Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

બ્રાયન લારાથી પણ કેપ્ટન વિરાટ કોહલી હવે આગળ

જોહાનીસબર્ગ ટેસ્ટ મારફતે ૧૨ પોઇન્ટ મળ્યાઃ સર્વકાલીન ખેલાડી રેંકિંગમાં વિરાટ કોહલી આગળ થયો

નવી દિલ્હી,તા. ૨૯: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બ્રાયન લારાને પાછળ છોડી દેવામાં સફળ રહ્યો છે. હાલમાં જ આફ્રિકા સામે પૂર્ણ થયેલી અંતિમ ટેસ્ટ મેચમાં ૧૨ પોઇન્ટ મેળવી લઇને ટેસ્ટ બેટ્સમેનોની સર્વકાલીન રેન્કિંગમાં તે વેસ્ટ ઇન્ડિઝના મહાન ખેલાડી બ્રાયન લારાને પાછળ છોડી દેવામાં તે સફળ સાબિત થઇ ગયો છે. કોહલીએ આફ્રિકાની સામે ત્રીજી અને અંતિમ ટેસ્ટની શરૂઆતમાં ૯૦૦ પોઇન્ટ મેળવી લીધા હતા. આ ટેસ્ટમાં તે ૫૪ અને ૪૧ રનની ઇનિગ્સ રમીને તે વધુ ૧૨ પોઇન્ટ હાંસલ કરવામાં સફળ રહ્યો હતો. આનો અર્થ એ થયો કે તેના હવે ૯૧૨ પોઇન્ટ થઇ ગયા છે. તે સર્વકાલીન યાદીમાં ૨૬માં સ્થાન પર પહોંચી ગયો છે. જેમાં મહાન ખેલાડી ડોન બ્રેડમેન ૯૬૧ પોઇન્ટ લઇને ટોપ પર રહ્યો છે. વર્તમાન સમયમાં નંબર એક ખેલાડી સ્ટીવ સ્મિથ ૯૪૭ પોઇન્ટની સાથે સર્વકાલીન ખેલાડીની યાદીમાં બીજા સ્થાને છે. કોહલીએ આ રીતે ૩૧માં સ્થાનથી કુદકો લગાવીને હવે તે ૨૬માં સ્થાને પહોંચી ગયો છે. તે લારાના ૯૧૧, કેવિન પીટરસનના ૯-૦, હાસીમ અમલાના ૯૦૦, શિવનારાયણના ૯૦૧ અને માઇકલ ક્લાર્કના ૯૦૦ પોઇન્ટ કરતા વધારે પોઇન્ટ ધરાવે છે. કોહલી હવે અન્ય ભારતીય ખેલાડી અને આઇસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમ સુનિલ ગાવસ્કરના રેકોર્ડની નજીક પહોંચી ગયો છે. ગાવસ્કરે વર્ષ ૧૯૭૯માં ઇંગ્લેન્ડની સામે ધ ઓવલમાં ૯૧૬ પોઇન્ટ મેળવ્યા હતા.

 

વિરાટ કોહલીની પાસે જુનમાં અફઘાનિસ્તાનની સામે એકમાત્ર ટેસ્ટ અને ઇંગ્લેન્ડની સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણમીમાં વધારે પોઇન્ટ મેળવી લેવાની તક રહેશે. વિરાટ યશકલગીમાં એક પછી એક સિદ્ધી મેળવી રહ્યો છે.

 

(1:25 pm IST)