Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

રવિ શાસ્ત્રી આઈપીએલ કોચિંગ, કોમેન્ટ્રી કરે એવી શક્યતા

ટી ૨૦ વર્લ્ડકપ બાદ રવી શાસ્ત્રી કોચ પદ છોડશે : ક્રિકેટર તરીકેની કારકિર્દી પૂરી કર્યા બાદ રવી શાસ્ત્રી લાંબા સમય સુધી કોમેન્ટ્રી સાથે જોડાયેલા હતા

નવી દિલ્હી, તા.૧૮ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સિનિયર મેન્સ ટીમના હેડ કોચ, બેટિંગ કોચ અને બોલિંગ કોચ સહિત ૫ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. જોકે આ પ્રક્રિયાને માત્ર ઔપચારિક માનવામાં આવી રહી છે. કારણ કે, આ પહેલા જ સમાચાર આવી ચૂક્યા છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનશે. તેઓ ટી ૨૦ વર્લ્ડ કપ બાદ રવિ શાસ્ત્રીનું સ્થાન લેશે.

બીસીસીઆઈ મુજબ, બેટિંગ કોચ (ટીમ ઈન્ડિયા-સિનિયર મેન્સ)ના પદ માટે અરજીઓ ૩ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ સાંજે ૫ વાગ્યા સુધીમાં સબમિટ કરવાની રહેશે. ૩ નવેમ્બર, ૨૦૨૧ના રોજ સાંજે ૫ વાગ્યા સુધી બોલિંગ કોચ (ટીમ ઇન્ડિયા - સિનિયર મેન)ની પોસ્ટ માટે અરજીઓ સબમિટ કરવાની રહેશે. ૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ સાંજે ૫ વાગ્યા સુધી ફિલ્ડિંગ કોચ (ટીમ ઇન્ડિયા - સિનિયર મેન્સ)ની પોસ્ટ માટે અરજીઓ મોકલવાની રહેશે. એનસીબી સાથે હેડ સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિનની પોસ્ટ માટે અરજીઓ ૩ નવેમ્બર, ૨૦૨૧ના રોજ સાંજે ૫ વાગ્યા સુધીમાં સબમિટ કરવી પડશે. કોઈપણ કોચિંગ ભૂમિકા માટે અરજી કરતા તમામ ઉમેદવારો માટે નિમણૂક સમયે ૬૦ વર્ષથી ઓછી ઉંમર હોવી જરૂરી છે. વર્તમાન મુખ્ય કોચ રવિ શાસ્ત્રી મે ૨૦૨૨માં ૬૦ વર્ષના થશે. બોલિંગ કોચ ભરત અરુણ ડિસેમ્બરમાં ૫૯ વર્ષના થશે. આ ઉપરાંત બેટિંગ કોચ વિક્રમ રાઠોડ હાલમાં ૫૩ વર્ષના છે. ફિલ્ડિંગ કોચ આર શ્રીધર ૫૧ વર્ષના છે. આ તમામ વ્યક્તિઓ અરજી કરવા પાત્ર છે, પરંતુ એવું માનવામાં આવે છે કે રાઠોડ સિવાય કોઈ પણ કોચિંગ પોસ્ટ્સ માટે તેમની અરજી મોકલશે નહીં.શાસ્ત્રીએ છેલ્લા ૧૫ વર્ષમાં ભારતીય ટીમ સાથે ચાર અલગ અલગ કાર્યકાળ પૂર્ણ કર્યા છે. તેઓ બે વખત મુખ્ય કોચ તરીકે સામેલ થયા છે. તેમના એક પરિચિતનું કહેવું છે કે ટી ૨૦ વર્લ્ડ કપ સાથે તેમનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ રવિ શાસ્ત્રી આઈપીએલ કોચિંગ અથવા કોમેન્ટ્રી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર તરીકેની કારકિર્દી પૂરી કર્યા બાદ તેઓ લાંબા સમય સુધી કોમેન્ટ્રી સાથે જોડાયેલા હતા. એક સમયે તેમનો અવાજ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો હતો.

(7:39 pm IST)