Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

અમદાવાદમાં અક્ષર પટેલે રચ્યો ઇતિહાસ : પહેલા જ બોલે વિકેટ ઝડપી રેકોર્ડ બનાવ્યો

બંને ઇનિંગમાં કુલ 11 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો

અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ હતી. જેમાં ભારતે ઇંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યુ છે. આ મેચમાં અક્ષર પટેલ અને અશ્વિને ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. તેની સાથે જ અક્ષર પટેલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્રથમ જ બોલે ઇન્ગ્લેન્ડના બેટ્સમેન જૈક ક્રાઉલીને આઉટ કરવામાં સફળતા મળી છે. આમ કરતા જ અક્ષર પટેલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પટેલ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આમ કરનાર ઇતિહાસમાં ચોથો સ્પિનર બન્યો છે, જેણે ઇનિંગ્સના પહેલા જ બોલ પર વિકેટ લેવાનું કામ કર્યું છે. તે જ સમયે પટેલ ભારતનો બીજો સ્પિનર છે, જે ઇનિંગ્સના પહેલા જ બોલ પર વિકેટ લેવામાં સફળ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અશ્વિને પણ આ શ્રેણીમાં આ અદ્ભુત પ્રદર્શન કર્યું હતું

ઉલ્લેખનીય છે કે બોબી પીલ, આલ્બર્ટ બોગલર અને અશ્વિને અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં આટલું મોટું કામ કર્યું છે. ક્રિકેટમાં સૌથી પહેલા 1888માં ઇંગ્લેન્ડના સ્પિનર બૉબી પીલે ઓસ્ટ્રેલિયાના એલેક બૈનરમૈનને ઇનિંગના પ્રથમ બોલે જ આઉટ કર્યો હતો.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાનો ઐતિહાસીક પ્રારંભ થયો છે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટ મેચમાં 10 વિકેટે હરાવ્યું હતું. માત્ર 2 દિવસમાં જ ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ધૂળ ચાટતુ કરી દીધુ હતું. ભારત તરફથી લોકલ બોય અક્ષર પટેલે 11 વિકેટ ઝડપી હતી જયારે આર.અશ્વિને 7 વિકેટ ઝડપી હતી. આ સાથે જ ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ભારત 2-1થી આગળ થઇ ગયુ છે.

ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સ 81 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ટેસ્ટ ક્રિકેટમાં ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડનો આ સૌથી ઓછો સ્કોર છે. ભારતને જીતવા માટે 49 રનનો પડકાર મળ્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલે 5, અશ્વિને 4 અને સુંદરે 1 વિકેટ ઝડપી હતી

સ્ટાર ઓફ સ્પિનર આર.અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ પુરી કરી છે. અશ્વિને જોફ્રા આર્ચરને LBW આઉટ કરી આ સિદ્ધિ મેળવી હતી. અશ્વિન 400 વિકેટ ઝડપનાર ભારતનો ચોથો બોલર બની ગયો છે. અશ્વિન (401) પહેલા હરભજન સિંહ (417), કપિલ દેવ (434) અને અનિલ કુંબલે (619) આ સિદ્ધિ મેળવી ચુક્યા છે

અક્ષર પટેલે પોતાના હોમગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તરખાટ મચાવ્યો હતો. તેણે વિરોધી ટીમ ઇંગ્લેન્ડની બંને ઇનિંગમાં કુલ 11 વિકેટ ઝડપી. પટેલે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ, જ્યારે બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.

ભારતની પ્રથમ ઇનિંગ્સ 145 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતે ઇંગ્લેંન્ડ પર 33 રનની લીડ મેળવી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 66 રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ 27 રનની ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી જ્યારે જેક લીચે 4 વિકેટ ઝડપી હતી. IND vs ENG Akshar Patel

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે. આ ઉપરાંત પાંચ મેચોની ટી-20 સીરીઝ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

(10:22 pm IST)