટેસ્ટ પહેલા વર્ષ ૨૦૧૮માં ધ ઓવલમાં પણ ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી

નવી દિલ્હી, તા.૨ ઃ ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાં ઋષભ પંતે શાનદાર પ્રદર્શન સાથે પોતાના ટેસ્ટ કરિયરની ૫ મી સદી ફટકારી. પંત ૧૧૧ બોલ પર ૧૪૬ રન બનાવીને આઉટ થયા. પોતાની ઈનિંગમાં તેમણે ૨૦ ચોગ્ગા અને ૪ સિક્સર મારી. સદીની ઈનિંગ દરમિયાન વર્લ્ડ રેકોર્ડ પંતે પોતાના નામે કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે.  પંત દુનિયાના એકમાત્ર એવા ક્રિકેટર બની ગયા છે જેમના નામે ઈંગ્લેન્ડમાં મહેમાન વિકેટકીપર બેટ્સમેન તરીકે બે સદી ફટકારવાનો રેકોર્ડ છે. પંતે એજબેસ્ટ ટેસ્ટ પહેલા વર્ષ ૨૦૧૮માં ધ ઓવલમાં પણ ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી. એટલે કે ટેસ્ટ ક્રિકેટના ૧૪૫ વર્ષના ઈતિહાસમાં પંત પહેલા એવા ક્રિકેટર થઈ ગયા છે જેઓ મહેમાન વિકેટકીપર બેટ્સમેન તરીકે ઈંગ્લેન્ડમાં ૨ સદી ફટકારવામાં સફળ રહ્યા છે.

પંત સિવાય જાડેજાએ પણ શાનદાર બેટિંગ કરી અને ખૂબ રન બનાવ્યા. બંનેની વચ્ચે છઠ્ઠી વિકેટ માટે રેકોર્ડ ૨૨૨ રનની પાર્ટનરશિપ થઈ. મેચના અંતે જાડેજાએ ૮૩ રન બનાવ્યા હતા. પંતની શાનદાર ઈનિંગનો અંત જો રૃટે કર્યો. પંત અને જાડેજાએ મળીને પણ એક ખાસ કમાલ ટેસ્ટ ક્રિકેટમાં કર્યો. જોકે પંત અને જાડેજાએ એજબેસ્ટમાં ભારત તરફથી કોઈ પણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ આ મેદાન પર ધોની અને પ્રવીણ કુમારે વર્ષ ૨૦૧૧માં ૮મી વિકેટ માટે ૮૪ રનની પાર્ટનરશિપ કરી હતી. મોહિન્દર અમરનાથ અને અજહરે આ મેદાન પર વર્ષ ૧૯૮૬માં ચોથી વિકેટ માટે ૮૯ રન કર્યા હતા. વર્ષ ૧૯૭૯માં ગાવસ્કર અને ચેતન ચૌહામને પહેલી વિકેટ માટે ૧૨૪ રનની ભાગીદારી કરી હતી.

સચિન તેંડુલકરે ઋષભ પંતની સદીને લઈને ટ્વીટ કરી. જેમાં તેમણે લખ્યુ, ખરેખર અદ્ભુત ઈનિંગ, શાનદાર. રવીન્દ્ર જાડેજાની પણ મહત્વની ઈનિંગ. સ્ટ્રાઈક શ્રેષ્ઠ રોટેટ ની. ઈરફાન પઠાણે પણ પંતના ખૂબ વખાણ કર્યા. તેમણે લખ્યુ, ઋષભ પંત.... અને ટેસ્ટમાં તેમનો પંચ ચાલુ છે. તેમને સુપર સ્ટાર કહેવાનુ કારણ સામે છે. હરભજન સિંહે ટ્વીટ કરી. શાનદાર સદી, જ્યારે ટીમને સૌથી વધારે જરૃર હતી. આને ચાલુ રાખો.

 

(8:41 pm IST)