Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ભારતને તક

બ્રિસબેનમાં ભારતની જીતથી સમિકરણ બદલાયા : કોરોનાના કારણે કેટલિક ટેસ્ટ સિરિઝ રદ કરવી પડતા આઈઆઈસીએ પોઈન્ટ પધ્ધતિને ફરી વખત તૈયાર કરી

બ્રિસબેન : બ્રિસબેનમાં ઐતિહાસિક જીતે ભારતને ના ફક્ત ઑસ્ટ્રેલિયા સામે સિરીઝ જીત અપાવી, પરંતુ ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ના પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. આનાથી જૂનમાં પહેલીવાર થનારી ડબલ્યુટીસી ફાઇનલમાં જગ્યા બનાવવાની તેની સંભાવના પણ ઘણી વધી ગઈ છે. અત્યારના સમીકરણો પર નજર નાંખીએ તો આ ભારત, ન્યૂઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયાના દાવેદાર હોવા વિશે લાગી રહ્યું છે. ઇંગ્લેન્ડની પાસે પણ તક છે.

વર્તમાન કેલેન્ડરમાં કોરોના વાયરસના કારણે ઘણું જ નુકસાન થયું અને કેટલીક ટેસ્ટ સિરીઝને રદ્દ પણ કરવી પડી. આ કારણે આઈસીસીએ ગત નવેમ્બરમાં ડબલ્યુટીસી પોઇન્ટ ટેબલની પદ્ધતિને ફરીથી તૈયાર કરવી પડી. હવે ટીમોને કોઈ પણ સિરીઝમાં કુલ પોઇન્ટ્સમાંથી જીતેલા પોઇન્ટ્સની ટકાવારી પ્રમાણે સ્થાન આપવામાં આવ્યું છે. કોઈ પણ ટેસ્ટ સિરીઝમાં કુલ પોઇન્ટ્સની સંખ્યા ૧૨૦ છે. ઉદાહરણ તરીકે ભારત-ઑસ્ટ્રેલિયા સિરીઝમાં એક જીતમાં ૩૦ પોઇન્ટ્સ, એક ટાઈથી ૧૫ અને ડ્રોના ૧૦ પોઇન્ટ્સ હોય છે, જેના આધારે ટકાવારીની ગણના કરવામાં આવે છે. જો ટીમના પોઇન્ટ્સ ટકાવારીના આધાર પર રાખવામાં આવે છે તો રન પ્રતિ વિકેટ ગુણોત્તર કરવામાં આવશે.

ભારતે હવે ઇંગ્લેન્ડની સામે ૪ મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. તેને સંભવિત ૧૨૦માંથી વધુ ૮૦ પોઇન્ટ્સની જરૂર છે જેનાથી તે ન્યૂઝીલેન્ડથી આગળ રહી શકે. ભારતે ડબલ્યુટીસી ફાઇનલમાં પોતાની જગ્યા બનાવવા માટે ઇંગ્લેન્ડને ૨ મેચોના અંતરથી હરાવવું પડશે. જો ભારત ૧ ટેસ્ટ હારી જાય છે તો તેણે બાકીની ત્રણેય મેચ જીતવી પડશે. જેમકે ભારતે ૪-૦, ૩-૧, ૩-૦ અથવા ૨-૦થી સિરીઝ જીતવી પડશે. જો ભારત ૦-૩ અથવા ૦-૪થી હારી જાય છે તો ફાઇનલમાં નહીં પહોંચી શકે. ન્યૂઝીલેન્ડની બાંગ્લાદેશ સામેની સિરીઝની પુષ્ટિ નહોતી થઈ, આ કારણે તે ૬૦૦માંથી ૪૨૦ પોઇ્ટ્સ પર રહે તેવી સંભાવના છે. જો કે આ બીજી ટીમોના હાર-જીતના પરિણામો પર નિર્ભર કરે છે કે તે ફાઇનલમાં જગ્યા બનાવે છે કે નહીં. જો સાઉથ આફ્રિકા ઑસ્ટ્રેલિયાને ૩-૦ અથવા ૨-૦થી હરાવે અને ઇંગ્લેન્ડે તેની તમામ મેચો જીતી તો ન્યૂઝીલેન્ડ બહાર થઈ જશે.

ઑસ્ટ્રેલિયાને એમસીજે ટેસ્ટમાં ધીમી ઑવર રેટના કારણે ૪ અંકોનું નુકસાન ઉઠાવવું પડ્યું. હવે તેને સાઉથ આફ્રિકાની વિરુદ્ધ ઓછામાં ઓછા ૮૯ પોઇન્ટ્સની જરૂર છે. જો કે આ સિરીઝની હજુ પુષ્ટિ નથી થઈ. ઑસ્ટ્રેલિયાએ આ સિરીઝમાં ત્રણમાંથી ઓછામાં ઓછી ૨ મેચ જીતવાની રહેશે અને કોઈ પણ હારથી બચવાનું રહેશે. જો સાઉથ આફ્રિકાની ટીમ પોતાના ઘરઆંગણાની આ સિરીઝ જીતી જાય છે તો ઑસ્ટ્રેલિયા રેસમાંથી બહાર થઈ જશે.

ઇંગ્લેન્ડની પાસે પણ તક છે. તેણે ગૉલ ટેસ્ટમાં જો રૂટની શાનદાર ઇનિંગના દમ પર શ્રીલંકાને હરાવ્યું. હવે તેણે ભારતને ૩-૦ અથવા ૪-૦થી હરાવવું પડશે, જો તેણે પોતાની આશાઓ જીવંત રાખવી છે. ભારત સામે ૨-૨થી ડ્રો સિરીઝ પણ તેના માટે પર્યાપ્ત નહીં હોય. દક્ષિણ આફ્રિકા જો ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામે ક્લિન સ્વીપ કરે છે તો તેની પાસે તક છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ આ રેસમાંથી બહાર છે.

(7:39 pm IST)