Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ત્રીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં થશે મોટો ફેરફાર

પાર્થિવ પટેલને બદલે દિનેશ કાર્તિક, રોહિત શર્માને બદલે અજિંકય રહાણે : પૂજારા અને મુરલીની પણ થશે છુટ્ટી

સેન્ચુરીયન ટેસ્ટમાં કારમી હાર બાદ અને સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં મળેલી હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીની થતી ટીકા પર આઈસીસીના એવોર્ડ્સ એક મલમના સમાચાર બનીને આવ્યા હતા. પરંતુ સીરીઝમાં મળેલી હારનું નુકશાન ત્રીજી ટેસ્ટમાં કાગળ પરના વાઘ પુરવાર થયેલા સીનીયર ખેલાડીઓએ સહન કરવું પડશે. એ પૈકી કેટલાકને તો પહેલા જ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કાઢવામાં આવશે એવી આશા હતી, પરંતુ જોહનિસબર્ગમાં ૨૪ જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં એક બે નહિં, પરંતુ ચાર દિગ્ગજોને બહાર કરવામાં આવશે.

બંને ટેસ્ટમાં કોહલી સિવાય કોઈ બેટ્સમેન સાઉથ આફ્રિકાના બોલરોનો સામનો નહોતા કરી શકયા. સેન્ચુરીયનમાં ભારતમાં જોવા મળે એવી પીચ પર પણ દિગ્ગજો નિષ્ફળ ગયા હતા. ભારતીય બેટ્સમેનો જીત માટેના ૨૮૭ રનના લક્ષ્યાંકને પણ નહોતા આંબી શકયા. એથી ત્રીજી ટેસ્ટમાં આ બેટ્સમેનોની છુટ્ટી લગભગ નક્કી જ છે. સિલેકટરોએ વિકેટકીપર દિનેશ કાર્તિકને બોલાવી લીધો હતો. એથી મેચ પહેલા જ સ્પષ્ટ થઈ ગયુ હતું કે પાર્થિવ પટેલને નહીં રમાડાય. કેપટાઉન ટેસ્ટથી જ અજિંકય રહાણેને ન રમાડવા બદલ કોહલીની ટીકા કરવામાં આવી રહી છે. સેન્ચુરીયનમાં ભલે બીજી ઈનીંગ્સમાં રોહિત શર્માએ ૪૭ રન કર્યા હોય, પરંતુ હવે ઘણુ મોડુ થઈ ગયુ છે. આ ઉપરાંત ચેતેશ્વર પૂજારા અને મુરલી વિજયને પણ ચોથી ટેસ્ટમાં નહીં રમાડાય.

(12:35 pm IST)