Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

લખનૌના એકાના સ્ટેડિયમના પીચ ક્યુરેટરને હટાવી દેવાયો

લખનૌમાં ભારત-ન્યૂઝીલેન્ડ બીજી ટી૨૦ લો સ્કોરિંગ રહી હતીઃ મેચ બાદ બંને ટીમોએ પીચની ટીકા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો

નવી દિલ્હી, તા.૩૧ ઃલખનૌના એકાના સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટી૨૦રમાઈ હતી. ભારતે આ મેચ જીતીને શ્રેણીમાં ૧-૧થી બરાબરી કરી લીધી છે. મેચ બાદ બંને ટીમોએ પીચની ટીકા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કારણે એકાના સ્ટેડિયમના પીચ ક્યુરેટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે એકાનામાં રમાયેલી મેચમાં બંને ટીમો માત્ર ૧૦૦ રનની નજીક પહોંચી શકી હતી. અહીં સ્પિન બોલરોને ઘણી મદદ મળી હતી. પીચમાં ઘણો વળાંક હતો. બંને ઇનિંગ્સમાં એક પણ સિક્સર ફટકારી શકાઈ ન હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ૯૯ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય બેટ્સમેનોનો પણ પરસેવો છૂટી ગયો હતો. ભારતે છેલ્લી ઓવરમાં ભારે મુશ્કેલીથી મેચ ૬ વિકેટે જીતી લીધી હતી.

મેચ બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું, સાચું કહું તો, આ એક વિકેટ ચોંકાવનારી હતી. અમે ઘણી મુશ્કેલ પીચો પર રમ્યા છીએ, તેનાથી કોઈ ફરક પડતો નથી. હું તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છું, પરંતુ તે ટી૨૦ માટે બનાવવામાં આવી નથી.  આ સાથે જ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ પારસ મ્હામ્બરેએ પણ ટીકા કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કદાચ આ કારણોસર સ્ટેડિયમ મેનેજમેન્ટે પિચ ક્યુરેટર વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સૂત્રના જણાવ્યા અનુસાર કાળી માટીમાંથી પિચ તૈયાર કરવા માટે પિચ ક્યુરેટરને હટાવી દેવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે પીચ ક્યુરેટરે થોડા જ સમયમાં લાલ માટીમાંથી પીચ તૈયાર કરી હતી, પરંતુ આ પીચ યોગ્ય ધોરણ પ્રમાણે બની શકી ન હતી.

 

 

 

 

 

 

 

(8:05 pm IST)