Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ટીમના ડોકટરે કર્યુ હતું મારૂ યૌનશોષણ

ચાર ઓલીમ્પીક ગોલ્ડ જીતનાર અમેરીકાની જીમ્નેસ્ટ સિમોન બાઇલ્સે કર્યો ચોંકાવનારો આક્ષેપ, કહ્યું... :૧૯૮૦થી ર૦૧પ સુધી અમેરીકાની ટીમ સાથે જોડાયેલા આ જલ્લાદ ડોકટર સામે કુલ ૧૩૦ મહીલાઓએ શોષણનો કેસ કર્યો છે

નવી દિલ્હી, તા., ૧૭: ચાર ઓલીમ્પીક ગોલ્ડ મેડલ જીતનાર અમેરીકાની જિમ્નેસ્ટ સીમોન બાઇલ્સે કબુલાત કરી હતી. અમેરીકાની જિમ્નેસ્ટીક ટીમના ભુતપુર્વ ડોકટર લેરી નાસરે તેનું યૌન શોષણ કર્યુ હતું. કેટલીક મહિલા જિમ્નેસ્ટ ખેલાડીઓએ કરેલા આરોપ અને તેના કમ્પ્યુટરમાંથી મળેલી ચાઇલ્ડ સેકસની વાંધાજનક તસ્વીરોને કારણે લેરી નારસ અત્યારે ૬૦ વર્ષની જેલની સજા ભોગવી રહયો છે.

દરમ્યાન ર૦૧૬માં રિયો ઓલીમ્પીકસની વિવિધ જીમ્નેસ્ટીક સ્પર્ધાઓમાં ભવ્ય પ્રદર્શન કરનાર ર૦ વર્ષની સિમોન બાઇલ્સે કહયું હતું કે મોટા ભાગના લોકો મને હસમુખી અને ઉત્સાહથી ભરેલી યુવતી ગણે છે. પરંતુ હાલના દિવસોમાં હું ભાંગી પડી છું. હું મારા અવાજને દબાવવાનો જેટલો પ્રયત્ન કરૂ છું એટલું જ મારૂ મન ના પાડે છે. હું મારી વાત કહેતા ડરીશ નહી. હું પણ એવી ઘણી યુવતીઓ પૈકી એક છું જેનું લેરી નાસરે યૌન શોષણ કર્યુ હોય.

લેરી નાસર વિરૂધ્ધ ત્રણ ભુતપુર્વ અમેરીકાની જીમ્નેસ્ટે ઇલાજ કરવાના બહાને યૌન શોષણ કરવાનો આરોપ મુકયો હતો. સિમોન બાઇલ્સે વધુમાં કહયું હતું કે ર૦ર૦માં ટોકયો ઓલીમ્પીકસની તૈયારી કરતી મારા માટે આ ખરાબ અનુભવને મનમાં જ દબાવી રાખવો મુશ્કેલ હતો. હું એ જ સ્થળે તૈયારી કરવા જઇશ જયાં મારૂ યૌન શોષણ થયું હતું. મને આ રમત પ્રત્યે પ્રેમ છે. હું કયારેય હાર નહી માનું.

લેરી નાસર ૧૯૮૦ થી જુલાઇ ર૦૧પ સુધી અમેરીકાની ટીમ સાથે જોડાયેલો હતો. તેની વિરૂધ્ધ કુલ ૧૩૦ મહીલાઓએ શોષણનો કેસ દાખલ કર્યો છે.

(4:53 pm IST)