Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

નામીબિયાએ રચ્યો ઇતિહાસ, આયર્લેન્ડને હરાવી સુપર-12 માં પહોંચ્યું : મેદાનમાં રડી પડ્યો કેપ્ટન

નાનકડી ટીમે પ્રથમ વખત T20 વર્લ્ડ કપના મુખ્ય રાઉન્ડમાં સ્થાન મેળવ્યું

આઇસીસી T20 વર્લ્ડ કપ 2021ના પ્રથમ રાઉન્ડમાં ફરી એક વખત ઇતિહાસ રચાયો હતો. પ્રથમ રાઉન્ડની મેચોના છેલ્લા દિવસે, નામીબિયાએ આયર્લેન્ડ સામે ઔતિહાસિક વિજય નોંધાવતા, સુપર-12 માં સ્થાન મેળવ્યું છે. આફ્રિકન ખંડની આ નાનકડી ટીમે પ્રથમ વખત T20 વર્લ્ડ કપના મુખ્ય રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે જ્યાંથી ટીમ હવે ટાઇટલ માટે પોતાનો દાવો રજૂ કરશે.

શુક્રવાર, 22 ઓક્ટોબરે અબુ ધાબીમાં રમાયેલી ગ્રુપ-એ મેચમાં, નામીબીયાએ આયર્લેન્ડને માત્ર 125 રનના નાના સ્કોર સુધી મર્યાદિત રાખ્યુ હતુ. ત્યાર બાદ 19 મી ઓવરમાં કેપ્ટન ગેહાર્ડ ઇરાસ્મસની લડાયક અણનમ અડધી સદીની મદદથી લક્ષ્‍યનો પીછો કર્યો હતો. યાદગાર જીત દ્વારા 2003 ના વનડે વર્લ્ડ કપ બાદ પ્રથમ વખત એવું બન્યું છે, કે નામીબિયા વર્લ્ડ કપના મુખ્ય રાઉન્ડમાં રમશે.

T20 વર્લ્ડકપમાં પ્રથમ વખત, નામીબીયાની ટીમે આ વખતે વર્લ્ડકપના ઇતિહાસમાં (વનડે અને T20) પ્રથમ વિજય નોંધાવ્યો. ગ્રુપ A માં તેમના મજબૂત નેધરલેન્ડને આંચકો આપ્યા બાદ, નામીબીયા પાસે બીજા રાઉન્ડમાં પહોંચવાની સારી તક હતી. જોકે, તેની સામે આયર્લેન્ડ જેવી મજબૂત ટીમનો પડકાર હતો,. જે ICC નુ સંપૂર્ણ સભ્ય છે અને તેણે ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો પ્રાપ્ત કરેલો છે. આયર્લેન્ડ પણ એક મેચ જીતી ગયું છે. આવી સ્થિતિમાં, આ મેચ જીતનાર ટીમને આગળના રાઉન્ડમાં પહોંચવાની તક હતી અને નામીબીયાએ આ ઐતિહાસિક તકને હાથમાંથી સરકવા દીધી નહીં.

આ ડુ ઓર ડાઇ મેચમાં આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરી અને ટીમના ઓપનરોએ શાનદાર શરૂઆત કરી હતી. પોલ સ્ટર્લિંગ અને કેવિન ઓ બ્રાયનની અનુભવી ઓપનિંગ જોડીએ પાવરપ્લેમાં 55 રન બનાવ્યા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 7.2 ઓવરમાં 62 રનની મજબૂત ભાગીદારી થઇ હતી. સ્ટર્લિંગ માત્ર 24 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો હતો. જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. ટૂંક સમયમાં ઓ’બ્રાયને પણ તેને અનુસર્યું. તે 25 રન (24 બોલ, 2 ચોગ્ગા) કર્યા બાદ આઉટ થયો હતો.

(9:54 pm IST)