Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

હરમનપ્રીત કૌરે છોડી દીધી રેલ્વેની નોકરીઃવર્લ્ડકપની ઈનિંગ્સે બનાવી ડીએસપી

ગયા વર્ષે વિમેન્સ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ફટકારેલા નોટઆઉટ ૧૭૧ રનને કારણે દેશભરમાં જાણીતી બની, ત્યારબાદ પંજાબ સરકારે મોકલ્યો હતો પ્રસ્તાવ

ભારતની ટી-૨૦ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર હવે ભારતીય રેલ્વેની નોકરી છોડીને પંજાબ પોલીસમાં ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી) તરીકે પોતાની સેવા આપશે. તે આવતા મહિને નવા પદનો કાર્યભાર સંભાળશે. પંજાબ સરકાર દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી. આ મામલે ભારતીય રેલ્વેએ રાજય સરકારને માહિતી આપી હતી.

અગાઉ અર્જુન પુરસ્કારથી સન્માનિત હરમનપ્રીતને વેસ્ટર્ન રેલ્વે ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ કર્મચારી તરીકે ચાલુ રાખવા માગતી હતી, જયાં તે છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત હતી. તેણે ગયા વર્ષે આ પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. પરંતુ રેલ્વે સાથેના બોન્ડ મુજબ તે પાંચ વર્ષ સુધી અન્ય કોઈ સ્થળે જોડાઈ ન શકે એવી શરત હતી, અન્યથા તેણે ત્રણ વર્ષનો પગાર રેલ્વેને ચૂકવવાનો હતો, જેને કારણે તેની ડીએસપી તરીકેની નિયુકિત લંબાઈ હતી.

હરમનપ્રીત પંજાબના મોગા જિલ્લામાં રહે છે. પંજાબના મુખ્ય પ્રધાન અમરીન્દરસિંહે આ મામલે ખુશી વ્યકત કરતા કહ્યું હતું કે, હરમનપ્રીત પોતાના કાર્યને યથાવત રાખશે અને પંજાબનું ગૌરવ વધારશે. મુખ્ય પ્રધાને રેલ્વેપ્રધાન પિયુષ ગોયલને હરમનપ્રીતને નવા પદ પર નિયુકિત માટે મંજૂરી આપવા બદલ આભાર માન્યો હતો. મુખ્ય પ્રધાન અંગત રીતે આ મામલાને આગળ લઈ ગયા હતા. તેમ જ રેલ્વેને હરમનપ્રીતનું રાજીનામુ સ્વીકારવાની વિનંતી કરી હતી.

પંજાબ સરકારે ગયા વર્ષે જુલાઈમાં હરમનપ્રીતને ડીએસપી તરીકે જોડાવા માટેનો પ્રસ્તાવ મોકલ્યો હતો. ગયા વર્ષે જ વિમેન્સ વર્લ્ડકપમાં હરમનપ્રીતની નોટઆઉટ ૧૭૧ રનની ઈનિંગ્સના દમ પર ભારતે સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. પોતાની આ ઈનિંગ્સને કારણે હરમનપ્રીત સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની હતી. તેની આ ઈનિંગ્સનો પડઘો પંજાબ સરકાર સુધી પહોંચ્યો હતો.

(1:02 pm IST)