Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ટીમમાં ખેલાડીઓની પ્રતિભાના દમ પર પસંદગી કરાય છે, ફરવા માટે નહીં: રાહુલ દ્રવિડ

કોલંબો, ભારતીય ક્રિકેટ ટીમના લગભગ ૯ ખેલાડીઓ આઈસોલેશનમાં છે અને તેવામાં શ્રીલંકાની સામે ટી૨૦ સીરિઝની બીજી મેચમાં તેને બચેલાં ૧૧ ખેલાડીઓ સાથે જ મેદાન પર ઉતરવું પડ્યું. કોરોનાને કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. ટીમ મેનેજમેન્ટના તમામ ખેલાડીઓને મેદાન પર ઉતરવું પડ્યું હતું.

બુધવારે ભારત તરફથી ટી૨૦ ઈન્ટરનેશલનમાં દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, નીતિશ રાણા અને ચેતન સાકરિયાએ ટી૨૦ ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું. ભારતીય કોચ રાહુલ દ્રવિડે આ ખેલાડીઓને પસંદ કરવાને લઈને આવી રહેલી પ્રતિક્રિયાઓ પર પોતાનું મંતવ્ય આપ્યું હતું. તેઓનું માનવું છે કે જે ખેલાડીઓને આ પ્રવાસ પર પસંદ કરાયા છે તે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ફિટ છે.  જ્યારે અમે વન ડે સીરિઝ જીતી તો અંતિમ મેચમાં અમે યુવા ખેલાડીઓને મોકો આપવાનું વિચાર્યું હતું. અહીંની પરિસ્થિતિઓએ અમને સીરિઝ જીતવા પહેલાં જ આમ કરવા પર મજબૂર કરી દીધા. પણ મારો પૂરો વિશ્વાસ છે કે જો તમે ભારત માટે રમવા પસંદ કરાયો છો તો પછી તે ૧૫ ખેલાડી હોય કે ૨૦, તમે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવા લાયક છો. મને નથી લાગતું કે સિલેકટર્સ તમને ૧૫માં ફકત એટલા માટે પસંદ કરે છે કે તમે બેંચ પર બેસી શકો અને રજાઓ માણી શકો. ડેબ્યૂ કરી રહેલ ખેલાડી જો કે આ ગોલ્ડન અવસરનો પૂરેપૂરો લાભ લઈ શક્યા નથી અને શ્રીલંકાની સામે રોમાંચક મેચમાં તેઓને ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

દ્રવિડે કહ્યું કે, હું આ બધી વાતોથી મતલબ રાખતો નથી. હું ટીમને જોઉ છું. ૨૦ યુવાઓ ટીમમાં પસંદ કરાયા જે અહીં રમી રહ્યા છે તે સારું પ્રદર્શન કરીને આવ્યા છે. આ ભારતમાં સરળ નથી. જે ખેલાડી અહીં સુધી પહોંચે છે તે ડિઝર્વ કરે છે. દરેક વખતે એમ નથી થતું કે તમે દરેક વખતે બધા ખેલાડીઓને ટીમમાં રમાડી શકો. એ સારી વાત છે કે અમે વધારેમાં વધારે ખેલાડીઓને મોકો આપી રહ્યા છે.

દ્રવિડને લાગે છે કે જે ખેલાડી અહીં પહોંચે છે તેઓએ આ જગ્યા કમાવી છે. એમ થયું કે તમામ પાંચ ખેલાડી જેઓએ શ્રીલંકા સીરિઝ પહેલાં કોઈ મેચ નથી રમી તેઓએ અહીં ઓછામાં ઓછી એક મેચમાં જરૂ.ર રમ્યા હોય. જો કે દ્રવિડ માને છે કે તેમાં કાંઈ ખોટું નથી.

(3:57 pm IST)