Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

ઓસ્ટ્રેલિયન ઓપન : રશિયન ગ્લેમર ગર્લ શારાપોવા આઉટ

જર્મનીની કાર્બર સામે શારાપોવાની હાર થઇ : પુરુષોના વર્ગમાં જોકોવિક અને રોજર ફેડરરની આગેકૂચ

મેલબોર્ન,તા. ૨૧ : ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં મોટા ઉલટફેરનો દોર જારી રહ્યો છે. મહિલાઓના વર્ગમાં રશિયન ગ્લેમર ગર્લ મારિયા શારાપોવાની હાર થઇ છે. શારાપોવાને જર્મનીની ખેલાડી કાર્બરે હાર આપી હતી. કાર્બરે શારાપોવા ઉપર ૬૪ મિનિટમાં જ ૬-૧ અને ૬-૩થી જીત મેળવી છે. વર્ષ ૨૦૧૬માં ચેમ્પિયન બનેલી કાર્બરે આ વખતે છઠ્ઠા ક્રમાંકિત ખેલાડી તરીકે મેદાનમાં ઉતરીને જોરદાર દેખાવ જારી રાખ્યો છે. ૩૦ વર્ષીય કાર્બરે શારાપોવા સામેની મેચ દરમિયાન માત્ર સાત ભુલો કરી હતી. બીજી બાજુ પુરુષોના વર્ગમાં સ્ટાર ખેલાડીઓની આગેકૂચ જારી રહી હતી. જોકોવિકે રામોસ ઉપર ૬-૨, ૬-૩, ૬-૩થી જીત મેળવી હતી. રોજર ફેડરરે ગાસ્કેટ ઉપર ૬-૨, ૭-૫, ૬-૪થી જીત મેળવી હતી. મહિલા વર્ગમાં હાલેપે ડેવિસ ઉપર પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ૪-૬, ૬-૪, ૧૫-૧૩થી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ ચાર ગ્રાન્ડસ્લેમ પૈકીની એક સ્પર્ધા છે. ઓસ્ટ્રેલિયન ઓપન દર વર્ષે મેલબોર્નમાં જાન્યુઆરીના પ્રથમ ત્રણ પખવાડિયામાં યોજાય છે. ૧૯૦૫માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશીપનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ, મહિલા સિંગલ્સની સ્પર્ધા, મિક્સ ડબલ્સની સ્પર્ધા, જુનિયર ચેમ્પિયનશીપ, વ્હીલચેર, પૂર્વ ખેલાડીઓની સ્પર્ધા યોજાય છે. ૧૯૮૮ પહેલા આ સ્પર્ધા ગ્રાસકોટ ઉપર રમાતી હતી પરંતુ ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. ૧૯૮૮ બાદ મેલબોર્ન પાર્કમાં બે પ્રકારની હાર્ડ કોર્ટ સરફેસનો ઉપયોગ કરવામાં આવે છે.ઓસ્ટ્રેલિયન ઓપનમાં બે પ્રકારના ક્વોટ બનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ઓપનનો ઇતિહાસ ખૂબ શાનદાર રહ્યો છે. ઓસ્ટ્રેલયન ઓપનમાં સૌથી વધારે ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ રોય ઇમર્સને મેળવ્યો છે. ઇમર્સને છ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી છે. મહિલા વર્ગમાં આ રેકોર્ડ માર્ગારેટ કોર્ટના નામે છે. માર્ગારેટ કોર્ટે ૧૧ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી હતી. ઓસ્ટ્રેલિયન ઓપન દિનપ્રતિદિન રોચક બની રહી છે. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ આગામી દિવસોમાં વધુ રોમાંચક બને તેવા સંકેત છે. કારણ કે પુરૂષોના વર્ગમાં રાફેલ નડાલ, રોજર ફેડરર અને નોવાક જોકોવિક વચ્ચે સીધી સ્પર્ધા છે. સર્બિયાનો નોવાક જોકોવિક પણ છ મહિનાના બ્રેક બાદ પરત ફર્યો છે. આવી સ્થિતીમાં તે કેવો દેખાવ કરે છે તે બાબત ઉપયોગી રહેશે. ચાહકો ભારે ઉસુક દેખાઇ રહ્યા છે. આ વખતે મુખ્ય સ્પર્ધા રોજર ફેડરર અને રાફેલ નડાલ વચ્ચે જોવા મળી રહી છે. જેથી તમામ ટેનિસ ચાહકોની નજર પણ આ બન્ને ખેલાડી પર કેન્દ્રિત થઇ ગઇ છે. વર્લ્ડ નંબર વન ખેલાડી નડાલે વર્ષ ૨૦૦૯માં આ સ્પર્ધા જીતી લેવામાં સફળતા મેળવી હતી.

(7:37 pm IST)