Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ટીમ ઇન્ડિયાને રાહત :કાઉન્ટી ઈલેવન સામે મેચ પહેલા જ ઋષભ પંતનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ

ઋષભ પંત કોરોનાથી સ્વસ્થ થતા બુધવારથી ટીમની સાથે જોડાઈ શકે તેવી સંભાવના

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 4 ઓગસ્ટથી ટેસ્ટ શ્રેણીની શરૂઆત થનારી છે. માટે ભારતીય ટીમે ડરહમમાં તૈયારીઓ શરુ કરી છે. સિરીઝ પહેલા કાઉન્ટી ઈલેવન સામે ભારતીય ટીમ અભ્યાસ મેચ રમનાર છે.આ દરમ્યાન જ ભારતીય ટીમને મોટી રાહત મળી છે ઋષભ પંત  કોરોના રિપોર્ટમાં નેગેટિવ જણાઈ આવ્યો છે. જે હવે આગામી બુધવારથી ટીમની સાથે જોડાઈ શકે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે.

ભારતીય ટીમમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત કોરોનાથી સ્વસ્થ થઈ ચુક્યો છે. હવે તે ખૂબ જલ્દીથી ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે. તેનો કોરોના રિપોર્ટ કરવામાં આવતા આ દરમિયાન તે નેગેટિવ હોવાનું જણાઈ આવ્યું હતું. હવે તે આગામી બુધવારથી ભારતીય ટીમ સાથે જોડાઈ શકે એવી સંભાવના છે. WTC ફાઈનલ મેચ બાદ ત્રણ સપ્તાહની રજાઓ ભારતીય ટીમે મનાવી હતી.

રજાઓ દરમ્યાન ઋષભ પંત કોરોના પોઝિટિવ હોવાનું જણાઈ આવ્યું હતું. જેને લઈ ભારતીય ટીમના એવા કેટલાક ખેલાડીઓ સામે પણ સવાલો થવા લાગ્યા હતા કે તેઓ ભીડ ધરાવતા સ્થળો પર છુટથી ફરી રહ્યા હતા. જેમ કે યુરો કપ 2020 મેચ અને વિમ્બ્લ્ડન મેચ જોવા માટે કેટલાક ખેલાડીઓ પહોંચ્યા હતા. જેમાં ઋષભ પંત પણ સામેલ હતો. તેણે ફુટબોલ મેચની મજા માસ્ક વગર મિત્રો સાથે માણી હતી.

ત્રણ સપ્તાહની મળેલી રજાઓ દરમ્યાન ઋષભ પંતે તેના મિત્રો સાથે રજાના મસ્તીભર્યા દિવસો પસાર કર્યા હતા. આવી જ કેટલીક તસવીરો પણ તેણે સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ સમયગાળામાં જ તે કોરોના પોઝિટિવ હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારબાદ લંડનમાં તેના મિત્રના ઘરે તેને ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યો હતો. જેને લઈ તે ડરહમમાં ટીમ સાથે રજાઓ પૂર્ણ થતા જોડાઈ શક્યો ન હતો.

(12:29 am IST)