Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ટોકયો ઓલિમ્પિકનો દબદબાભેર પ્રારંભઃ ઓપનિંગ સેરેમનીમાં ૨૦ ખેલાડી અધિકારીઓની હાજરી

આર્ચરીમાં દિપીકાકુમારી જીત સાથે અભિયાન શરુ કરશેઃ દુર દર્શન અને સોની-ટેનની સ્પોર્ટસ ચેનલોમાં લાઇવ પ્રસારણ

ટોકયોઃ જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલિમ્પિકની શરુઆત થઇ રહી છે. રમતોની શરુઆત તો થઇ ચૂકી છેે.  ઉદ્ધાટન સમારંભની શરુઆત આજે ભારતીય સમય પ્રમાણે શરુઆત સાંજે ૪:૩૦એ થશે. કોવિડ-૧૯ના સંક્રમણના જોખમને નિયંત્રિત કરવા આયોજકોના પ્રયાસ અંતર્ગત રાષ્ટ્રીય સ્ટેડિયમમાં ઉદ્ધાટન સમારંભ દરમિયાન મર્યાદિત સંખ્યામાં લોકોને હાજર રાખવાનો નિર્ણય લેવાયો છે.

કોવિડ-૧૯ના કારણે અને કેટલીક પ્રતિયોગિતાઓ આગામી દિવસોમાં છે, જેના કારણે ભારતની સાત રમતના ૨૦ ખેલાડી અને છ અધિકારી આ ઓલિમ્પિકના ઉદ્ધાટન સમારંભમાં ભાગ લેશે. ભારતે મોટાભાગના ખેલાડીઓને આ સમારંભથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે.

પહેલા દિવસે ભારત આર્ચરીમાં ભાગ લેશે. આર્ચરીમાં મહિલા વ્યકિતગત કેટેગરીમાં દીપિકા કુમારીના હાથમાં કમાન છે. રેન્કિંગ રાઉન્ડમાં દીપિકા કુમારીએ નવમુ સ્થાન મેળવ્યુ છે. આ આધાર પર જ તેમનો ડ્રો નક્કી થશે. આર્ચરી વ્યકિતગત પુરુષ રેન્કિંગ રાઉન્ડમાં તરુણદીપ રાય , અતનુ દાસ અને પ્રવીણ જાધવ ભાગ લેશે. જેને મેડલના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. દૂરદર્શનની સ્પોર્ટ્સ ચેનલ પરથી ટોક્યો ઑલિમ્પિકસનું જીવંત પ્રસારણ કરવામાં આવશે અને દૂરદર્શનની અન્ય ચેનલો અને ઑલ ઇન્ડિયા રેડિયો (એઆઇઆર) પરથી આ મેગા આંતરરાષ્ટ્રીય રમતોત્સવ અંગે ખાસ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે. ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦નું લાઇવ પ્રસારણ દૂરદર્શન અને ડીડી સ્પોર્ટસ પર જોઈ શકાશે. આ સિવાય સોની સ્પોર્ટ્સ નેટવર્ક   પર પણ લાઇવ જોઈ શકાશે.  ડીડી સ્પોર્ટ્સ પર રોજ સવારે પાંચ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ઑલિમ્પિકની વિવિદ રમતોનું પ્રસારણ કરવામાં આવશે, જેની માહિતી ડીડી સ્પોર્ટ્સ અને એઆઇઆર સ્પોર્ટ્સ ટ્વિટર હેન્ડલ પર દરરોજ મૂકવામાં આવશે.

(3:54 pm IST)