Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

અમેરિકાની દિગ્‍ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્‍સે ઓસ્‍ટ્રેલિયન ઓપનની સેમિ ફાઇનલમાં હારનો સામનો કરવો પડયોઃ ટેનિસને અલવિદા કહેશે તેવી ચર્ચાએ જોર પકડયુ

મેલબોર્નઃ દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સનું ઓસ્ટ્રેલિયન ઓપનમાં રેકોર્ડ 24મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાનું સપનું સમાપ્ત થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સેમિફાઇનલ મુકાબલામાં અમેરિકી દિગ્ગજને નાઓમી ઓસાકાના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. આ હારની સાથે ઓસ્ટ્રેલિયન ઓપનમાં સેરેના વિલિયમ્સની સફર સમાપ્ત થઈ ગઈ છે.

ઓસાકાએ મહિલા સિંગલની પ્રથમ સેમિફાઇનલમાં સેરેનાને 6-3, 6-4થી હરાવી છે. આ પહેલા 2018માં યૂએસ ઓપનની પ્રથમ સેમિફાઇનલમાં સેરેનાને હરાવનારી ઓસાકા ચોથીવાર કોઈ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચી છે. આ સાથે તેણે પોતાના વિજય અભિયાનને 20 મેચો સુધી પણ પહોંચાડી દીધું છે.

જાપાનની ત્રીજા વરિયતા પ્રાપ્ત ઓસાકાએ પાછલા વર્ષે પણ યૂએસ ઓપન (US OPEN) નું ટાઇટલ જીત્યું હતું, તો 2019માં તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બની હતી. તે શનિવારે ફાઇનલમાં અમેરિકાની જેનિફર બ્રાડી અને ચેક ગણરાજ્યની કારોલિના મુચોવા વચ્ચે રમાનાર બીજી સેમિફાઇનલના વિજેતા સામે ટકરાશે.

સ્ટેડિયમમાં થઈ દર્શકોની વાપસી

ગુરૂવારે રોડ લેવર એરેનામાં દર્શકોની વાપસી થઈ છે. તેમને કોવિડ-19 લૉકડાઉનને કારણે પાંચ દિવસ સુધી સ્ટેડિયમમાં આવવાથી રોકવામાં આવ્યા હતા. સેરેના અને ઓસાકાની મેચ જોવા માટે 7000 લોકોને મંજૂરી આપવામાં આવી જે સ્ટેડિયમની ક્ષમતાથી અડધી છે.

આ હાર્ડકોર્ટ ટૂર્નામેન્ટમાં સૌથી ગરમ દિવસ હતો. તાપમાન 300 ડિગ્રી પર પહોંચી ગયું હતું અને તેવામાં ઓસાકાની શરૂઆત સારી ન રહી. તેણે ભૂલ કરી જેથી સેરેના પ્રથમ સેટમાં 2-0થી આગળ થઈ ગઈ હતી. ઓસાકાના વધુ એક ડબલ ફોલ્ટથી સેરેનાની પાસે બ્રેક પોઈન્ટ લઈને 3-0ની લીડ બનાવવાની તક હતી પરંતુ તે ચુકી ગઈ અને ત્યારબાદ જાપાની ખેલાડીએ દમદાર વાપસી કરી હતી.

(4:51 pm IST)