Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કલાસેનની તોફાની ઈનિંગ : ભારત હાર્યુ

ભારત - ૧૮૮/૪, આફ્રિકા - ૧૮૯/૪ : સિરીઝ ૧-૧ની બરાબરી પર : ચહલ ખૂબ ધોવાયો ૪ ઓવરમાં ૬૪ રન આપ્યા : હવે શનિવારે ત્રીજો ટી-૨૦

સેન્ચુરિયન : દક્ષિણ આફ્રિકાએ તેના આક્રમક બેટ્સમેન અને વિકેટકીપર હેન્રીક કલાસેનના ધુઆંધાર ૬૯ રન અને કેપ્ટન જયાં-પૌલ ડુમિનીના અણનમ ૬૪ રનની મદદથી ગઈ કાલે ભારતને અહીં બીજી ટ્વેન્ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ૬-વિકેટથી હરાવીને ૩-મેચોની સિરીઝને ૧-૧થી  સમાન કરી છે. ત્રીજો અને અંતિમ અને નિર્ણાયક મેચ ૨૪મીના શનિવારે કેપ ટાઉનમાં રમાશે.

ડુમિનીએ ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ આપી હતી. ભારતે મનીષ પાંડે (૭૯ નોટઆઉટ) અને મહેન્દ્ર સિંહ ધોની (૫૨ નોટઆઉટ) વચ્ચે ૯૮ રનની અતૂટ ભાગીદારીની મદદથી ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૮૮ રન કર્યા હતા.

દક્ષિણ આફ્રિકાની ટીમે તેના જવાબમાં ૧૮.૪ ઓવરમાં ૪ વિકેટે ૧૮૯ રન કરીને મેચ જીતી લીધો હતો. કલાસેને માત્ર ૩૦ બોલમાં અને ૭ છગ્ગા, ૩ ચોગ્ગાની મદદથી ૬૯ રન ઝૂડી કાઢ્યા હતા. ડુમિનીને ૪૦ બોલમાં કરેલા અણનમ ૬૪ રનમાં ૩ છગ્ગા અને ૪ ચોગ્ગા હતા.

આ બંને બેટ્સમેન ભારતના સ્ટાર સ્પિનર – લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સામે વધારે આક્રમક રહ્યા હતા. ચહલે તેની ૪ ઓવરમાં ૬૪ રન આપ્યા હતા અને એકેય વિકેટ લેવામાં એને સફળતા મળી નહોતી.

ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે જે.જે. સ્મટ (૨)ને આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી હતી. શાર્દુર ઠાકુરે ત્યારબાદ રીઝા હેન્ડરીકસ (૨૬)ને આઉટ કર્યો હતો, પણ ત્યારપછી ડુમિની અને કલાસેનની જોડીએ માત્ર ૮.૧ ઓવરમાં ૯૩ રનની ભાગીદારી કરી હતી. એ ભાગીદારીએ ભારતની જીતની શકયતાને ભૂંસી નાખી હતી.

ઉનડકટે કલાસેનની વિકેટ લીધા બાદ હાર્દિક પટેલે ડેવિડ મિલર (૫)ને સસ્તામાં આઉટ કર્યો હતો, પણ સામે છેડે કેપ્ટન ડુમિની હાથમાં આવેલી જીતની બાજી છોડવાના મૂડમાં નહોતો. એને ફરહાન બેહરડીનનો સાથ મળ્યો હતો જે ૧૦ બોલમાં ૧૬ રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ભારતના દાવમાં, રોહિત શર્મા પહેલા જ બોલે ઝીરો પર આઉટ થયો હતો. શિખર ધવન (૨૪) અને સુરેશ રૈના (૩૦)એ બીજી વિકેટ માટે ૪૪ રન કર્યા હતા. વિરાટ કોહલીને માત્ર એક જ રનના વ્યકિતગત સ્કોર પર જુનિયર ડાલા કીપર કલાસેનના ગ્લોવ્ઝમાં સપડાવી દેવામાં સફળ થયો હતો.

મનીષ પાંડેએ ૪૮ બોલમાં ૩ સિકસર, ૬ બાઉન્ડરી ફટકારી હતી. તો ધોનીએ ૨૮ બોલમાં ૩ સિકસર અને ચાર બાઉન્ડરી સાથે બાવન રન કર્યા હતા. ધોનીએ દાવની છેલ્લી, પેટરસને ફેંકેલી ઓવરમાં ૧૭ રન ફટકાર્યા હતા. ટ્વેન્ટી-૨૦ કારકિર્દીમાં ધોનીની આ બીજી હાફ સેન્ચુરી છે.

(1:13 am IST)