Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

હોકી ટુર્નામેન્ટ : ન્યુઝીલેન્ડ પર ભારતની ૩-૧થી જીત

આજે ભારતની ફાઇનલમાં બેલ્જિયમ સામે ટક્કર : ભારતીય ટીમની જોરદાર દેખાવ સાથે ફાઇનલમાં એન્ટ્રી

ટિરંગા,તા. ૨૦ : ન્યુઝીલેન્ડમાં રમાઇ રહેલી ચાર દેશોની હોકી ટુર્નામેન્ટમાં આજે ભારતીય ટીમે જોરદાર દેખાવ કરીને ન્યુઝીલેન્ડ પર જીત મેળવી હતી. ભારતીય ટીમે યજમાન ટીમ પર ૩-૧થી જીત મેળવી હતી. આની સાથે જ ભારતીય ટીમે ફાઇનલમાં આગેકુચ કરી લીધી છે. આ શ્રેણઁીમાં ભારતની આ ત્રીજી મેચ હતી. ભારત તરફથી તમામ ખેલાડીઓએ જોરદાર દેખાવ કર્યો હતો. ટીમ તરફથી હરમનપ્રીત સિંહ, દિલપ્રીત સિંહ અને મનદીપ સિંહે ગોલ ફટકાર્યા હતા. જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી કમાત્ર ગોલ કેન રસેલે કર્યો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આવતીકાલે રમાનાર છે. ભારતીય ટીમ ફેવરીટ ખેલાડી તરીકે મેદાનમાં ઉતરનાર છે. આવતીકાલે રવિવારના દિવસે ટીમ ઇન્ડિયા ઓલિમ્પિકમાં રજત ચન્દ્રક વિજેતા બેલ્જિયમ સાથે ટકરાશે. બેલ્જિયમે જાપન પર ૪-૧થી જીત મેળવીને ફાઇનલમાં કુચ કરી છે. ફાઇનલ મેચ જોરદાર રોમાંચક બની શકે છે. સાથે સાથે આ મેચને જોવા માટે મોટી સંખ્યામાં ભારતીય ચાહકો મેદાનમાં પહોંચે તેવી શક્યતા છે. સાથે સાથે ટીવી પર પણ મોટી સંખ્યામાં લોકો મેચ નિહાળે તેવી શક્યતા છે. યજમાન ન્યુઝીલેન્ડને આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી જવા માટે ઓછામાં ઓછા ડ્રાની જરૂર હતી. જો કે તેની આજે હાર થઇ હતી. વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાન પર રહેલી ભારતીય ટીમે જોરદાર દેખાવ કરીને ન્યુઝીલેન્ડ પર જીત મેળવી હતી. સાથે સાથે ફાઇનલમાં પહોંચવાની તેની આશા પર પાણી ફેરવી દીધુ હતુ. ભારતે રમતની બીજી મિનિટમાં જ ગોલ કરીને લીડ મેળવી લીધી હતી. હરમનપ્રીતના પુશબેંક પર ભારતને પેનલ્ટી કોર્નર મળ્યા બાદ ભારતે કોઇ તક છોડી ન હતી. બીજા હાફમાં ભારતે ૨૧મી મિનિટમાં ગોલ કર્યો હતો.

(12:21 am IST)