Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ટી-૨૦ મુંબઈ લીગ યુવા ખેલાડીઓ માટે યોગ્ય પ્લેટફોર્મ

૧૧થી ૨૧ માર્ચ સુધી વાનખેડે સ્ટેડિયમમાં થશે આ ટુર્નામેન્ટનું આયોજન : આવી લીગના કારણે ભલે તમે રણજી ન રમો છતાં તમારા કુટુંબનું ભરણપોષણ કરી શકો એ બહુ મોટી વાત છે : સચિન

મુંબઈ ક્રિકેટ એસોસીએશન દ્વારા આયોજીત ટી-૨૦ મુંબઈ લીગના લોન્ચીંગ વખતે બ્રેન્ડ - એમ્બેસેડર સચિન તેન્ડુલકરે કહ્યુ હતું કે આવી લીગ શરૂ કરવાની ઘણી જરૂર હતી. આ ટુર્નામેન્ટ રાજયના યુવાઓ માટે પ્રતિભા દેખાડવાનું યોગ્ય પ્લેટફોર્મ બનશે. મુંબઈ ક્રિકેટે હંમેશા ભારતીય ક્રિકેટમાં આગેવાની લીધી છે અને આંકડાઓ એ વાતની સાબિતી પૂરે છે. મને આ લીગનો ભાગ બનવા બદલ ખુશી છે.

ટી-૨૦ મુંબઈ લીગનું આયોજન ૧૧થી ૨૧ માર્ચ સુધી વાનખેડે સ્ટેડિયમમાં થશે.

સચિન તેન્ડુલકરે આ પ્રસંગે મુંબઈ ક્રિકેટના ઈતિહાસની વાત કરતાં કહ્યું હતું કે મુંબઈ ૪૧ વખત રણજી ટ્રોફી જીત્યુ હતું. મને હજી પણ યાદ છે કે હું નાનો હતો ત્યારે કામથ મેમોરીયલ કલબમાં પદ્માકર શિવલકર મારી સામે બોલીંગ કરતા હતા. તેઓ મારા કરતા ઉંમરમાં અંદાજે ત્રણ ગણા મોટા હતા. આવી વસ્તુ માત્ર મુંબઈમાં જ શકય બને છે. વળી મુંબઈમાં એવા ઘણા ક્રિકેટરો હતા જેઓ નેશનલ ટીમમાં સ્થાન નહોતા મેળવી શકયા, કારણ કે કોઈ જગ્યા જ નહોતી, એવી જ રીતે કલબ - ક્રિકેટરો રણજી ટ્રોફીમાં રમવાને લાયક હતા, પરંતુ રમી નહોતા શકયા. આવી લીગને કારણે ભલે તમે રણજી ન રમો છતાં તમારા કુટુંબનું ભરણપોષણ કરી શકો જે બહુ મોટી વાત છે.

(1:00 pm IST)